Somnath Amrutparv 2026: સોમનાથ વિરાસતના 75 વર્ષની ઉજવણી અનેક રીતે વિશિષ્ટ બની રહી છે. “સોમનાથ અમૃતપર્વ-2026″ના અવસરે સોમનાથ મંદિર પરિસરમાં ભગવાન નટરાજ સમક્ષ જાણે વિવિધ કલા, નાદ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિનો અનોખો સંગમ સર્જાયો છે.
સોમનાથ મંદિર પરિસરમાં દાખલ થતા જ ડાબી બાજુ ઓરિસ્સાના બે કલાકારો નારાયણ સાહુ અને સુભ્રતા મહારાણા દ્વારા દેવાધિદેવ ભગવાન શિવ અને સોમનાથ મંદિરની પ્રતિકૃતિ દર્શાવતું રેતશિલ્પ નિર્માણ કરવામાં આવ્યું છે. જેને જોવા લોકો ઉમટી રહ્યા છે. આ તકે બંને કલાકારોએ કહ્યું હતું કે, આ અમૃતપર્વ અમારી કલાને અનેક લોકો સમક્ષ રજૂ કરવાનો મોટો અવસર છે. આવા આયોજનથી અમારા જેવા કલાકારોને પ્રોત્સાહન સાથે આગળ વધવાની તક મળે છે.
ઉપરાંત પરિસરમાં ઈડરના બહુરૂપી કલાકારો દ્વારા શિવ પરિવારની વેશભૂષા ધારણ કરીને સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે. જેમાં ભગવાન ભોળાનાથ, માતા પાર્વતી, ભગવાન કાર્તિકેય તથા ભગવાન ગણેશ તેમજ નંદિની વેશભૂષા ધારણ કરેલા કલાકારો પૌરાણિક સંવાદ રજૂ કરીને શિવભૂમિ અને શિવભક્તિનો મહિમા ઉજાગર કરશે.

મંદિર પરિસરમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે ત્યારે અમૃતપર્વના પ્રતીક સમાન 75 ઢોલ, નાસિક ઢોલ અને તૂતી વાદ્યથી વાતાવરણ ગાજી ઊઠશે. જ્યારે કાઠિયાવાડી પરંપરાગત વેશભૂષામાં સજ્જ 100 જેટલી બાળાઓ માથે અમૃત કળશ લઈને લોકનૃત્ય થકી વડાપ્રધાનુ અભિવાદન કરશે. દિગ્વિજય દ્વારની બહાર “બેલ (ઘંટ) વોક વે” નિર્માણ કરાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી પસાર થશે ત્યારે આસપાસ 75 ઋષિકુમારો ડમરું નાદ તથા શંખનાદ કરશે. આ તકે મંદિર પ્રાંગણમાં પણ ઋષિકુમારો દ્વારા ડમરુંનાદ તથા શંખનાદ કરવામાં આવશે.
અમૃતપર્વે સોમનાથ મંદિરને ટનબંધ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિરને પીળા અને કેસરી ગલગોટાથી શણગારવામાં આવ્યા છે. ઉપરાંત અન્ય વિવિધ પ્રકારના ફૂલો “અમૃતપર્વ”ની મહેલમાં ઉમેરો કરી રહ્યા છે. સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ના પગલે સમગ્ર સોમનાથ ક્ષેત્રમાં અનોખો ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચો: તો અહીંથી વિશ્વમાં પરંપરાગત દવાનો યુગ શરૂ થશે: PM Modi
આ પણ વાંચો: અબુધાબીના સ્વામિનારાયણ મંદિરના ઉદ્ઘાટન માટે PM MODIને આમંત્રણ અપાયું
