Girsomnath News/ સોમનાથ દાદાના સાનિધ્યમાં રચાતો નવો ઇતિહાસ! 75 વર્ષમાં કેવું બદલાયું પ્રથમ જ્યોતિર્લિંગ?

Somnath મહાદેવ મંદિરમાં 75 વર્ષની વિકાસયાત્રાની ઉજવણી. પીએમ મોદીના નેતૃત્વમાં 4-લેન હાઇવે, વંદે ભારત, મિયાવાકી જંગલ અને ડિજિટલ દર્શન જેવી સુવિધાઓથી બન્યું ગ્લોબલ ટુરિઝમ હબ.

Top Stories Gujarat Others
Somnath Temple Development

Somnath Temple Development: ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં પ્રથમ એવા શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં આગામી દિવસોમાં ભવ્ય ‘અમૃત મહોત્સવ’ યોજાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આ મહોત્સવની ઉજવણી થશે, ત્યારે સોમનાથની 75 વર્ષની વિકાસયાત્રા પર નજર કરવી જરૂરી છે. ખાસ કરીને છેલ્લા બે દાયકામાં, અને તેમાંય પીએમ મોદી જ્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા ત્યારથી, આ પવિત્ર યાત્રાધામ ખરા અર્થમાં તેના ‘સુવર્ણ યુગ’માં પ્રવેશી ચૂક્યું છે.

Somnath : રોજના 25 હજારથી વધુ શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

આજે સોમનાથ માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પણ બેસ્ટ કનેક્ટિવિટી ધરાવતું તીર્થસ્થાન છે, જ્યાં અત્યારે રોજના અંદાજે 25 હજાર અને વર્ષે 97 લાખથી વધુ ભાવિકો દાદાના દર્શનાર્થે આવે છે. યાત્રિકોની સુવિધામાં વધારો કરતા કનેક્ટિવિટીમાં ક્રાંતિ લાવવા 828 કરોડના ખર્ચે જેતપુર–સોમનાથ ફોર લેન હાઇવે તૈયાર કરાયો છે. આ ઉપરાંત, અમદાવાદથી સોમનાથની યાત્રા સાબરમતી–વેરાવળ ‘વંદે ભારત એક્સપ્રેસ’ થકી એકદમ આસાન બની ગઈ છે અને કેશોદ તેમજ રાજકોટ આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટને કારણે વિદેશી પ્રવાસીઓનો ધસારો પણ નોંધપાત્ર રીતે વધ્યો છે.

Somnath Temple Development

શ્રદ્ધા સાથે હાઇટેક સુવિધાઓ

યાત્રિકોને રહેવા-જમવા માટે સાગર દર્શન અને અત્યાધુનિક સર્કિટ હાઉસ જેવી સુવિધાઓ તો છે જ, સાથે જ પરિસરમાં અનેક નવા આકર્ષણો ઉમેરાયા છે, જેમાં સમુદ્ર દર્શન પથ પર વિશાળ સમુદ્ર કિનારે 16 ફૂટ ઊંચી ભવ્ય હનુમાનજીની પ્રતિમા અને 202 જેટલા ‘મારુતિ હાટ’ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. આ ઉપરાંત, સોમનાથના ગૌરવશાળી ઈતિહાસને વર્ણવતો લાઈટ એન્ડ સાઉન્ડ શૉ છેલ્લા 3 વર્ષમાં 10 લાખથી વધુ લોકો નિહાળી ચૂક્યા છે, તેમજ મહાદેવ પર અભિષેક કરાયેલા ગંગાજળને ખાસ પ્રક્રિયાથી રિફાઇન કરીને ભાવિકોને ‘સોમગંગા’ પ્રસાદ રૂપે આપવામાં આવે છે.

‘નેટ-ઝીરો’ ટેમ્પલ તરફ પ્રયાણ

સોમનાથ મંદિર માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ પર્યાવરણ જાળવણીનું ઉત્તમ મોડેલ બન્યું છે, જેને વર્ષ 2018 માં ‘સ્વચ્છ આઇકોનિક પ્લેસ’ નો દરજ્જો મળ્યો હતો. અહીં મંદિરમાં ચઢતા ફૂલોમાંથી વર્મીકમ્પોસ્ટ ખાતર બનાવી તેનો ઉપયોગ 1700 બિલ્વ વૃક્ષો ઉછેરવા થાય છે, જ્યારે કચરામાંથી દર મહિને 4700 જેટલા પ્લાસ્ટિક-ફ્લાય ઍશ પેવર બ્લોક્સ બનાવવામાં આવે છે. આ ઉપરાંત, 72,000 ચોરસ ફૂટમાં 7200 વૃક્ષો ધરાવતું મિયાવાકી વન ઊભું કરાયું છે અને 6 વરસાદી કૂવા તેમજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ થકી દર મહિને લાખો લિટર ગંદા પાણીને શુદ્ધ કરી તેને સિંચાઈ અને વનીકરણ માટે વાપરવામાં આવે છે.

Somnath Temple Development

ઘરબેઠા ડીજીટલ દર્શન અને પૂજા બુકિંગ

શ્રી સોમનાથ ટ્રસ્ટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શ્રદ્ધાળુઓ માટે ઘરે બેઠા સુવિધાઓ ઊભી કરી છે. દેશ-વિદેશના ભક્તો હવે ઓનલાઈન માધ્યમથી લાઈવ દર્શન, રૂમ બુકિંગ, સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા અને રુદ્રાભિષેકનું રજીસ્ટ્રેશન કરી શકે છે. એટલું જ નહીં, માતા પાર્વતીને ચડાવેલ સાડી, મહાદેવના શૃંગારના વસ્ત્રો કે ચાંદીના સિક્કા ઓનલાઈન મંગાવીને ઘરબેઠા પ્રસાદી પ્રાપ્ત કરી શકે છે.


આ પણ વાંચો: સોમનાથ મંદિર હસ્તકનું શોપીંગ સેન્ટર જમીનદોસ્ત કરવામાં આવ્યું

આ પણ વાંચો: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ,પ્રભાસ પાટણમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:  સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક