Ahmedabad News: અમદાવાદમાં વર્ષ 2016 દરમિયાન નોંધાયેલા પ્રોહેબિશન એક્ટ (Prohibition Act) હેઠળના એક ચર્ચાસ્પદ કેસમાં કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં અર્જુન મોઢવાડિયાના પુત્ર પાર્થ મોઢવાડિયા (Parth Modhwadia) સહિત કુલ 26 લોકો સામે ગુનો નોંધાયો હતો.
Prohibition Act: રેડ દરમિયાન પકડાઈ હતી દારૂ પાર્ટી
8 મે, 2016ની રાત્રે પોલીસને મળેલી બાતમીના આધારે સેટેલાઈટ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન જન્મદિવસની પાર્ટીમાં દારૂ પીતા હોવાના આક્ષેપ સાથે 26 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે પાર્ટી માટે રાજકોટથી લિકર પરમિટના આધારે શરાબ લાવવામાં આવ્યો હતો.
કોર્ટમાં પુરાવા અને સાક્ષીઓની તપાસ
Prohibition Act કેસ અમદાવાદ ગ્રામ્ય મેજિસ્ટ્રેટ કોર્ટમાં ચાલી રહ્યો હતો, જેમાં કોર્ટએ 14 સાક્ષીઓ અને 26 દસ્તાવેજી પુરાવાઓની વિગતવાર તપાસ કરી હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષ દ્વારા રજૂ કરાયેલા દલીલોમાં અનેક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા, જેના કારણે કેસમાં શંકા ઊભી થઈ હતી.
તપાસમાં જોવા મળેલા વિરોધાભાસ
કોર્ટમાં રજૂ થયેલા મુદ્દાઓ અનુસાર, પોલીસ કાર્યવાહી અને તપાસ પ્રક્રિયામાં કેટલીક ખામીઓ સામે આવી હતી, ઘટનાસ્થળે પહોંચતા મકાનનો દરવાજો અડધો ખુલ્લો હોવાનો ઉલ્લેખ, રેડ અંગે ઉચ્ચ અધિકારીઓને પૂર્વ જાણ કરવામાં ન આવવી, કોઈ સ્વતંત્ર સાક્ષીની હાજરી ન હોવી, પંચ સાક્ષી તરીકે આસપાસના વ્યક્તિને સામેલ કરવો ,આરોપીઓના બ્લડ સેમ્પલ સમયસર ન લેવાતા હોવા આ ઉપરાંત ફરિયાદી અધિકારીના નિવેદનોમાં પણ વિરોધાભાસ હોવાનું કોર્ટમાં નોંધાયું હતું.
ACB ફરિયાદ અને વધારાના આક્ષેપ
Prohibition Act કેસ સાથે સંકળાયેલા કેટલાક આક્ષેપો અનુસાર, ફરિયાદી અધિકારી સામે આરોપીઓને રાહત આપવા બદલ નાણાંની માંગણી કર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે એન્ટી કરપ્શન બ્યુરોમાં પણ ફરિયાદ નોંધાઈ હતી, જે તપાસ હેઠળ છે.
Prohibition Act કેસમાં કોર્ટનો ચુકાદો
તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે નિષ્કર્ષ આપ્યો કે આરોપો પૂરતા પ્રમાણમાં સાબિત થઈ શક્યા નથી. પરિણામે તમામ 26 આરોપીઓને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, 4 યુવતી સહિત 21 ઝડપાયા
આ પણ વાંચો:સુરતના અલથાણમાં દારૂ પાર્ટીના કેસમાં નબીરા જૈનમ શાહની ધરપકડ
