Valsad News/ ભીલાડમાં LPG ગેસ ચોરીનું કૌભાંડ ઝડપાયું, SOG પોલીસે ટેન્કર અને સિલિન્ડર જપ્ત કર્યા

Valsadના ભીલાડ નજીક એસઓજી પોલીસે એલપીજી ગેસના ટેન્કરોમાંથી ગેરકાયદે રિફિલિંગ કરતું કૌભાંડ પકડ્યું છે. ટેન્કર ડ્રાઈવરો દ્વારા ગેસ ચોરીના આ રેકેટનો પર્દાફાશ કરી લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો.

Top Stories Gujarat Others
Valsad SOG Police News

Valsad SOG Police News: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના ભીલાડ પંથકમાં જીવલેણ જોખમ ઊભું કરી રહેલા ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. વલસાડ એસઓજી (SOG) પોલીસે બાતમીના આધારે દરોડા પાડીને LPG ગેસના ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે ગેસ ચોરી કરી નાના સિલિન્ડરમાં ભરવાનું મોટું રેકેટ પકડી પાડ્યું છે. પોલીસે ટેન્કર, પિકઅપ વાહન અને ગેસના બાટલા સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Valsad SOG Police News

સેન્ટર પહોંચતા પહેલા જ ડ્રાઈવરો ખેલ પાડતા હતા

મળતી માહિતી મુજબ, આ કૌભાંડમાં ગેસ ટેન્કરના ડ્રાઈવરોની સીધી સંડોવણી સામે આવી છે. અમરેલીથી ગેસ ભરીને સરીગામ સ્થિત શિવ શક્તિ ગેસ પ્લાન્ટ તરફ જઈ રહેલા ટેન્કરો જ્યારે ભીલાડ નજીક સર્વિસ રોડ પર રોકાતા, ત્યારે ડ્રાઈવરો પ્લાન્ટ પહોંચતા પહેલા જ રસ્તામાં ગેસની ચોરી કરતા હતા. ચોરી કરેલો આ ગેસ ગેરકાયદેસર રીતે અન્ય ખાલી સિલિન્ડરોમાં રિફિલિંગ કરીને બજારમાં ઊંચા ભાવે વેચી દેવામાં આવતો હતો.

Valsad SOG Police News

Valsad SOG પોલીસે ફિલ્મી ઢબે પાડી રેડ

વલસાડ એસઓજી પોલીસને આ કૌભાંડની ચોક્કસ બાતમી મળી હતી કે ભીલાડ નજીક સર્વિસ રોડ પર ગેસ ચોરીનું નેટવર્ક ચાલી રહ્યું છે. પોલીસે તાત્કાલિક વોચ ગોઠવીને રેડ પાડતા ટેન્કરોમાંથી ગેસ કાઢવાની કામગીરી રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી LPG ગેસ ભરેલું ટેન્કર, રિફિલિંગ માટે વપરાતું પિકઅપ વાહન, ગેસના અનેક સિલિન્ડરો અને પાઈપ, મોબાઈલ અને અન્ય સાધનો સહિતનો તમામ મુદ્દામાલ કબજે લીધો છે.

મોટી દુર્ઘટનાની હતી ભીતિ

રસ્તા પર આ રીતે ખુલ્લેઆમ ગેસ રિફિલિંગ કરવું એ કોઈપણ મોટી આગની દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન હતું. જો રિફિલિંગ દરમિયાન કોઈ નાનકડું શોર્ટ સર્કિટ કે તણખલું થયું હોત, તો ભીલાડ પંથકમાં મોટી જાનહાનિ થઈ શકી હોત. પોલીસે હાલમાં ટેન્કર ડ્રાઈવરો અને આ નેટવર્ક પાછળ કોણ માસ્ટરમાઈન્ડ છે તેની તપાસ તેજ કરી છે.

સરકાર અને ગ્રાહકોને બેવડું નુકસાન

આ પ્રકારના કૌભાંડોને કારણે એક તરફ સરકારને ટેક્સની આવકમાં નુકસાન થાય છે અને બીજી તરફ સામાન્ય ગ્રાહકોને સિલિન્ડરમાં ગેસ ઓછો મળવાની ફરિયાદો રહે છે. વલસાડ એસઓજીની આ કામગીરીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.


આ પણ વાંચો:વલસાડના નર્મદા સાંસ્કૃતિક ભવનમાં લગ્ન પ્રસંગ દરમિયાન પાર્કિંગમાં આગ, મહેમાનોમાં અફરાતફરી

આ પણ વાંચો:વલસાડમાં દારૂ ભરેલી કારમાં લાગી આગ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર અકસ્માત

આ પણ વાંચો:વલસાડની GIDCમાં લાગી ભયંક આગ, કામદારોનો આબાદ બચાવ