World News : ઈઝરાયલના રાજકારણમાં ચૂંટણી (Israel Election)પરિણામો બાદ સત્તાની ખેંચતાણ તેજ બની છે. સંસદીય ચૂંટણીમાં કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતાં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે સત્તા ગુમાવવાનું જોખમ ઊભું થયું છે. પરિસ્થિતિ એવી બની છે કે અત્યાર સુધી વિપક્ષ સાથે હાથ મિલાવવાનો વિરોધ કરતા નેતન્યાહૂ હવે સત્તા ટકાવી રાખવા માટે વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ સાથે ગઠબંધનના વિકલ્પો પર વિચાર કરી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે.
27 ઓક્ટોબર 2026ના રોજ યોજાયેલી ચૂંટણીમાં 120 સભ્યોની ઈઝરાયલી સંસદ એટલે કે નેસેટમાં સરકાર બનાવવા માટે જરૂરી 61 બેઠકો કોઈપણ જૂથ મેળવી શક્યું નથી. નેતન્યાહૂના નેતૃત્વ હેઠળના લિકુડ ગઠબંધનને 53 બેઠકો મળી છે, જ્યારે વિપક્ષી જૂથ 48 બેઠકો સાથે બીજા સ્થાને રહ્યું છે. બીજી તરફ અરબ પાર્ટીઓએ કુલ 19 બેઠકો મેળવીને સરકાર રચવામાં નિર્ણાયક ભૂમિકા મેળવી છે.
Israel Election : 53 બેઠકો સાથે અટક્યું નેતન્યાહૂનું ગઠબંધન
ચૂંટણી પરિણામો મુજબ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ (Benjamin Netanyahu)ની લિકુડ પાર્ટીને 27 બેઠકો મળી છે. તેમના નેતૃત્વ હેઠળના સમગ્ર ગઠબંધનનો આંકડો 53 સુધી પહોંચ્યો છે. જોકે, સરકાર રચવા માટે 61 બેઠકોની જરૂર હોવાથી બહુમતી મેળવવા માટે તેમને અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડશે.
બીજી તરફ ગાદી આઇઝનકોટ (Gadi Eisenkot)ના નેતૃત્વ હેઠળના વિપક્ષી જૂથને 48 બેઠકો મળી છે. આ જૂથમાં યશાર, ટુગેધર, ડેમોક્રેટ્સ અને વાઈબી જેવા પક્ષોનો સમાવેશ થાય છે. આ સ્થિતિમાં સરકાર રચવા માટે બંને પક્ષો સામે રાજકીય સમીકરણો ગોઠવવાનો પડકાર છે.
અરબ પાર્ટીઓ બની કિંગમેકર
આ ચૂંટણીમાં અરબ પાર્ટીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે. જોઈન્ટ લિસ્ટને 11 અને રઆમ પાર્ટીને 8 બેઠકો મળી છે. આમ, કુલ 19 બેઠકો સાથે અરબ પાર્ટીઓ સરકાર રચવાની પ્રક્રિયામાં કિંગમેકર બની ગઈ છે.

જો વિપક્ષી જૂથ અરબ પાર્ટીઓ અને અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષોનું સમર્થન મેળવવામાં સફળ થાય તો 67 બેઠકોનું બહુમતી સમીકરણ ઊભું થઈ શકે છે. આવું થાય તો નેતન્યાહૂને (Benjamin Netanyahu)વડાપ્રધાન પદ છોડવાની નોબત આવી શકે છે. આ જ સંભાવનાને કારણે નેતન્યાહૂની ચિંતામાં વધારો થયો હોવાનું માનવામાં આવે છે.
સત્તા બચાવવા આઇઝનકોટ સાથે ગઠબંધનની તૈયારી?
સત્તા ગુમાવવાની શક્યતા વચ્ચે નેતન્યાહૂ (Benjamin Netanyahu)હવે રાજકીય વ્યૂહરચના બદલવાના પ્રયાસમાં હોવાના અહેવાલો છે. જાહેરમાં તેમણે રાષ્ટ્રીય એકતા સરકારના વિચારને ફગાવ્યો છે, પરંતુ લિકુડ પાર્ટીના આંતરિક સૂત્રોના હવાલાથી એવા અહેવાલો સામે આવ્યા છે કે તેઓ વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ સાથે ગઠબંધનના વિકલ્પો પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.
નેતન્યાહૂને આશંકા છે કે જો તેઓ પહેલ નહીં કરે તો આઇઝનકોટ અરબ પાર્ટીઓ અને અલ્ટ્રા-ઓર્થોડોક્સ પક્ષો સાથે મળીને નવી સરકાર રચી શકે છે. આવી સ્થિતિમાં લાંબા સમયથી ઈઝરાયલની સત્તામાં રહેલા નેતન્યાહૂ માટે રાજકીય પડકાર વધુ મોટો બની શકે છે.
આઇઝનકોટની શરતથી ગઠબંધનનો માર્ગ મુશ્કેલ
જોકે, વિપક્ષી નેતા ગાદી આઇઝનકોટ માટે પણ ગઠબંધન રચવું સરળ નથી. અહેવાલો મુજબ તેઓ અરબ પક્ષો (Arab Parties)સાથે જોડાણ કરવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો મૂકી રહ્યા છે. તેમાં હમાસને આતંકવાદી સંગઠન તરીકે ગણવાની અને તેના હથિયારો જપ્ત કરવાના સમર્થનનો સમાવેશ થાય છે.
આ શરતો અરબ પક્ષો (Arab Parties)સ્વીકારશે કે નહીં તે મોટો સવાલ છે. જો બંને પક્ષો વચ્ચે સહમતી નહીં બને તો સરકાર રચવાના પ્રયાસો વધુ મુશ્કેલ બની શકે છે. હવે ઈઝરાયલના રાજકારણમાં સૌની નજર નેતન્યાહૂ અને આઇઝનકોટની આગામી ચાલ પર છે.
