Gujarat News/ રાજ્યમાં કૃષિ, આરોગ્ય, શહેરી વિકાસ સહિત 14થી વધુ વિભાગોમાં 40થી વધુ AI યુઝ કેસ પર કામગીરી શરૂ

ગુજરાત ( Gujarat) માં AI સેન્ટર ઓફ એક્સલન્સના નિર્માણથી પ્રથમ વર્ષ 2025 માં 1400થી વધુ ઉદ્યોગ જોડાણ,100 થી વધુ સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ તેમજ 300 થી વધુ વૈશ્વિક પ્રતિનિધિઓનું જોડાણ

Gujarat Top Stories
GUJARAT

National Technology Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશ ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે મજબૂત ઓળખ ઉભી કરી રહ્યો છે. આ રાષ્ટ્રીય દ્રષ્ટિકોણને આગળ વધારતા ગુજરાતે (Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન તેમજ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી શ્રી અર્જુન મોઢવાડિયાના નેતૃત્વમાં ટેકનોલોજી આધારિત સુશાસન અને AI આધારિત સેવાઓના વિકાસમાં મહત્વપૂર્ણ પગલાં ભર્યા છે.

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ દેશના વૈજ્ઞાનિક ગૌરવ, આત્મનિર્ભરતા અને ટેકનોલોજીકલ ક્ષમતાનું પ્રતિક છે. આ દિવસ 11 મે, 1998ની એ ઐતિહાસિક ઘટનાઓની યાદ અપાવે છે, જ્યારે ભારતે ‘ઓપરેશન શક્તિ’ હેઠળ સફળ ન્યુક્લિયર પરીક્ષણો કર્યા હતા અને સંપૂર્ણપણે સ્વદેશી બનાવટના ‘હંસ-૩’ એરક્રાફટ એ તેની પ્રથમ ઉડાન ભરી હતી. આ ઐતિહાસિક સિદ્ધિઓના સન્માનરૂપે તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીએ 11 મેને ‘રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આજે આ દિવસ વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા, નવીનતા અને રાષ્ટ્ર નિર્માણમાં ટેકનોલોજીના યોગદાનને ઉજાગર કરવાનો અવસર બની ગયો છે.

રાજ્ય સરકારે તમામ વિભાગોમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ સુનિશ્ચિત કરવા “ગુજરાત ફ્યુચર ટેકનોલોજી ઇનિશિએટિવ્સ – GFTI” શરૂ કર્યું છે. રાજ્યમાં AI ટાસ્કફોર્સ, AI ઇમ્પ્લિમેન્ટેશન સેલ અને AI એક્શન પ્લાન જેવી સંસ્થાગત વ્યવસ્થાઓ દ્વારા ટેકનોલોજીના વ્યૂહાત્મક અમલીકરણ માટે કાર્ય થઈ રહ્યું છે. ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે AI ઇકોસિસ્ટમને ગતિ આપવાની આગવી પહેલ કરી છે. રાજ્યએ અદ્યતન AI સંશોધન અને વિકાસ માટે સેક્શન 8 એન્ટિટી તરીકે ‘ઇન્ડિયન AI રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (IAIRO)ની સ્થાપના કરી છે. આ પહેલ રાજ્યને AI સંશોધન અને નવીનતાના કેન્દ્ર તરીકે વિકસાવવા તરફનું મહત્વપૂર્ણ પગલું છે.

વર્ષ 2025માં NASSCOM અને Microsoftના સહયોગથી સ્થાપિત AI સેન્ટર ઓફ એક્સલન્સ રાજ્યના ટેકનોલોજીકલ વિકાસમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થયું છે. આ કેન્દ્ર દ્વારા AI આધારિત નવીનતા, સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન, ક્ષમતા નિર્માણ અને સરકારી યુઝ કેસ માટે પ્રુફ ઓફ કન્સેપ્ટના વિકાસને વેગ મળ્યો છે. પ્રથમ વર્ષ દરમિયાન જ 1400 થી વધુ ઉદ્યોગ જોડાણો, 350થી વધુ અધિકારીઓને એઆઇ અને ઇમર્જિંગ ટેકનોલોજીની તાલીમ, 100થી વધુ સ્ટાર્ટઅપ સોલ્યુશન્સ અને 300 થી વધુ વૈશ્વિક પ્રતિનિધિઓનું જોડાણ તેમજ 14 વિભાગોમાં 21 એઆઇ યુઝ કેસની અમલીકરણ પ્રક્રિયા શરૂ છે.

