Ahmedabad News : AMCના પ્લોટમાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ગેરકાયદે બાંધકામનો મામલો સામે આવ્યો છે. જેમાં SG હાઇવે પર ગૃહ ઉદ્યોગના નામે સ્ટોલ ભાડે આપવાનાં બોર્ડ પણ મારવામાં આવ્યા છે. એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક આવેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના વિશાળ પ્લોટમાં ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી અને સ્ટોલ બનાવવાની અને તેને ભાડે આપવા માટે જાહેરાત કરવામાં આવી છે.
ભાજપના યુવા હોદ્દેદારોએ ભાગીદારીમાં એક કાર્યકરના નામે ગૃહ ઉદ્યોગના હેતુ માટે પ્લોટ મેળવી ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી કરી અને સ્ટોલ બનાવવાની અને તેને ભાડે આપવા માટે જાહેરાત કરવામાં આવી છે. જ્યાં નેહરુનગર પાથરણાં બજાર અને લાલ દરવાજા કપડાં બજાર ઊભું કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા વહેતી થઈ છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને દૈનિક 1,000ના ભાડા ઉપર જગ્યા મેળવીને ત્યાં ગેરકાયદેસર રીતે બાંધકામ કરી બીજા લોકોને સ્ટોલ ભાડે આપવા માટેની પ્રવૃત્તિને લઈને ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વિશાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ બાંધકામ રોકવા માટે અમારી ટીમને સૂચના આપી છે અને તેને દૂર કરવા માટે પણ જણાવવામાં આવ્યું છે.
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આ વિસ્તારમાં રાઉન્ડ લેવામાં આવ્યો હતો અને હવે આગળની કાર્યવાહી આ મામલે કરવામાં આવશે.મ્યુનિસિપલ કોર્પોરેશનના માલિકીના પ્લોટમાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામોને દૂર કરવા ભાજપના સત્તાધીશોએ સૂચના આપી છે. જોકે અમદાવાદના એસજી હાઇવે પર ગોતા બ્રિજના છેડે મ્યુનિસિપલ કોર્પોરેશનનો TP 32 FP 66નો 24×1000 ચોરસ મીટરનો પ્લોટ આવેલો છે. આ પ્લોટ દૈનિક રૂ.1,000ના ભાડા પર સ્ટેન્ડિંગ કમિટીમાંથી ઠરાવ કરીને ભાડે લેવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની કિંમતના પ્લોટને 11 મહિનાના ભાડા પર મેળવીને ત્યાં ગેરકાયદેસર રીતે લોખંડની એંગલો ઊભી કરી દેવામાં આવી છે.
વિશાળ પ્લોટની જગ્યામાં લોખંડની એંગલો અને નીચે ઇંટ અને સિમેન્ટથી બાંધકામ કરવામાં આવ્યું છે. બાંધકામ કરી અને સ્ટોલ ભાડે આપવા માટેની જાહેરાત પણ ત્યાં કરી દેવામાં આવતા કોર્પોરેશનની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.જો મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્લોટ ભાડે આપવામાં આવ્યો હોય તો તેમાં કોઈ બાંધકામ કરવાનું હોતું નથી. સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરીને ગૃહ ઉદ્યોગ માટે પ્લોટ ભાડે લેવામાં આવ્યો છે ત્યારે ત્યાં ઘરવખરીની ચીજવસ્તુઓ, મહિલાઓ, બાળકોનાં કપડાંથી લઈને અલગ અલગ ચીજવસ્તુઓના વેચાણ માટે સ્ટોલ બનાવીને ભાડે આપવા માટેની કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે. ઠરાવ કરતાં અલગ જ પ્રકારની પ્રવૃત્તિ ત્યાં શરૂ કરવામાં આવી રહી છે.
પ્લોટમાં કેટલીક ખાણીપીણીની લારીઓ પણ મૂકી દેવામાં આવી છે. સ્ટોલ ભાડે આપવા માટેનું મોટું બોર્ડ બહાર લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે.સૂત્રો મુજબ ગોતા બ્રિજના છેડે એસજી હાઇવે પર આવેલા આ વિશાળ પ્લોટમાં લોખંડની એંગલો સાથે અલગ અલગ સ્ટોલ ઊભા કરીને નહેરુનગર પાથરણાં બજાર અને લાલ દરવાજા કપડાં બજાર ઊભું કરવામાં આવી રહ્યું છે. ભાજપના યુવા હોદ્દેદારોએ ભાગીદારીમાં એક કાર્યકર્તાના નામે મ્યુનિસિપલ કોર્પોરેશનના જ એક હોદ્દેદાર દ્વારા ભલામણ કરીને આપવામાં આવ્યો છે.
ભાજપના હોદ્દેદારની ભલામણ હોવાના કારણે ભાજપના કાર્યકર્તા અને બેથી ત્રણ યુવા હોદ્દેદારો ભાગીદારીમાં આ બજાર ઊભું કરાઇ રહ્યું હોવા અંગેની ચર્ચા જાગી છે. કોર્પોરેશનના પ્લોટને ભાજપના જ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાડે અપાવીને ગેરકાયદેસર રીતે ધંધો કરી રહ્યા છે.એક તરફ સામાન્ય માણસ જો કોઈ બાંધકામ કરે અથવા ટેક્સ બાકી હોય તો સીલ મારી દે છે. ગેરકાયદેસર બાંધકામ હોય તો એસ્ટેટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ત્યાં પહોંચી જાય છે અને નોટિસો આપી દે છે, પરંતુ આ કિસ્સામાં ઉત્તર પશ્ચિમ ઝોનના પરમિટ વિભાગના વોર્ડ ઇન્સ્પેક્ટરથી લઇ અને કેટલાક અધિકારીઓ આ મામલે સદંતર નિષ્ક્રિયતા દાખવી રહ્યા છે. પ્લોટ ભાડે આપવા માટે એક હોદ્દેદારની ભલામણ અને ભાજપના કાર્યકર્તા હોવાના કારણે ત્યાં કાર્યવાહી થતી નથી.
આ પણ વાંચો:વલસાડમાં આવકવેરા વિભાગનું મેગા સર્ચ ઓપરેશન! બિલ્ડર સામે તપાસ
આ પણ વાંચો:વલસાડના 108ના કર્મચારીએ આત્મહત્યાનો પ્રયત્ન કર્યો
આ પણ વાંચો:વલસાડમાં બાળકોને અપાતા ભોજન અને નાસ્તાનું અનાજ સડેલું જોવા મળ્યું