Somnath Amrutparv 2026: પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-2026” ને લઈને શિવભક્તોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અમૃતપર્વ દરમિયાન દેવાધિદેવ મહાદેવની પવિત્ર ભૂમિ પર એક નવો ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. પુનઃનિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં પહેલીવાર મંદિરના ગગનચુંબી શિખર પર 11 પવિત્ર તીર્થોના જળથી ‘કુંભાભિષેક’ કરવામાં આવશે.

પીએમ મોદીની વિશેષ ઉપસ્થિતિ અને મહાપૂજા
આ ઐતિહાસિક અને આધ્યાત્મિક અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વિશેષ રૂપે સોમનાથ પધારી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વડાપ્રધાન મોદી સવારે સોમનાથ મહાદેવની ભક્તિભાવપૂર્વક મહાપૂજા કરશે અને દેશની સુખાકારી માટે પ્રાર્થના કરશે.
90 મીટર ઊંચી ક્રેનથી થશે શિખર પર અભિષેક
આ કુંભાભિષેક કોઈ સામાન્ય અભિષેક નથી. 90 મીટર ઊંચી એક વિશાળ ક્રેનની મદદથી પવિત્ર જળથી ભરેલા ભવ્ય કુંભને મંદિરના છેક શિખર સુધી લઈ જવામાં આવશે. આ કુંભમાં દેશના 11 અલગ-અલગ પવિત્ર તીર્થોના જળનો સંગમ હશે. ક્રેન દ્વારા ભૂદેવો (બ્રાહ્મણો) પણ શિખર સુધી જશે અને શાસ્ત્રોક્ત વિધિ મુજબ વેદ મંત્રોચ્ચાર સાથે શિખર પર જળનો પવિત્ર અભિષેક કરવામાં આવશે.

દક્ષિણ ભારતની પરંપરાના હવે Somnathમાં દર્શન
તીર્થ પુરોહિત સોમપુરા બ્રાહ્મણ સમાજના પ્રમુખ હેમલ ભટ્ટે આ વિશેષ આયોજન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પુન:નિર્મિત સોમનાથ મંદિરના ઈતિહાસમાં શિખર પર કુંભાભિષેક થવાની આ સૌપ્રથમ ઘટના છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “સામાન્ય રીતે આ પ્રકારની પરંપરા દક્ષિણ ભારતના રાજ્યોના મંદિરોમાં વિશેષ જોવા મળે છે. ત્યાં મોટેભાગે દર 10-12 વર્ષે મંદિરના શિખર પર જળનો અભિષેક કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે. પરંતુ હવે આ અતિ પવિત્ર પરંપરાના દર્શન ભક્તોને સોમનાથમાં પણ પહેલીવાર થશે.”