AI અને મશીન લર્નિંગ માટે આવશ્યક GPU ઇકોસિસ્ટમના વિકાસ માટે પણ ગુજરાતે આગવું સ્થાન મેળવ્યું છે. India AI Mission અંતર્ગત રાજ્યમાં GPU ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફાળવણી થઈ છે અને હાલમાં 16 GPU સેન્ટર્સ કાર્યરત છે. આ ઉપરાંત, 100 થી વધુ GPU સ્થાપિત કરવાની દિશામાં કામગીરી ચાલી રહી છે. સરકારી વિભાગો, સ્ટાર્ટઅપ્સ અને શૈક્ષણિક સંસ્થાઓને સ્કેલેબલ કમ્પ્યુટ એક્સેસ પૂરી પાડવા “GPU-as-a-Service” પ્લેટફોર્મની રિઅલ ટાઇમ યુસેજનું ટ્રેકિંગ સાથે શરૂઆત પણ કરવામાં આવી છે.

ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ દ્વારા સરકારી સેવાઓમાં AI આધારિત ઉકેલો વિકસાવવામાં આવ્યા છે, જેના પરિણામે વહીવટી કાર્યક્ષમતા અને નાગરિક સેવાઓ વધુ ઝડપી અને સુલભ બની રહી છે. ડોક્યુમેન્ટ ઓટોમેશન, ગ્રીવન્સ રૂટીંગ, લેંગ્વેજ પ્રોસેસિંગ, આર્કાઇવલ સર્ચ અને યોજનાકીય માહિતી માટે વિવિધ AI ટૂલ્સ વિકસાવવામાં આવ્યા છે. તેમાં ડોક્યુમેન્ટ એક્સટ્રેક્ટર, ગ્રીવન્સ ક્લાસિફાયર, AI આધારિત ચેટબોટ, GSAAR- AI-આધારિત આર્કાઇવલ સિસ્ટમ, ગુજરાતી લેંગ્વેજ મોડલ – LLM અને NLP ડેશબોર્ડ્સ,નાગરિકો માટે સ્કીમ એલિજિબિલિટી ચેકર,ભાષા સેતુ- ગુજરાતી વ્યાકરણ સહાયક વગેરે સેવાઓનો સમાવેશ થાય છે.

રાજ્યમાં 14 થી વધુ વિભાગોમાં ખેતી, આરોગ્ય, શહેરી વિકાસ, ઊર્જા અને શાસન ક્ષેત્રે ૪૦થી વધુ AI યુઝ કેસની ઓળખ કરી શરૂ કરવામાં આવ્યા છે. કૃષિ ક્ષેત્રે પાકના રોગ નિદાન, સ્માર્ટ સિંચાઈ અને અનાજ ગુણવત્તા વિશ્લેષણ માટે AIના ઉપયોગની શક્યતાઓને ચકાસવામાં આવી રહી છે. આરોગ્ય ક્ષેત્રે યુઝ કેસોમાં AI-આધારિત નિદાન, ક્રોનિક રોગનું નિદાન અને ફેફસાના કેન્સરનું સ્ક્રિનિંગ સામેલ છે. શહેરી વિકાસમાં સ્માર્ટ મોબિલિટી, CCTV એનાલિટિક્સ અને બ્લુપ્રિન્ટ ઓટોમેશનનો સમાવેશ થાય છે, જ્યારે ઊર્જા ક્ષેત્રે વીજ ચોરી શોધવા અને વપરાશ વિશ્લેષણ માટે AI ઉપયોગી બની રહ્યું છે.

ગુજરાતની ડિજિટલ અને IT પહેલ એ સરકારી સેવાઓને વધુ પારદર્શક, ડેટા આધારિત અને નાગરિક કેન્દ્રિત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. AI આધારિત સ્માર્ટ ડેશબોર્ડ્સ, બહુભાષી ટૂલ્સ અને રિયલ-ટાઇમ પ્રોસેસિંગ દ્વારા વહીવટી પ્રક્રિયાઓમાં ઝડપ અને કાર્યક્ષમતા વધારવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત AI અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન ક્ષેત્રે વધુ વ્યાપક પગલાં ભરીને દેશના અગ્રણી રાજ્ય તરીકેની ઓળખ વધુ મજબૂત બનાવશે.


આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ PM નરેન્દ્ર મોદીનું 100 કળશ નૃત્ય અને શંખનાદ સાથે કલામય સ્વાગત કરાશે

આ પણ વાંચો: PM મોદીનું જામનગરમાં આગમનઃ બંગાળ વિજયનો જબરદસ્ત ઉત્સાહ

આ પણ વાંચો: અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું