Gir Somnath News/ સોમનાથ અમૃતપર્વમાં રચાશે નવો ઈતિહાસ, ભારતીય વાયુસેનાના જવાનો કરશે ભવ્ય એર શો

Somnath અમૃતપર્વ-2026 નિમિત્તે 11 મેના રોજ સવારે 11 વાગ્યે વાયુસેના દ્વારા પ્રથમવાર ‘સૂર્યકિરણ એર શો’ યોજાશે. 6 ફાઈટર જેટ આકાશમાં ત્રિરંગો રચશે. પીએમ મોદી રહેશે ઉપસ્થિત.

Gujarat Top Stories Others
Suryakiran Air Show Somnath

Suryakiran Air Show Somnath: ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ઉજવાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-2026” માં આસ્થા અને શૌર્યનો અદભુત સંગમ જોવા મળવાનો છે. સોમનાથના ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભારતીય વાયુસેના (Indian Air Force) દ્વારા ભવ્ય અને રોમાંચક ‘સૂર્યકિરણ એર શો’ નું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં 11 મેના રોજ પ્રભાસક્ષેત્રનું આકાશ ફાઈટર જેટ્સની ગર્જનાથી ગુંજી ઉઠશે.

Suryakiran Air Show Somnath

Somnath: આકાશમાં રચાશે ‘ત્રિરંગો’ અને રોમાંચક ફોર્મેશન

11 મી મેના રોજ સવારે 11 કલાકે યોજાનાર આ એર શોમાં ભારતીય વાયુસેનાના 6 શક્તિશાળી ‘હૉક-એમ.કે – 132’ શ્રેણીના ફાઈટર જેટ્સ ભાગ લેશે, જે 800 થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ભયંકર ઝડપે ઉડાન ભરીને દર્શકોના શ્વાસ અધ્ધર કરી દેશે. આ હવાઈ કરતબો દરમિયાન આકાશમાં ટ્રાઈકલર સ્મોક (ત્રિરંગાના રંગનો ધુમાડો) છોડીને રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ રચવામાં આવશે અને સાથે જ ક્લૉઝ ફોર્મેશન, ડાયમંડ ફોર્મેશન તથા લૂપ્સ એન્ડ રોલ્સ જેવા દિલધડક કરતબો પણ જોવા મળશે.

જામનગરથી ઓપરેટ થશે જેટ્સ

એરફોર્સના વિંગ કમાન્ડર જનમીત શર્મા અને ટીમની કમેન્ટેટર ફ્લાઇટ લેફ્ટનન્ટ કુ. કંવલ સંધુએ જણાવ્યું હતું કે, આ સમગ્ર કવાયત ગ્રુપ કેપ્ટન અજય દશરથીના માર્ગદર્શન હેઠળ થશે. આ છ ફાઇટર જેટ જામનગર એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરશે અને હવામાં કરતબ કરતી વખતે પાયલટ્સને માર્ગદર્શન આપવા સ્ક્વોડ્રન લીડર અમન ગોયલ જમીન પર હાજર રહેશે, જેઓ હવાની ગતિ તથા અંતર અંગે સતત માહિતી આપતા રહેશે.

Suryakiran Air Show Somnath

પક્ષીઓ ન નડે તે માટે ‘બર્ડ હેઝાર્ડ કંટ્રોલ’ એક્ટિવ

એર શો દરમિયાન પક્ષીઓ ફાઈટર જેટ સાથે ટકરાય નહીં તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવી છે. વાયુસેનાની બર્ડ હેઝાર્ડ કંટ્રોલ (BHC) ટીમ ખાસ પ્રકારના અવાજવાળા ફટાકડા ફોડીને પક્ષીઓને સુરક્ષિત રીતે દૂર રાખશે. આ ઉપરાંત, સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને ખુલ્લામાં એંઠવાડ કે ખાવાની વસ્તુઓ ન ફેંકવા ખાસ અપીલ કરવામાં આવી છે.

નોંધ: મુખ્ય એર શો પહેલા 10મી મેના રોજ સવારે 11 વાગ્યે વાયુસેના દ્વારા આકાશમાં ફૂલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે.


આ પણ વાંચો: સોમનાથ દાદાના સાનિધ્યમાં રચાતો નવો ઇતિહાસ! 75 વર્ષમાં કેવું બદલાયું પ્રથમ જ્યોતિર્લિંગ?

આ પણ વાંચો: સોમનાથ મંદિર કોરિડોર પ્રોજેક્ટ,પ્રભાસ પાટણમાં સ્થાનિકોનો ઉગ્ર વિરોધ

આ પણ વાંચો:  સોમનાથના ઈતિહાસમાં પહેલીવાર શિખર પર 11 તીર્થોના જળથી કુંભાભિષેક