National News : વિશ્વમાં તાંબાની વધતી જતી માંગ વચ્ચે ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના અદાણી ગ્રુપે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટું પગલું ભર્યું છે. ગ્રુપની કંપની કચ્છ કોપર લિમિટેડે ચિલીની સરકારી માલિકીની કંપની કોડેલ્કો (Codelco) સાથે વ્યૂહાત્મક કરાર (Adani Chile Copper Deal)કર્યો છે. આ ભાગીદારી હેઠળ બંને કંપનીઓ ચિલીના ઉત્તરી વિસ્તારમાં આવેલા કાબુરકાલા કોપર પ્રોજેક્ટમાં સંશોધન અને વિકાસ માટે સાથે કામ કરશે. વિશ્વના સૌથી મોટા તાંબા ઉત્પાદક દેશોમાં સામેલ ચિલીમાં આ ભાગીદારીથી અદાણી ગ્રુપની વૈશ્વિક હાજરી મજબૂત બની શકે છે.
Adani Chile Copper Deal : ચિલીના તાંબાના ભંડાર પર અદાણીની નજર
અદાણી ગ્રુપની આ ભાગીદારી ચિલીના એન્ટોફાગાસ્ટા વિસ્તારમાં આવેલા કોપર પ્રોજેક્ટ સાથે જોડાયેલી છે. આ વિસ્તાર વિશ્વના સૌથી મહત્ત્વના તાંબા ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે. કરાર મુજબ અદાણી ગ્રુપ પ્રોજેક્ટ માટે મૂડી, ટેકનોલોજી અને વિકાસ સંબંધિત નિષ્ણાત સહયોગ આપશે. જ્યારે કોડેલ્કો (Codelco) પોતાની ભૂસ્તરશાસ્ત્રીય જાણકારી અને તાંબાના સંશોધનનો આંતરરાષ્ટ્રીય અનુભવ ઉપયોગમાં લેશે.
અદાણી ગ્રુપનો ઉદ્દેશ માત્ર તાંબાના સંશોધન પૂરતો મર્યાદિત નથી. કંપની વૈશ્વિક સ્તરે તાંબાની એક સંકલિત સપ્લાય ચેઇન ઊભી કરવા માગે છે. ગુજરાતના મુન્દ્રામાં ગ્રુપનું કોપર સ્મેલ્ટિંગ કોમ્પ્લેક્સ પણ કાર્યરત છે. આ રીતે વિદેશમાં સંશોધન અને ભારતમાં પ્રોસેસિંગની ક્ષમતા વચ્ચે જોડાણ મજબૂત થઈ શકે છે.
તાંબાને કેમ કહેવામાં આવે છે જાદુઈ ધાતુ?
તાંબાને હજારો વર્ષોથી માનવ સભ્યતાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. તેની વીજળી અને ગરમીનું વહન કરવાની ક્ષમતા તેને અન્ય ધાતુઓથી અલગ બનાવે છે. આજે આ ધાતુનો ઉપયોગ માત્ર પરંપરાગત ઉદ્યોગો પૂરતો સીમિત નથી રહ્યો.
વીજળીકરણ, સોલાર અને પવન ઊર્જા, ઇલેક્ટ્રિક વાહનો, પાવર ગ્રીડ, AI અને ડેટા સેન્ટર (AI Data Centers)સહિત અનેક ક્ષેત્રોમાં તાંબાની જરૂરિયાત વધી રહી છે. ખાસ કરીને AI આધારિત ટેકનોલોજીના વિસ્તરણને કારણે નવા ડેટા સેન્ટરોનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં મોટા પ્રમાણમાં વીજળી અને કોપર કેબલની જરૂર પડે છે.
વૈશ્વિક સ્તરે 2026માં તાંબાની વાર્ષિક માંગ (Global Copper Demand)આશરે 34 મિલિયન ટન રહેવાનો અંદાજ છે. 2050 સુધીમાં આ માંગ 50 મિલિયન ટનને પાર કરી શકે છે. આવી સ્થિતિમાં તાંબાના ભંડાર અને તેના પુરવઠા પર નિયંત્રણ મેળવવું દેશો અને કંપનીઓ માટે મહત્ત્વપૂર્ણ બની રહ્યું છે.
ચિલી સૌથી મોટો ઉત્પાદક, ભારત આયાત પર નિર્ભર
ચિલી વિશ્વમાં તાંબાનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ છે. ઉપલબ્ધ આંકડા મુજબ ચિલી વાર્ષિક આશરે 5.3 મિલિયન મેટ્રિક ટન તાંબાનું ઉત્પાદન કરે છે. ત્યારબાદ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો 3.3 મિલિયન ટન અને પેરુ 2.6 મિલિયન ટન સાથે આવે છે.
બીજી તરફ ભારતમાં તાંબાનું સ્થાનિક ઉત્પાદન (Copper Production)માંગની સરખામણીએ ઓછું છે. દેશમાં ગયા નાણાકીય વર્ષ દરમિયાન આશરે 7 લાખ ટન તાંબાનું ઉત્પાદન થયું હતું, જ્યારે વાર્ષિક વપરાશ લગભગ 17 લાખ ટન છે. પરિણામે ભારતે વિદેશી સપ્લાય પર પણ આધાર રાખવો પડે છે.
ભારતમાં તાંબાની માંગ 2030 સુધીમાં 32.4 લાખ ટન અને 2047 સુધીમાં 98 લાખ ટનથી વધુ થવાની શક્યતા છે. આવી સ્થિતિમાં વિદેશમાં તાંબાના સંશોધન અને પુરવઠા માટે ભાગીદારી ભારતની લાંબા ગાળાની જરૂરિયાતો માટે મહત્ત્વપૂર્ણ બની શકે છે.
અમેરિકા અને ચીન વચ્ચે કોપરની સ્પર્ધા કેમ વધી?
વિશ્વની બે મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા અને ચીન માટે પણ તાંબું વ્યૂહાત્મક મહત્ત્વ ધરાવે છે. ચીન વિશ્વમાં રિફાઇન્ડ તાંબાનો સૌથી મોટો વપરાશકાર દેશ છે અને વૈશ્વિક વપરાશમાં તેનો હિસ્સો આશરે 60 ટકા છે.
AI, ડેટા સેન્ટર (AI Data Centers), ઇલેક્ટ્રિક વાહનો અને નવીનીકરણીય ઊર્જાના ક્ષેત્રમાં ચીનનું રોકાણ સતત વધી રહ્યું છે. તેના કારણે તાંબાની માંગમાં વધારો થયો છે. બીજી તરફ અમેરિકાએ પણ તાંબાને તેના મહત્ત્વપૂર્ણ ખનિજોની યાદીમાં સામેલ કર્યું છે. આથી તાંબું હવે માત્ર ઔદ્યોગિક કાચો માલ નહીં, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વ્યૂહરચનાનો ભાગ બની ગયું છે.
વિશ્વભરમાં તાંબાના પુરવઠા પર દબાણ અને વધતી માંગ વચ્ચે અદાણી ગ્રુપની ચિલી સાથેની ભાગીદારીને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ કરારથી કંપનીને વૈશ્વિક કોપર માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તક મળી શકે છે.
