World News : અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટી (Democratic Party)ની શાનદાર જીતે રિપબ્લિકન પાર્ટી (Republican Party)ને મોટો ઝટકો આપ્યો છે. આ ચૂંટણીમાં ઉમેદવાર ન હોવા છતાં અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક (Elon Musk)સૌથી વધુ ચર્ચામાં છે. રિપબ્લિકન ઉમેદવારોને જીતાડવા માટે અંદાજે 474 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹4,000 કરોડથી વધુ ખર્ચ કરનાર મસ્કનો રાજકીય દાવ નિષ્ફળ ગયો છે. પરિણામે હવે તેમને આ ચૂંટણીના સૌથી મોટા પરાજિતોમાંના એક ગણાવવામાં આવી રહ્યા છે.
Elon Musk Midterm Election: ₹4,000 કરોડનો દાવ કેમ નિષ્ફળ ગયો?
મસ્કે પોતાની રાજકીય સમિતિઓ અને રિપબ્લિકન સમર્થક સંગઠનો મારફતે ઉમેદવારોના પ્રચાર માટે જંગી નાણાં ખર્ચ્યા હતા. તેમ છતાં મતદારોએ નાણાકીય તાકાત કરતાં મોંઘવારી, રોજિંદા જીવનનો વધતો ખર્ચ અને સ્થાનિક સમસ્યાઓને વધુ મહત્ત્વ આપ્યું.
ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવારોએ અબજોપતિઓના રાજકીય પ્રભાવને મોટો મુદ્દો બનાવ્યો હતો. તેમનો સંદેશ હતો કે મોટા ઉદ્યોગપતિઓ નાણાંના જોરે અમેરિકાની રાજકીય વ્યવસ્થાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મુદ્દાએ સામાન્ય મતદારોમાં સારી અસર ઊભી કરી હોવાનું વિશ્લેષણ સામે આવ્યું છે.
ટેક્સાસમાં મોટો ઉલટફેર, મસ્કને સૌથી મોટો ઝટકો
મસ્કના બિઝનેસ હિતો સાથે જોડાયેલા ટેક્સાસમાં ચૂંટણી પરિણામો (Texas Election Results)સૌથી વધુ ચર્ચામાં રહ્યાં છે. અહીં ડેમોક્રેટિક પાર્ટીએ ઐતિહાસિક જીત મેળવી છે.
ગવર્નર પદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જીના હિનોજોસાએ રિપબ્લિકન ગવર્નર ગ્રેગ એબટને હરાવ્યા છે. આ જીત સાથે તેઓ 1990ના દાયકા બાદ ટેક્સાસનાં પ્રથમ ડેમોક્રેટિક ગવર્નર અને રાજ્યનાં પ્રથમ લેટિના ગવર્નર બન્યાં છે.
બીજી તરફ, સેનેટની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જેમ્સ તાલારિકોએ રિપબ્લિકન કેન પેક્સટનને હરાવીને મોટો ઉલટફેર સર્જ્યો છે. આ બંને પરિણામો ઇલોન મસ્ક (Elon Musk)માટે રાજકીય રીતે મોટો ફટકો માનવામાં આવે છે.
DOGE અને AI ડેટા સેન્ટર પણ બન્યા ચર્ચાના મુદ્દા
ઇલોન મસ્કના ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) સાથેના જોડાણ અને સરકારી ખર્ચ ઘટાડવાની કામગીરી પણ ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહી હતી. સરકારી નોકરીઓમાં કાપ અને વિવિધ યોજનાઓના ખર્ચમાં ઘટાડા અંગે મસ્કની ભૂમિકાની ટીકા થઈ હતી.
આ ઉપરાંત ટેક્સાસમાં AI ડેટા સેન્ટરોના વધતા વીજળી અને પાણીના વપરાશનો મુદ્દો પણ ચૂંટણીમાં મહત્ત્વનો રહ્યો હતો. ડેમોક્રેટિક ઉમેદવારોએ સ્થાનિક લોકોના વીજળીના બિલ અને કુદરતી સંસાધનો પર પડતી અસર અંગે સવાલો ઉઠાવ્યા હતા.
નવા ચૂંટાયેલા ગવર્નર જીના હિનોજોસાની ડેટા સેન્ટરો અંગેની નીતિ અને સંભવિત નિયમન હવે મસ્કની કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
મસ્કની કંપનીઓ પર શું થશે અસર?
ચૂંટણીનાં પરિણામો બાદ ઇલોન મસ્ક (Elon Musk)ની કંપનીઓ ટેસ્લા (Tesla))અને સ્પેસએક્સની કામગીરી પર પણ રાજકીય અસર થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. ખાસ કરીને સરકારી કોન્ટ્રાક્ટ, AI ડેટા સેન્ટર અને ઊર્જા સંબંધિત નીતિઓ પર ડેમોક્રેટ્સનું ધ્યાન વધી શકે છે.
કોંગ્રેસનાં બંને ગૃહમાં ડેમોક્રેટ્સને બહુમતી મળતાં મસ્કની સરકારી કામગીરી અને DOGE સાથે જોડાયેલા નિર્ણયો અંગે તપાસની માંગ પણ તેજ બની શકે છે. સ્પેસએક્સના સરકારી કોન્ટ્રાક્ટ અને સેટેલાઇટ નેટવર્કને લગતા મુદ્દાઓ પણ તપાસના દાયરામાં આવી શકે છે.
ચૂંટણીમાં હાર બાદ મસ્કે શું કહ્યું?
ચૂંટણીનાં પરિણામો બાદ ઇલોન મસ્કે (Elon Musk)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વ્યંગાત્મક પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, ‘લાગે છે કે આ વખતે મારા ચૂંટણીમાં દખલ કરનારા સ્પેસ લેઝર્સ કામ ન આવ્યા.’
આ ઉપરાંત તેમણે અંતરિક્ષમાં ડેટા સેન્ટર સ્થાપવાનો વિકલ્પ વધુ આકર્ષક લાગી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
મસ્કની આ પ્રતિક્રિયા અમેરિકાની ચૂંટણીમાં તેમના રાજકીય પ્રભાવને લાગેલા મોટા ઝટકા બાદ સામે આવી છે. અબજો ડોલરની સંપત્તિ અને જંગી ચૂંટણી ખર્ચ છતાં મતદારોએ અલગ જ જનાદેશ આપ્યો છે
