Business News/ US ચૂંટણી પરિણામોથી એશિયામાં કડાકો, જાપાન-કોરિયાના બજારો 4% તૂટ્યા, ભારતીય શેરબજારમાં સતત 5મા દિવસે તેજી

અમેરિકી(US) મિડટર્મ પરિણામો બાદ જાપાન-સાઉથ કોરિયાના બજારો તૂટ્યા, પણ સેન્સેક્સ 383 પોઇન્ટ વધી 77,301 પર બંધ. રોકાણકારો 5.83 લાખ કરોડ કમાયા.

Breaking News Business
US

Business News: અમેરિકા(US)માં મિડટર્મ ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ વૈશ્વિક શેરબજારોમાં મોટી ઉથલપાથલ જોવા મળી. 4 નવેમ્બરે જાપાન અને સાઉથ કોરિયાના બજારો 4% સુધી તૂટ્યા, જ્યારે ભારતીય શેરબજાર સતત 5મા દિવસે તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ 383.55 પોઇન્ટ વધી 77,301.40 પર અને નિફ્ટી 149.75 પોઇન્ટ વધી 23,960.60 પર બંધ રહ્યો. રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹5.83 લાખ કરોડનો વધારો થયો.

ભારતીય શેરબજાર સતત 5મા દિવસે લીલા નિશાનમાં

અગાઉ ઈરાનની ચિંતા કે અમેરિકાની રાજકીય હલચલથી ભારતીય બજારમાં કડાકો બોલી જતો હતો, પરંતુ આ વખતે ચિત્ર અલગ રહ્યું. અમેરિકી સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીને મળેલી બહુમતીથી એશિયા(Asia)ના મોટા બજારોમાં અફરાતફરી મચી, જ્યારે ભારતીય બજારમાં ઉછાળો જોવા મળ્યો. ઈરાનનું સંકટ યથાવત છે અને ચૂંટણી પરિણામો રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ માટે મુશ્કેલી ઊભી કરનારા ગણાય છે, તેમ છતાં ભારતીય બજાર મક્કમ રહ્યું. IT સેક્ટર સિવાય બધે તેજી રહી. અગાઉ ભારતીય બજારમાંથી નાણાં ખેંચતા વિદેશી રોકાણકારો (FIIs) ફરી રોકાણ કરી રહ્યા હોવાનું પણ જણાવાયું છે.

પાંચમા દિવસે જોરદાર રિકવરી

બુધવારે દિવસની શરૂઆત નફાવસૂલી સાથે થઈ, પરંતુ બાદમાં બજારે જોરદાર રિકવરી દર્શાવી. નિફ્ટી 23,900ની સપાટી પાર કરી ગયો અને બેંક નિફ્ટીમાં પણ મજબૂતી રહી. મિડકેપ, સ્મોલકેપ અને માઇક્રોકેપ તમામ સેક્ટરમાં લીલો રંગ છવાયો. BSE સેન્સેક્સ 0.50% વધી 77,301.40 અને NSE નિફ્ટી 0.63% વધી 23,960.60 પર બંધ આવ્યા. આ સાથે બજાર બે મહિના જૂના સ્તરે પહોંચી ગયું.

US: રોકાણકારોની મૂડીમાં 5.83 લાખ કરોડનો વધારો

3 નવેમ્બર 2026ના રોજ BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ₹4,87,65,636.39 કરોડ હતું. 4 નવેમ્બરે બજાર બંધ થતાં તે વધીને 4,93,49,306.59 કરોડ થયું. આમ એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹5,83,670.2 કરોડનો વધારો નોંધાયો.

ભારતીય બજારમાં તેજી પાછળના મુખ્ય કારણો

ક્રૂડ ઓઇલમાં ઘટાડો: ક્રૂડ ઘટીને પ્રતિ બેરલ $103 નજીક આવ્યું, જે થોડા દિવસ પહેલાં $116 સુધી પહોંચ્યું હતું. નિષ્ણાતોના મતે ચૂંટણી પરિણામ બાદ ટ્રમ્પનું વલણ નરમ પડી શકે છે અને ઈરાન સાથે ડીલની વાતચીત થઈ શકે છે.

