અત્યારે એક બાજુ રમજાન માસ ચાલે છે. અને બીજી બાજુ ઠાકોર સમાજ અને ગામમા લગ્નસરાની સીઝન ચાલી રહી છે. ત્યારે દસાડાના પરાવિસ્તાર, ઠાકોરવાસ અને સોલંકીવાસ સહિતના ઘણા વિસ્તારોમાં હજુ પીવાનું પાણી પહોંચતું નથી. ત્યારે આ વિસ્તારોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાના મામલે વારંવાર દસાડા ગામ પંચાયતમાં ઘર્ષણના દ્રશ્યો જોવા મળે છે.
અને જ્યારે પણ આવી ઘટના બંને ત્યારે દસાડા ગ્રામ પંચાયતના સરપંચ કે તલાટી હાથ અધ્ધર કરી દે છે. અને એમનાં મળતીયાઓ હાજર રહી ફરિયાદ માટે આવતા લોકો સાથે ઘર્ષણમાં ઉતરવું પડે છે. દસાડા ગામ પંચાયતની વિવિધ પ્રશ્નો બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે છતાં અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે.
દસાડા ગ્રામ પંચાયતમા મહિલાઓએ પાણી માટે હલ્લાબોલ કર્યો
દસાડા ગ્રામ પંચાયતમા છેલ્લા ઘણાં સમયથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અતિ વિકટ બનવા પામી છે. જેમાં દસાડાના સોલંકી વાસમાં ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યા છે. જે અંગે આ વિસ્તારની મહિલાઓ દ્વારા વારંવાર રજૂઆત કરવા છતા કોઈ સાંભળતુ નથી. તલાટીને કહે તો કહે સરપંચને કહો.
જ્યારે આ વિસ્તારમાં 45 ડીગ્રીની આગ ઓકતી ગરમીમાં ભર બપોરે મહિલાઓને માથે બેડા ઉંચકી પીવાના પાણીની એક એક બુંદ માટે વલખાં મારવા પડી રહ્યાં છે. આથી દસાડાના પરા વિસ્તારની મહિલાઓ પીવાના પાણીની વિકટ સમસ્યા મામલે ગ્રામ પંચાયત કચેરીએ ધસી જઇ ઉગ્ર રજૂઆતો સાથે હલ્લાબોલ મચાવ્યો હતો. અને દસાડા ગ્રામ પંચાયત કચેરીમાં ગાળા ગાળી સાથે ઝપાઝપીના દ્રશ્યો જોવા મળતા અફડાતફડી મચી જવા પામી હતી.
