Gandhinagar News/ ગુજરાતનાં શહેરોમાં પાણી-ગટરની સુવિધા માટે કરોડોનો ખર્ચ, 23.87 લાખ લોકોને પાણી યોજનાનો લાભ

ગુજરાતમાં AMRUT 2.0 હેઠળ (AMRUT 2.0 Gujarat) રૂ.4,832 કરોડનાં 497 કામ પૂર્ણ થયાં. 2.72 લાખ ઘરોને નળ જોડાણ, 1.03 લાખને ગટર કનેક્શન અને 78 તળાવોનું જીર્ણોદ્ધાર.

Top Stories Gandhinagar Gujarat Breaking News
AMRUT 2.0 Gujarat: ગુજરાતમાં ₹4,832 કરોડનાં 497 કામ પૂર્ણ

Gandhinagar News: ગુજરાતનાં શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર અને નાગરિક સુવિધાઓ વિકસાવવા માટે AMRUT 2.0 મિશન (AMRUT 2.0 Gujarat) હેઠળ અત્યાર સુધીમાં રૂ.4,832 કરોડનાં 497 કામ પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ કામગીરીના પરિણામે 2.72 લાખથી વધુ ઘરોમાં નવાં નળ જોડાણ આપવામાં આવ્યાં છે, જ્યારે 1.03 લાખથી વધુ ઘરોને ભૂગર્ભ ગટર કનેક્શન મળ્યાં છે. આ ઉપરાંત શહેરોમાં તળાવો, બાગ-બગીચાઓ અને હરિયાળી વિકસાવવા માટે પણ વિવિધ પ્રોજેક્ટ હાથ (Gujarat Urban Development) ધરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1 ઓક્ટોબર, 2021ના રોજ AMRUT 2.0 મિશનની શરૂઆત કરી હતી. દરેક શહેરી ઘરને પીવાનું પાણી પહોંચાડવું, ગટર વ્યવસ્થાને મજબૂત બનાવવી અને જળાશયોનું સંરક્ષણ કરવું આ મિશનના મુખ્ય ઉદ્દેશ છે. ગુજરાતનાં વિવિધ શહેરોમાં પણ આ ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને વિકાસકાર્યો કરવામાં આવી રહ્યાં છે.

AMRUT 2.0 Gujarat: પાણી પુરવઠા માટે રૂ.2,937 કરોડનાં 224 કામ પૂર્ણ

શહેરી વિસ્તારોમાં પાણી પુરવઠાની વ્યવસ્થા (Water Supply Projects) સુધારવા માટે રૂ.2,937 કરોડના ખર્ચે 224 કામ પૂર્ણ થયાં છે. આ કામગીરી હેઠળ 539 MLD પાણી શુદ્ધિકરણ ક્ષમતા ઊભી કરવામાં આવી છે. સાથે જ 1,366 લાખ લિટરની પાણી સંગ્રહ ક્ષમતા વિકસાવવામાં આવી છે અને 2,128 કિલોમીટર લાંબી પાણી વિતરણ પાઇપલાઇનનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

આ પ્રોજેક્ટના ભાગરૂપે 2.72 લાખથી વધુ નવાં ઘરેલુ નળ જોડાણ આપવામાં આવ્યાં છે. સરકારી આંકડા મુજબ, આ સુવિધાનો અંદાજે 23.87 લાખ નાગરિકોને લાભ મળ્યો છે.

31 અમૃત શહેરોમાં ગટર નેટવર્કનું વિસ્તરણ

ભૂગર્ભ ગટર વ્યવસ્થાને (Sewerage Network Gujarat) મજબૂત બનાવવા માટે 31 અમૃત શહેરોમાં રૂ.1,500 કરોડનાં 77 કામ પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ પ્રોજેક્ટથી ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં 162 MLDનો વધારો થયો છે. આ ઉપરાંત 931 કિલોમીટર લાંબું ગટર નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે અને 1.03 લાખથી વધુ નવાં ઘરેલુ ગટર જોડાણ આપવામાં આવ્યાં છે. આ કામગીરીથી અંદાજે 31.76 લાખ નાગરિકોને લાભ મળ્યો હોવાનું સરકારી આંકડામાં જણાવાયું છે.

87 બાગ-બગીચાઓનો વિકાસ, 78 તળાવોનું જીર્ણોદ્ધાર

શહેરોમાં હરિયાળી અને જાહેર સ્થળોની સુવિધા વધારવા માટે રૂ.94 કરોડનાં 99 કામ પૂર્ણ થયાં છે. તેના પરિણામે 87 બાગ-બગીચાઓનું નિર્માણ અને વિકાસ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મિશન હેઠળ 78 તળાવોના જીર્ણોદ્ધારની કામગીરી પણ (Lake Restoration) કરવામાં આવી છે. આ પહેલનો હેતુ શહેરી વિસ્તારોમાં નાગરિકો માટે હરવા-ફરવા અને સમય પસાર કરવા યોગ્ય જાહેર સ્થળો વિકસાવવાનો છે.

મહિલા સ્વસહાય જૂથો દ્વારા 1.52 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર

AMRUT 2.0 હેઠળ મહિલાઓને રોજગારી અને આજીવિકાની તકો પૂરી પાડવા માટે ‘અમૃત મિત્ર’ અને ‘વુમન ફોર ટ્રી’ જેવી પહેલ અમલમાં મૂકવામાં આવી છે. ‘વુમન ફોર ટ્રી’ પહેલમાં અંદાજે 178 મહિલા સ્વસહાય જૂથોની મહિલાઓ જોડાઈ છે. આ અંતર્ગત રૂ.604.158 લાખના 165 પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે અને અત્યાર સુધીમાં 1.52 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

આમ, AMRUT 2.0 મિશન હેઠળ ગુજરાતનાં શહેરોમાં પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સાથે તળાવો, બાગ-બગીચાઓ અને શહેરી હરિયાળી વિકસાવવાની કામગીરી પણ આગળ વધી રહી છે.


આ પણ વાંચો: રાજ્યમાં કૃષિ, આરોગ્ય, શહેરી વિકાસ સહિત 14થી વધુ વિભાગોમાં 40થી વધુ AI યુઝ કેસ પર કામગીરી શરૂ

આ પણ વાંચો: શહેરી વિકાસ માટે ‘ગ્રોથ એન્જિન’ બનશે ગુજરાત: મંત્રી કનુભાઈ દેસાઈ

આ પણ વાંચો: ગાંધીનગરમાં શહેરી વિકાસ મંત્રીના અધ્યક્ષસ્થાને ‘સ્વનિધિ સમારોહ–2026’ યોજાયો