Ahmedabad News : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ભ્રષ્ટાચારનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાસણા વિસ્તારમાં નવા બનેલા સરકારી આશ્રય સ્થાનમાં (આવાસ) કોન્ટ્રાક્ટર અને AMCના કેટલાક અધિકારીઓએ મળીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યો હોવાનો ભાજપ(BJP)ના જ કોર્પોરેટરે આક્ષેપ કર્યો છે. આ આવાસના આશરે 2.50 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે, પરંતુ તેમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના પુરાવા મળી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, વાસણામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે આ આશ્રય સ્થાન બનાવવામાં આવ્યું હતું. ચાર(04) માળના આ ભવનમાં અનેક ક્ષતિઓ જોવા મળી રહી છે. તૂટેલી પાઇપો અને ટપકતા નળ સામાન્ય બાબત બની ગયા છે, જ્યારે છત પરથી પોપડા પડવાના શરૂ થઈ ગયા છે. આના કારણે આશ્રય સ્થાનની ગુણવત્તા પર ગંભીર સવાલો ઊભા થયા છે.
આ સમગ્ર મામલાનો પર્દાફાશ ભાજપ(BJP)ના કોર્પોરેટર મેહુલ શાહે (Mehul Shah) કર્યો છે. તેમણે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આ અંગે લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કર્યો છે અને તેના બદલામાં મોંઘા બિલો રજૂ કર્યા છે. આ સાથે જ, AMCના અધિકારીઓએ પણ આ કામનું યોગ્ય રીતે સુપરવિઝન કર્યું નથી, જેના કારણે કોન્ટ્રાક્ટરને ભ્રષ્ટાચાર કરવાની તક મળી ગઈ હતી. આશ્રય સ્થાનના નિર્માણ દરમિયાન એક પણ વખત સ્થળ પર જઈને કામની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી નથી. અધિકારીઓએ કાગળ પર જ બધું બરાબર હોવાનું દર્શાવ્યું છે, જ્યારે વાસ્તવિકતા તદ્દન જુદી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે અધિકારીઓની મીલીભગત વિના આ પ્રકારનું કૌભાંડ શક્ય જ નથી.

આ ઘટનાએ AMCના કાર્યપ્રણાલી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. એક તરફ AMC શહેરના વિકાસની વાતો કરે છે, તો બીજી તરફ આવા ભ્રષ્ટાચારના કિસ્સા સામે આવતા તેની વિશ્વસનીયતા પર અસર પડે છે. ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે બનાવેલા આશ્રય સ્થાનમાં જ જો ભ્રષ્ટાચાર આચરવામાં આવે તો સામાન્ય લોકોનો વિશ્વાસ ક્યાં જશે તે એક મોટો પ્રશ્ન છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં ફરિયાદ નોંધાયા બાદ હવે AMC પ્રશાસન શું પગલાં લેશે તે જોવાનું રહેશે. શું આ મામલાની ગંભીર તપાસ કરવામાં આવશે? શું જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી થશે? કે પછી આ ફરિયાદ પણ અન્ય ફરિયાદોની જેમ કાગળ પર જ રહી જશે?
કોર્પોરેટર અને લોકો AMC પાસેથી તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે. ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો દાવો કરનાર તંત્ર માટે આ ઘટના એક મોટો પડકાર છે. જો તંત્રના પક્ષના જ કોર્પોરેટર ભ્રષ્ટાચારના આક્ષેપ કરે તો તેની ગંભીરતા સમજવી જોઈએ અને ત્વરિત પણે પગલાં લેવા જોઈએ. AMC પ્રશાસન આ મામલાને ગંભીરતાથી લેશે કે નહીં અને દોષિતો સામે કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવાનું રહેશે.
@ MEHUL DUDHREJIYA
આ પણ વાંચો: AMC ટીમ સાથે નિર્લિપ્ત રાય મનપસંદ જીમખાના પહોંચ્યા, એએમસીએ ગેરકાયદે બાંધકામ તોડ્યા
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલનો AMC માટે મહત્વપૂર્ણ નિર્ણય, ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2 માટે 1003 કરોડ કર્યા મંજૂર
