Business News/ ગૌતમ અદાણી ફરી દેશના સૌથી અમીર, અંબાણી બીજા ક્રમે

23 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર થયેલી M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી ભારતના સૌથી અમીર (Richest Indian) બન્યા છે

Top Stories India Business
23 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર થયેલી M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં ગૌતમ અદાણી અને તેમનો પરિવાર ફરી ભારતના સૌથી અમીર (Richest Indian) બન્યા છે.

Business News : દેશના સૌથી મોટા ઉદ્યોગપતિઓની સંપત્તિમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. 23 સપ્ટેમ્બર 2026ના રોજ જાહેર થયેલી M3M હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2026માં ગૌતમ અદાણી (Gautam Adani)અને તેમનો પરિવાર ફરી ભારતના સૌથી અમીર (Richest Indian) બન્યા છે.

અદાણી પરિવારની સંપત્તિ 13 ટકા વધીને રૂ. 9.23 લાખ કરોડ થઈ છે. બીજી તરફ, મુકેશ અંબાણી અને તેમના પરિવારની સંપત્તિ 10 ટકા ઘટીને રૂ. 8.63 લાખ કરોડ રહી છે. બંને વચ્ચે સંપત્તિનો તફાવત રૂ. 59,400 કરોડનો છે.

Richest Indian : ગૌતમ અદાણી (Gautam Adani) ફરી ટોચ પર

હુરુનના આ વર્ષની યાદીમાં રૂ. 1,000 કરોડ કે તેથી વધુ સંપત્તિ ધરાવતા 1,810 લોકોને સ્થાન મળ્યું છે. આ તમામ લોકોની સંયુક્ત સંપત્તિ 12.8 ટકા વધીને રૂ. 187.5 લાખ કરોડ થઈ છે. અદાણી પરિવારે ગયા વર્ષની સરખામણીમાં સંપત્તિમાં વધારો નોંધાવતા ફરી નંબર-1 સ્થાન મેળવ્યું છે, જ્યારે મુકેશ અંબાણી અને પરિવાર બીજા ક્રમે રહ્યા છે.

ટોપ-10માં પણ નોંધપાત્ર ફેરફાર થયો છે. એલ.એન. મિત્તલ અને પરિવાર 93 ટકા વધારા સાથે રૂ. 3.39 લાખ કરોડની સંપત્તિ ધરાવી ત્રીજા ક્રમે પહોંચ્યા છે. સાયરસ પૂનાવાલા પરિવાર રૂ. 3.03 લાખ કરોડ સાથે ચોથા ક્રમે છે.

સમીર મહેતા (Samir Mehta)ની પહેલીવાર ટોપ-10માં એન્ટ્રી

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને તેમનો પરિવાર પહેલીવાર હુરુન રિચ લિસ્ટના ટોપ-10માં પહોંચ્યો છે. તેમની સંપત્તિ 52 ટકા વધીને રૂ. 1.89 લાખ કરોડ થઈ છે અને તેઓ 10મા ક્રમે રહ્યા છે. અહેવાલ મુજબ JB Chemicals સાથેના મર્જર બાદ તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

વેદાંતાના અનિલ અગ્રવાલ અને પરિવાર પણ ટોપ-10માં આવ્યા છે. તેમની સંપત્તિ 87 ટકા વધીને રૂ. 2.08 લાખ કરોડ થઈ છે અને તેઓ નવમા ક્રમે છે.

ટોપ-10માં રોશની નાદર મલ્હોત્રા અને પરિવાર રૂ. 2.79 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે. તેઓ ભારતની સૌથી અમીર મહિલા તરીકે પણ યથાવત્ છે.

AI અમીરો (AI Wealth)નો નવો ઉદય

2026ની હુરુન યાદીમાં પહેલીવાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને અલગ સેક્ટર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. AI ક્ષેત્રના 19 બિઝનેસ પર્સન આ યાદીમાં સામેલ થયા છે અને તેમની સંયુક્ત સંપત્તિ રૂ. 3.07 લાખ કરોડ છે. તેમાં 15 નામ એવા છે, જેઓ પહેલીવાર યાદીમાં આવ્યા છે.

AI કંપની Wispr Flowના સ્થાપક તનય કોઠારી અને સહજ ગર્ગ બંને 28 વર્ષની ઉંમરે યાદીમાં સ્થાન મેળવનારા સૌથી યુવા AI બિઝનેસ પર્સન બન્યા છે. બંનેની સંપત્તિ રૂ. 4,200 કરોડ આંકવામાં આવી છે.

ભારતમાં ડોલર અબજોપતિઓની સંખ્યા 391 થઈ

હુરુન રિચ લિસ્ટ મુજબ ભારતમાં હવે રેકોર્ડ 391 ડોલર અબજોપતિ છે. છેલ્લા એક વર્ષમાં 27 નવા ડોલર અબજોપતિ ઉમેરાયા છે. પાંચ વર્ષ પહેલાં આ સંખ્યા 237 હતી. બીજી તરફ, સમગ્ર રિચ લિસ્ટમાં એક વર્ષમાં 128 નવા નામ ઉમેરાયા છે.

યાદીમાં સામેલ લોકોમાંથી 1,266 એટલે કે લગભગ 70 ટકા લોકો સેલ્ફ-મેડ ઉદ્યોગસાહસિક છે. શહેરોની વાત કરીએ તો મુંબઈ 465 અમીરો સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ નવી દિલ્હી 236 અને બેંગલુરુ 129 અમીરો સાથે આવે છે.

હુરુન લિસ્ટમાં મહિલાઓની સંખ્યા પણ વધી છે. આ વર્ષે 131 મહિલાઓનો સમાવેશ થયો છે, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા 100 હતી. રોશની નાદર મલ્હોત્રા અને પરિવાર રૂ. 2.79 લાખ કરોડની સંપત્તિ સાથે ભારતની સૌથી અમીર મહિલા તરીકે ટોચ પર છે.


આ પણ વાંચો: ગૌતમ અદાણીને મોટી રાહત, શેરમાં જોવા મળ્યો ભારે ઉછાળો : જાણો સમગ્ર મામલો

આ પણ વાંચો:એશિયાના સૌથી ધનિક બન્યા ગૌતમ અદાણી

આ પણ વાંચો: ન્યુ મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, ઉદ્ઘાટન પહેલાં ગૌતમ અદાણીનું મહત્વપૂર્ણ નિવેદન…….