World News : ઓમાનના અખાતમાં (Gulf of Oman)અમેરિકન સેનાએ નાકાબંધીનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહેલા એક કોમર્શિયલ કાર્ગો જહાજ સામે હવાઈ કાર્યવાહી (US Attack) કરી છે. અમેરિકાના યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) અનુસાર, વારંવાર ચેતવણી આપવા છતાં જહાજે આદેશોનું પાલન ન કરતાં તેના પર ચોકસાઈપૂર્વક હુમલો (US Attack)કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જહાજને આગળ વધવામાં અસમર્થ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અમેરિકન સેનાના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી 7 નવેમ્બર, 2026ના રોજ હાથ ધરવામાં આવી હતી. સેન્ટકોમ દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલી માહિતી મુજબ, સેન્ટ કિટ્સનો ધ્વજ ધરાવતા કોમર્શિયલ કાર્ગો જહાજ ‘એમ/વી હુડા’ને નિશાન (Cargo Ship Attack)બનાવવામાં આવ્યું હતું. અમેરિકન લશ્કરી વિમાનોએ જહાજના પાછળના ભાગ એટલે કે સ્ટર્ન પર ચોકસાઈપૂર્વક હુમલો કર્યો હતો.
અમેરિકાની ચેતવણી છતાં જહાજે માર્ગ બદલ્યો નહીં
સેન્ટકોમના જણાવ્યા અનુસાર, જહાજ ઈરાનના બંદર પર રોકાયા બાદ પ્રાદેશિક જળસીમામાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ દરમિયાન અમેરિકન સેનાએ જહાજના ક્રૂને વારંવાર ચેતવણી આપી હતી. સંભવિત જાનહાનિ ટાળવા માટે ક્રૂને નિશાન બનાવવામાં આવેલા વિસ્તારોથી દૂર રહેવાની સૂચના પણ આપવામાં આવી હતી.
જોકે, જહાજના સંચાલકોએ અમેરિકાની ચેતવણીઓનું પાલન ન કરતાં આખરે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકાએ આ વિસ્તારમાં દરિયાઈ વેપાર સાથે સંકળાયેલા તમામ જહાજોને ઈરાનના દરિયાકાંઠા અને આસપાસના જળમાર્ગોમાંથી પસાર થતી વખતે અમેરિકન સેનાની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
US Attack : 147 જહાજોને પાછાં વાળ્યાં, પાંચ જહાજોને નિષ્ક્રિય કર્યાં
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે પોતાની નાકાબંધી અમલીકરણ કામગીરી અંગે પણ માહિતી આપી છે. સેન્ટકોમ (CENTCOM)ના દાવા પ્રમાણે, જુલાઈથી અત્યાર સુધીમાં 147 કોમર્શિયલ જહાજોને અટકાવીને તેમનો માર્ગ બદલાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત, રોકાવાનો ઇનકાર કરનારા પાંચ વાણિજ્યિક જહાજોને નિષ્ક્રિય કરવામાં આવ્યાં છે. અમેરિકન સેનાએ એવો પણ દાવો કર્યો છે કે તેણે ઈરાનનાં 10 વાણિજ્યિક ઓઇલ ટેન્કરોને નષ્ટ કર્યાં છે. આ ટેન્કરો ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) સાથે જોડાયેલા અબજો ડોલરના દરિયાઈ નેટવર્કનો મહત્ત્વનો હિસ્સો હોવાનું અમેરિકાનું કહેવું છે.
ઈરાનના શસ્ત્ર પુરવઠા પર અંકુશ માટે નવી ટાસ્ક ફોર્સ
ઈરાન પર દબાણ વધારવા માટે અમેરિકાએ વધુ એક પગલું ભર્યું છે. સેન્ટકોમે ઈરાનના કથિત જમીન માર્ગે ચાલતા પરિવહન નેટવર્કને ખોરવવા નવી ટાસ્ક ફોર્સ બનાવવાની જાહેરાત કરી છે.
આ ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાન સુધી અદ્યતન શસ્ત્રો, બેવડા ઉપયોગમાં લઈ શકાય તેવી ટેક્નોલોજી અને પ્રતિબંધિત સામગ્રીનો પુરવઠો અટકાવવાનો છે. આ કાર્યવાહીથી ઈરાનના લશ્કરી સપ્લાય નેટવર્ક પર દબાણ વધારવાની અમેરિકાની યોજના છે.
ઓમાનના દરિયાકાંઠે અગાઉ પણ જહાજ પર થયો હતો હુમલો
ઓમાનના અખાતમાં (Gulf of Oman)તાજેતરની કાર્યવાહી વચ્ચે ઓક્ટોબરની શરૂઆતમાં બનેલી એક ઘટના પણ ચર્ચામાં આવી છે. તે સમયે પનામાનો ધ્વજ ધરાવતા વાણિજ્યિક જહાજ ‘એમટી ઓન પીસ’ પર હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતી વખતે પ્રોજેક્ટાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો.
ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ હુમલામાં 12 ક્રૂ મેમ્બર ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 11 ભારતીય મૂળના હતા. આ ઘટનાએ ઓમાનના અખાત અને હોર્મુઝની સામુદ્રધુનીમાં દરિયાઈ સુરક્ષા તથા આંતરરાષ્ટ્રીય વેપારને લઈને ચિંતા વધારી છે.
