Ahmedabad News : અમદાવાદની બહુ ચર્ચિત સ્નેહાંજલિ સોસાયટી મામલે નવા અને ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે સ્નેહાંજલિ સોસાયટી આવેલી જમીન મૂળ અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (AUDA)ના હસ્તક હતી.
વર્ષ 1983-84 દરમિયાન સ્નેહાંજલિ સોસાયટીના સભ્યોએ સર્વે નંબર 113/2ની જમીન વેચાણથી ખરીદી હતી. જોકે આ સર્વે નંબરના બદલે ફાઈનલ પ્લોટ (FP) નંબર 68ની ફાળવણી અન્ય સ્થળે કરવામાં આવી હતી.
1989માં જ AUDA સમક્ષ વાંધો ઉઠ્યો હતો
મહત્વની બાબત એ છે કે સોસાયટીના સભ્યોને FP ફાળવણી અંગે જાણ હોવા છતાં તેમણે પોતાની ફાળવેલી જગ્યા પર નહીં પરંતુ અન્ય સ્થળે વર્ષ 1989માં બાંધકામ શરૂ કર્યું હતું. જેના કારણે જે માલિકોને આ જમીન FP તરીકે ફાળવવામાં આવી હતી તેમણે AUDA સમક્ષ વાંધો નોંધાવ્યો હતો.
આ સમગ્ર મામલે AUDA દ્વારા સ્નેહાંજલિ સોસાયટીના રહીશોને ગેરકાયદેસર બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી. એટલે કે રહીશો આ બાબતથી સંપૂર્ણ રીતે વાકેફ હતા કે તેઓ જે જગ્યા પર બાંધકામ કરી રહ્યા છે તે તેમની માલિકીની નથી.
કોર્ટમાં દાવો અને સ્ટે ઓર્ડર
AUDAની નોટિસ સામે સોસાયટીના રહીશોએ સીટી સિવિલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. ત્યારબાદ કોર્ટ દ્વારા બાંધકામ દૂર કરવા અંગે મનાઈ હુકમ (સ્ટે) આપવામાં આવ્યો હતો.
1997માં માલિકીની એન્ટ્રી રદ
સ્નેહાંજલિ સોસાયટીના રહીશોએ સર્વે નંબર 113/2ની જમીન મૂળ માલિકોના પાવર ઓફ એટર્ની હોલ્ડર પાસેથી ખરીદી હતી. પરંતુ આ જમીન વેચાણના હકો મૂળ માલિકોએ પાવર ઓફ એટર્નીને આપ્યા ન હોવાનું બહાર આવ્યું હતું.
મૂળ માલિકોએ રેવન્યુ ઓથોરિટી સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે આ વેચાણ તેમની મંજૂરીથી થયું નથી. પરિણામે વર્ષ 1997માં રેવન્યુ રેકોર્ડમાં સ્નેહાંજલિ સોસાયટીની સર્વે નંબર 113/2 પરની માલિકીની એન્ટ્રી રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.

