Kheda News: ગુજરાતમાં દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી વચ્ચે ખેડા શહેરમાં ભાઈબીજની રાત્રે એક અનોખી પરંપરા જોવા મળી હતી. શહેરના પરા દરવાજા વિસ્તારમાં 42 વર્ષથી ચાલી આવતી ‘કોઠી યુદ્ધ’ની પરંપરા (Kheda Kothi Yudh) આ વર્ષે પણ ઉત્સાહભેર ઉજવાઈ હતી. કાછીયાપોળ અને ભાવસારવાડના લોકો વચ્ચે યોજાયેલા આ અનોખા મુકાબલામાં 150થી વધુ યુવાનો અને મોટેરાઓ જોડાયા હતા. આ પરંપરા નિહાળવા માટે ખેડા ઉપરાંત આસપાસનાં ગામોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
Kheda Kothi Yudh: અંધકારમાં યોજાયો આતશબાજીનો અનોખો મુકાબલો
પરા દરવાજા વિસ્તારમાં કાછીયાપોળ અને ભાવસારવાડના લોકો સામસામે આવીને આ પરંપરાગત ઉત્સવ (Kheda Bhai Bij Festival)માં ભાગ લે છે. આયોજન દરમિયાન વિસ્તારની લાઇટો બંધ કરી દેવામાં આવે છે અને ત્યારબાદ આતશબાજી સાથે કોઠી યુદ્ધની શરૂઆત થાય છે.

ભાઈબીજની રાત્રે બંને પક્ષે આકાશમાં હવાઈ છોડીને ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. ત્યારબાદ સળગતી કોઠીઓ સાથે બંને પક્ષ વચ્ચે પરંપરાગત મુકાબલો યોજાયો હતો. જોકે, આ આયોજન પાછળ કોઈ દુશ્મનાવટ કે વૈમનસ્ય નથી, પરંતુ બંને સમાજ વચ્ચે ભાઈચારો જાળવી રાખવાનો અને વર્ષો જૂની પરંપરાને જીવંત રાખવાનો હેતુ છે.

નવરાત્રિથી જ શરૂ થાય છે તૈયારીઓ
આ અનોખા ઉત્સવ માટેની તૈયારીઓ નવરાત્રિથી શરૂ થઈ જાય છે. સ્થાનિક લોકો દ્વારા પરંપરા (Gujarati Culture) મુજબ કોઠીઓ તૈયાર કરવામાં આવે છે. આ સમગ્ર આયોજન પાછળ અંદાજે 4થી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, જેમાં કોઠી અને હવાઈ સહિતની તૈયારીઓનો સમાવેશ થાય છે.

42 વર્ષથી જળવાઈ છે પરંપરા
સ્થાનિક આગેવાન નીતિનકુમાર કા. પટેલના જણાવ્યા અનુસાર, ભાવસાર અને કાછિયા સમાજના બંને પક્ષના લોકો મળીને આ ઉત્સવમાં ભાગ લે છે. કુલ 150થી વધુ યુવાનો અને મોટેરાઓ આ પરંપરાનો હિસ્સો બને છે.
તેમણે જણાવ્યું હતું કે અગાઉ આ ઉત્સવમાં વાંસમાંથી બનાવેલી નાની કોઠીઓનો ઉપયોગ થતો હતો, જ્યારે સમય જતાં તેમાં ફેરફાર થયો છે. છેલ્લા 42 વર્ષથી વધુ સમયથી આ પરંપરા જળવાઈ રહી છે.

પહેલાં 10 દિવસ ચાલતો હતો ઉત્સવ
સ્થાનિક યુવાન નમન ભાવસારના જણાવ્યા અનુસાર, આ ઉત્સવ બાપદાદાના સમયથી ચાલ્યો આવે છે. અગાઉ તેની ઉજવણી 10 દિવસ સુધી કરવામાં આવતી હતી, પરંતુ વધતા ખર્ચને કારણે હવે નવા વર્ષ અને ભાઈબીજના દિવસે જ તેનું આયોજન કરવામાં આવે છે.

યુવા પેઢી પણ વડીલો પાસેથી આ પરંપરા વિશે જાણીને તેને આગળ વધારવાના પ્રયાસો કરી રહી છે. આમ, ખેડાનું 42 વર્ષ જૂનું કોઠી યુદ્ધ (Kothi War Tradition) માત્ર આતશબાજીનો કાર્યક્રમ નથી, પરંતુ બે સમાજ વચ્ચેના ભાઈચારા અને પરંપરાગત જોડાણનું પ્રતીક બની રહ્યું છે.
આ પણ વાંચો: ખેડાના ટુંડેલમાં જૂની અદાવતનો ખૂની અંજામ, યુવક પર હુમલો કરી હત્યા
આ પણ વાંચો: ખેડામાં આરોગ્ય કેન્દ્રની દવાની બોટલમાં કીડા હોવાનો વીડિયો વાયરલ, સત્તાવાર તપાસની રાહ
આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં કાફે પર SMCનો દરોડો, ચેરીસ કાફેમાંથી 10 હુક્કા કબજે