સોના-ચાંદીમાં ચમક: ડૉલર ઇન્ડેક્સ નબળો પડતાં ચાંદી 3% અને સોનું 2% વધ્યું. ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઓને ફાયદો થયો અને મુથૂટ ફાઇનાન્સનો શેર 7% ઊછળ્યો.

હેવીવેઇટ અને FMCG શેરોનો ટેકો: રિયલ્ટી અને ડિફેન્સમાં ભારે ખરીદી રહી. Reliance Industries, HDFC Bank અને FMCG કંપનીઓએ નિફ્ટીને ટેકો આપ્યો. મજબૂત ત્રિમાસિક પરિણામો બાદ ફ્રેક્ટલ એનાલિટિક્સનો શેર 13% ઊછળ્યો.

કેબિનેટના નિર્ણયો: કેન્દ્રીય કેબિનેટે ગ્રીડ સ્કેલ એનર્જી સ્ટોરેજ માટે નવી સ્કીમ અને ક્રિટિકલ મિનરલ કેપેક્સ માટે નવી યોજનાની જાહેરાત કરી. તેના પગલે GMDCનો શેર 10% સુધી ઊછળ્યો.

જાપાન અને સાઉથ કોરિયામાં ભારે કડાકો

જાપાનનો Nikkei 225 આશરે 4.5% અને Topix 2% ગગડ્યો. સાઉથ કોરિયાનો Kospi કારોબાર દરમિયાન 4% તૂટ્યો, તાઈવાનનું બજાર આશરે 3% ઘટ્યું અને MSCI એશિયા પેસિફિક ઇન્ડેક્સ 2.3% નીચે ગયો. ચીનના CSI 300 અને હોંગકોંગના હેંગ સેંગમાં સામાન્ય નબળાઈ રહી.

સેમિકન્ડક્ટર અને ટેક કંપનીઓમાં ગાબડું

જાપાન: કિયોક્સિયા હોલ્ડિંગ્સ 11%થી વધુ, એડવાન્ટેસ્ટ આશરે 8% અને ટોક્યો ઇલેક્ટ્રોન લગભગ 6% તૂટ્યા.

દક્ષિણ કોરિયા: સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ 2% અને SK Hynix 3%થી વધુ ગગડ્યા.

હોંગકોંગ: હેંગ સેંગ ટેક ઇન્ડેક્સ 1% નબળો પડ્યો, અલીબાબા અને શાઓમીના શેર 2-2%થી વધુ તૂટ્યા.

વિદેશી રોકાણકારો કેમ ગભરાયા?

અમેરિકી સંસદના બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી મળતાં રોકાણકારોને ડર છે કે મોટી ટેક અને AI કંપનીઓ પર નિયંત્રણો વધુ કડક બનશે. એશિયાની ઘણી ટેક કંપનીઓનો વ્યાપાર અમેરિકન AI રોકાણ સાથે જોડાયેલો છે. સાથે AI કંપનીઓમાં થઈ રહેલા અબજો ડૉલરના રોકાણમાંથી ધાર્યો નફો મળશે કે નહીં, તે અંગે પણ આશંકા વધી છે.


આ પણ વાંચો: વૈશ્વિક શેરબજારોના ઘટાડા અને કોરોનાના વધતા કેસોથી શેરબજારમાં 871 પોઇન્ટનો કડાકો, સેન્સેક્સ 50 હજારની નીચે બંધ
આ પણ વાંચો: વૈશ્વિક બજારોના કડાકા વચ્ચે ભારતીય શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 515 પોઈન્ટ ઉછળ્યો
આ પણ વાંચો: ટ્રમ્પના નિવેદનથી વૈશ્વિક બજારોમાં ખળભળાટ, ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી