Somnath News/ પીએમ મોદીના આગમન પૂર્વે ડેપ્યુટી CM હર્ષ સંઘવી પહોંચ્યા સોમનાથ, રોડ-શૉ રૂટનું કર્યું નિરીક્ષણ

PM Modi Somnath Visit Preparations: 11 મેના રોજ પીએમ મોદીના સોમનાથ પ્રવાસ પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ રોડ-શૉના રૂટનું પગપાળા નિરીક્ષણ કર્યું. સાગરદર્શન ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી.

Top Stories Gujarat Others
PM Modi Somnath Visit Preparations

PM Modi Somnath Visit Preparations: આગામી 11મી મેના રોજ ‘સોમનાથ અમૃત પર્વ’ ની ભવ્ય ઉજવણી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના આંગણે પધારી રહ્યા છે. પીએમ મોદીના આ આગમનને લઈને સોમનાથમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ તૈયારીઓની સમીક્ષા કરવા અને સુરક્ષા વ્યવસ્થાનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સોમનાથ પહોંચીને મોરચો સંભાળી લીધો હતો.

Somnath : હેલિપેડથી મંદિર સુધી પગપાળા નિરીક્ષણ

વડાપ્રધાનના કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તે માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જાતે જ ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને નિરીક્ષણ કર્યું હતું. તેમણે પીએમ મોદીના આગમન સ્થળ એટલે કે હેલિપેડથી લઈને હમીરજી ગોહિલ સર્કલ સુધીના રોડ-શૉના રૂટ અને સમગ્ર મંદિર પરિસર સુધી પગપાળા ચાલીને સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. આ દરમિયાન તેમણે બેરિકેડિંગ, ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગોની સ્થિતિનું બારીકાઈથી અવલોકન કર્યું હતું.

 PM Modi Somnath Visit Preparations

સાગરદર્શન ખાતે યોજાઈ હાઈપાવર સમીક્ષા બેઠક

નિરીક્ષણ બાદ નાયબ મુખ્યમંત્રીએ સાગરદર્શન અતિથિગૃહ ખાતે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીના આગમન-પ્રસ્થાનના રૂટ, વિશાળ સભાસ્થળ, પાર્કિંગની સુવિધા, આરોગ્યલક્ષી સેવાઓ અને ટ્રાફિક નિયંત્રણ જેવા મુદ્દાઓ પર ઝીણવટભરી ચર્ચા કરવામાં આવી હતી. તમામ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન રહે તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ અપાઈ હતી.

નાગરિકો માટે પાણીની વિશેષ વ્યવસ્થા

હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે વડાપ્રધાનના રોડ-શૉ અને સભામાં ઉમટી પડનાર હજારો નાગરિકોને ગરમીથી કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવા હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે. સભાસ્થળે અને રૂટ પર લોકોને ગરમીથી રાહત આપવા સ્પ્રિંકલર્સ (પાણીનો છંટકાવ કરતા મશીન), ઠંડુ પાણી અને છાશની પૂરતી વ્યવસ્થા ગોઠવવા તંત્રને તાકીદ કરવામાં આવી છે.

કયા કયા દિગ્ગજો રહ્યા ઉપસ્થિત?

આ સમીક્ષા બેઠકમાં નાયબ મુખ્યમંત્રીની સાથે રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા, વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરીયા, સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને અનિરૂદ્ધ દવે તેમજ અગ્રસચિવ અશ્વિનીકુમાર સહિતના શીર્ષ અધિકારીઓ હાજર રહ્યા હતા.


આ પણ વાંચો: સોમનાથ દાદાના સાનિધ્યમાં રચાતો નવો ઇતિહાસ! 75 વર્ષમાં કેવું બદલાયું પ્રથમ જ્યોતિર્લિંગ?

આ પણ વાંચો: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ,પ્રભાસ પાટણમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:  સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક