Gujarat News : ગુજરાતમાં દારૂની હેરાફેરીની સિન્ડિકેટ ચલાવનારા વિનોદ સિંધી ઉર્ફે વિજુ સિંધી હાલ દુબઈમાં છે. તેને પરત લાવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. તેની સામે ઈન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ જાહેર થયા બાદ દુબઈમાં તેની અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ તે દુબઈની કોર્ટમાં 2 લાખ દિનાર (44 લાખ રૂપિયા)ના જામીન ભર્યા હતા. કુખ્યાત બુટલેગર સામે સપ્ટેમ્બર 2022માં રેડકોર્નર નોટિસ જાહેર કરાયા બાદ વિનોદ ઉર્ફે વિજુ સિંધીનો પરિવાર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો.
રેડકોર્નર નોટિસ અને પર્ત્યાર્પણ માટે કરવામાં આવેલી અરજી પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી. આ મામલે વિનોદ સિંધીના વકીલ અને સરકારી વકીલની દલીલો બાદ કોર્ટે અરજી નકારી કાઢી છે.વિનોદ સિંધીના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે વિનોદ સિંધી સામે રેડ કોર્નર નોટિસ જાહેર થતા દુબઈમાં 19 સપ્ટેમ્બર, 2022માં તેની અટક થઈ હતી. તેને 5 અઠવાડિયા જેલમાં રહેવું પડયું હતું.
25 ઓક્ટોબર 2022માં તેને 2 લાખ દીનાર એટલે આશરે 44 લાખ રૂપિયાના જામીન મુકવા પડ્યા હતા. તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો હતો. રેડ કોર્નર નોટિસની માહિતી DG ઓફિસથી રિલીઝ થઈ હતી તેમાં તેની સામે 38 ગુન્હા નોંધાયેલા હોવાનું જણાવ્યું હતું. તો પછી 146 ગુન્હા અને બાદમાં 153 ગુન્હા કેવી રીતે થયા ? વિનોદ સિંધી પર બધા પ્રોહેબિશનના કેસ છે અને રેડ કોર્નર નોટિસ ગંભીર ગુન્હાઓમાં જાહેર થાય છે, સામાજિક ગુન્હાઓમાં નહીં.
આમ અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં રેડકોર્નર નોટિસને ચેલેન્જ કરવામાં આવી હતી. તેને જણાવ્યું હતું કે અરજદાર સામે રેડ કોર્નર નોટિસ નીકળે તેવો કોઈ ગુનો તેને કર્યો નથી. પ્રોહેબિશન કેસમાં રેડ કોર્નર નોટિસ કાઢી શકાય નહીં. દુબઈમાં આ કેસ લાગુ પડતો નથી. વળી દુબઈ અને ભારત એમ બંને જગ્યાએ એક જ પ્રકારની ક્રિમિનાલિટીનો સિદ્ધાંત લાગુ પડે નહીં. પ્રોહિબિશન ગંભીર ગુનો નથી અગાઉ ટેકનિકાલિટીને લઈને તેની પ્રત્યાર્પણ અરજી નકારવામાં આવી હતી.
અરજદારે માંગ કરી હતી કે, તેની સામે રેડ કોર્નર નોટિસ રદ કરવામાં આવે તેમજ ઓથોરિટીએ UAEને જે પ્રત્યાર્પણ અરજી કરી છે તે પરત ખેંચવામાં આવે. વળી દુબઈમાં તેને જામીન પેટે કરેલ ખર્ચ ઓથોરિટી પાસેથી વસૂલવામાં આવે.સરકારી વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે વિનોદ સિંધી સામે 146 ગુન્હા નોંધાયેલા છે. જેમાં 72 ગુન્હાઓમાં પોલીસ વોન્ટેડ છે. જ્યારે 74 કોર્ટ ટ્રાયલ પેન્ડિંગ છે. વિનોદ સિંધીની પિટિશન દુબઈમાં થવી જોઈએ.
રેડ કોર્નર નોટિસ નીકળતા અગાઉ વિનોદ સિંધી સામે ધરપકડ વોરંટ નીકળી ચૂક્યા છે. તે ફક્ત પ્રોહિબિશન ગુનામાં નહીં, પરંતુ મની લોન્ડરીંગ, બનાવટ, સ્મગલિંગ, આર્મ્સ એક્ટ, ટેક્સ ચોરી, હત્યા જેવા ગુનાઓમાં સામેલ છે. તે દુબઈ રહીને ગુજરાતમાં શરાબની હેરાફેરીની સિન્ડિકેટ ચલાવે છે. તે એક ભાગેડુ આરોપી છે, તેની સામે પૂરતા પુરાવા છે. કેસની ટ્રાયલમાં તેની હાજરીની જરૂર છે. તેની ઉપર કુલ 153 ગુન્હા છે. તે ગુન્હાહિત ભુતકાળ ધરાવે છે.
આરોપી સામે યોગ્ય પ્રક્રિયાથી રેડકોર્નર નોટિસ કાઢવામાં આવી છે. જેમાં તપાસ અધિકારી, ADG, CBI અને ઇન્ટરપોલ એમ તમામ લેવલે યોગ્ય પ્રક્રિયા અનુસરવામાં આવી છે. રેડ કોર્નર નોટિસનો મુખ્ય ઉદ્દેશ આરોપીની ધરપકડ કરવાનો છે. પ્રત્યાર્પણ અરજી પણ કાયદા મુજબ જ કરવામાં આવી છે. તેના 44 કરોડના હવાલા ટ્રાન્જેક્શન સામે આવ્યા છે, 100 કરોડથી વધુ રૂપિયાની હેરાફેરીમાં તે સામેલ હોવાની શક્યતા છે.
3 હત્યાના ગુનામાં તેની સંડોવણી છે. તેની સામે અમદાવાદના કણભા ઉપરાંત આણંદ અને વડોદરામાં ફરિયાદો નોંધાયેલી છે.ઓથોરિટીએ યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા જ અરજદાર સામે પગલાં ભર્યા- કોર્ટતેને જામીન મળ્યા બાદ પણ તે ગુનાહિત પ્રવૃત્તિઓ અને બનાવટી કાગળિયાઓમાં સંકળાયેલો હતો. ગુનાહિત પ્રવૃત્તિ થકી તેને કરોડો રૂપિયા બનાવ્યા છે. વારંવાર તેની સામે વોરંટ નીકળવા છતાં તે વિદેશ ભાગી ગયો છે.
રેડ કોર્નર નોટિસને ચેલેન્જ કરવાનું તેની પાસે કોઈ ગ્રાઉન્ડ નથી. આ નોટિસથી તેના કોઈ મૂળભૂત હકોનો ભંગ થતો નથી, તેની સામેની કાનૂની ઉપચાર પણ ઉપલબ્ધ છે. અરજદારના મૂળભૂત હકોનો ભંગ થતો હોય કે ઓથોરિટી દ્વારા કરવામાં આવેલી કોઈ પ્રોસિજરમાં કાયદા અનુસંગત ન હોય તેવું સાબિત કરવામાં અરજદાર નિષ્ફળ રહ્યો છે. તે ઓર્ગેનાઈઝ બુટલેગિંગ સિન્ડિકેટ ચલાવે છે. સમાજ ઉપર આવી પ્રવૃત્તિઓની ગંભીર અસર પડે છે. તે ફક્ત કોર્ટ ટ્રાયલથી બચવા વિદેશ ભાગી ગયો છે. કોર્ટે અરજદારની અરજી ફગાવતા નોધ્યું હતું કે ઓથોરિટીએ યોગ્ય કાનૂની પ્રક્રિયા દ્વારા જ અરજદાર સામે પગલાં ભર્યા છે.
વિનોદ કરોડોનો દારૂના કેસોમાં વોન્ટેડ હોવા ઉપરાંત તેની સામે સ્ટેટ મોનિટરિંગ સેલના પ્રયાસોથી રેડ કોર્નર નોટિસ ઇસ્યુ થઈ છે. આવું પહેલીવાર બન્યું છે કે કોઈ બૂટલેગર સામે આ નોટિસ કાઢવામાં આવી હોય. વિનોદ દુબઇ ભાગી ગયા પછી તેની દીકરી જ્યાં અભ્યાસ કરે છે ત્યાં જતો રહ્યો હોવાનું બહાર આવ્યું હતું. એવામાં વિદેશથી પણ વિનોદ પોતાનો દારૂનો ધંધો બેરોકટોક ચલાવતો હોવાનું સામે આવ્યું છે.
વિનોદ સિંધી આખા ગુજરાતમાં દારૂની ડિલિવરી કરે છે. જેમાં ગુજરાત અને સૌરાષ્ટ્રની અલગ અલગ જગ્યાએ કઈ રીતે દારૂપહોંચાડવો, કઈ ગાડીમાં ક્યાં જીપીએસ લગાવવું. પોલીસથી કઈ રીતે બચવું તેમજ ક્યાં, કોને કેટલા પૈસા આપવા એ તમામ વિગત અગાઉથી જ નક્કી હોય છે. જે ગાડીમાં દારૂ ભર્એયોહોય તેનું મોનિટરિંગ કરવા માટે વિનોદ સિધીએ એના વિસ્તારમાં આવતા અલગ અલગ લોકોને કામ સોંપતો હતો. દારૂની ડિલિવરી થાય ત્યારબાદ આંગડિયાથી રૂપિયા કે હવાલાથી રૂપિયા મેળવવા માટે રીતસરની વ્યવસ્થા ગોઠવી રાખી હતી.
વિનોદ સિંધી વર્ષો પહેલાં ફ્રૂટ્સની લારી ચલાવતો હતો. ત્યાંથી તે મુકેશ હરજાણીના સંપર્કમાં આવ્યો અને બૂટલેગર બની બેઠો. દારૂના વેપારમાં મુકેશે જ વિનોદ સિંધીને મોટો કર્યો અને ફિલ્મી પટકથાની જેમ જ તે દારૂ ઘુસાડનારા બૂટલેગરોના લિસ્ટમાં મોસ્ટવોન્ટેડ બન્યો, જોકે મુકેશની હત્યામાં પણ વિનોદ પર ગંભીર આક્ષેપો થયા હતા, પરંતુ કોર્ટમાં તે નિર્દોષ છૂટ્યો હતો.
વિનોદ સિંધી ગુજરાતનાં અનેક શહેરો તેમજ રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં મોટું નેટવર્ક ધરાવતો હતો. તેની કમર તોડી નાખવા માટે SMCએ ગુજસીટોકનું હથિયાર ઉગામ્યું હતું અને વિનોદ સિંધી અને તેની ગેંગ સામે ગુનો દાખલ કરી આશરે 7 જેટલા માથાભારે કુખ્યાત ગુનેગારોની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: Gandhinagar News/પંચમહાલની વાવકુલ્લી-૨ ગ્રામ પંચાયતને દેશની શ્રેષ્ઠ “સુશાસન યુક્ત પંચાયત” નો એવોર્ડ
આ પણ વાંચો: Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી
આ પણ વાંચો: Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો
