Sabarkantha News : સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં બનેલા ત્રણ ગંભીર માર્ગ અકસ્માતો(Accident)એ ચિંતા વધારી છે. હિંમતનગર આસપાસના હાઈવે વિસ્તારોમાં બનેલી આ દુર્ઘટનાઓમાં બે લોકોના મોત થયા છે અને ચાર જેટલા લોકો ઘાયલ થયા છે.
પ્રથમ અકસ્માત:
હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે પર કૃષ્ણનગર પાટિયા નજીક સોમવારે સવારે એક સ્કોર્પિયો કાર ટ્રેક્ટર-ટ્રેલરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કરની અસર એટલી ભારે હતી કે ટ્રેક્ટર રસ્તાની બાજુએ પલટી ગયું. ટ્રેક્ટર ચલાવતા ખેડૂત રાકેશસિંહ અર્જુનસિંહ મકવાણા (ઉંમર અંદાજે 40, મોર ડુંગરા) ટાયર નીચે દબાઈ જતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું. ફાયર ટીમે પહોંચી 15 મિનિટની મહેનત બાદ મૃતદેહ બહાર કાઢ્યો. આ ઘટનામાં અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થયા છે.

બીજો અકસ્માત:
ગાંભોઈ નજીક રણાસણ ત્રણ રસ્તા ઓવરબ્રિજ પાસે આઈશર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત (Accident)થયો. રોડ ક્રોસ કરતી બાઈકને ટ્રકે ટક્કર મારતા નીતીનસિંહ રંગુસિંહ પરમાર (ઉંમર 35)નું મોત થયું. અન્ય બે યુવકો—નારણસિંહ પરમાર (ઉંમર 36) ગંભીર રીતે ઘાયલ અને દલપત પરમાર (ઉંમર 37)ને સામાન્ય ઈજાઓ પહોંચી છે. પોલીસ દ્વારા ટ્રક કબજે લઈને તપાસ શરૂ કરવામાં આવી છે.
ત્રીજો બનાવ (ચમત્કારિક બચાવ):
હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે 48 પર વિરાવાડા નજીક રાત્રે એક બેફામ ટ્રકે પાર્ક કરેલી કારને ટક્કર મારી હતી. અમદાવાદથી ઉદેપુર જતો એક પરિવાર કાર પાર્ક કરીને હોટલમાં જમવા ગયો હતો. આ દરમિયાન ટ્રકે વીજ થાંભલો તોડી કારને કચડી નાખી. સદભાગ્યે પરિવાર કારમાં ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી.
આ સતત વધી રહેલા અકસ્માતો(Accident) હાઈવે પર વધતી બેદરકારી અને ઓવરસ્પીડિંગને લઈને ચિંતાજનક પરિસ્થિતિ દર્શાવે છે. પોલીસ દ્વારા વાહનચાલકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે.
