Gandhinagar News/ બાળકોનું ભોજન બનાવે, પણ ગેસના પૈસા પોતાના ખિસ્સામાંથી ભરે!

ગુજરાતમાં મધ્યાહન ભોજન સંચાલકોને ગેસ રિફિલિંગ (Gas Cylinder Grant) અને રસોડાની સામગ્રીનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરવો પડતો હોવાનો આક્ષેપ. રૂ.3,500ના વેતન વચ્ચે બાકી નાણાં ચૂકવવાની માગ.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Gas Cylinder Grant: 4 વર્ષનો ખર્ચ બાકી, સરકાર પાસે નાણાં માગ્યાં

Gandhinagar News: ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના (Mid Day Meal Scheme) હેઠળ બાળકો માટે ભોજન તૈયાર કરતા સંચાલકો છેલ્લા 3થી 4 વર્ષથી ગેસ સિલિન્ડર રિફિલિંગ (Gas Cylinder Grant) અને રસોડામાં વપરાતી જરૂરી સામગ્રીનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળે આ મામલે શિક્ષણ વિભાગને રજૂઆત કરીને જૂના બાકી નાણાં ચૂકવવા અને ચાલુ શૈક્ષણિક વર્ષ માટે જરૂરી ગ્રાન્ટ અગાઉથી ફાળવવાની માગ કરી છે.

મંડળે 13 નવેમ્બર, 2026ના રોજ શિક્ષણ કમિશનર અને પ્રાથમિક પોષણ યોજનાની કચેરીને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યા મુજબ, શાળાઓમાં બાળકો માટે ગરમ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરવા ગેસ સિલિન્ડર અને ગેસ સગડીનો ઉપયોગ થાય છે. જોકે, છેલ્લા 3થી 4 વર્ષથી ગેસ રિફિલિંગ ઉપરાંત ગેસ પાઇપ, રેગ્યુલેટર, લાઇટર અને અન્ય જરૂરી સાધનોનો ખર્ચ સંચાલકોને પોતાની આવકમાંથી કરવો પડી રહ્યો છે.

Gas Cylinder Grant: માત્ર રૂ.3,500ના માસિક વેતનમાં ઘરખર્ચ સાથે વધારાનો બોજ

મંડળના જણાવ્યા અનુસાર, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોને દર મહિને માત્ર રૂ.3,500 જેટલું વેતન મળે છે. આટલા ઓછા વેતનમાં ઘરખર્ચ ચલાવવાની સાથે ગેસ રિફિલિંગ અને રસોડાની સામગ્રીનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બની રહ્યો છે. સરકારની જોગવાઈ અને પરિપત્ર હોવા છતાં રાજ્યના મોટાભાગના તાલુકાઓ અને કેન્દ્રોમાં જરૂરી ગ્રાન્ટ સમયસર મળતી ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

બિસ્માર ગેસ સગડી અને પાઇપથી અકસ્માતનો ભય

મંડળે રજૂઆતમાં રસોડાનાં સાધનોની સુરક્ષા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. લાંબા સમયથી નવા ગેસ સિલિન્ડર ન મળવા તેમજ સર્વિસિંગ અને રિપેરિંગ માટે પૂરતી ગ્રાન્ટ ન ફાળવાતાં અનેક કેન્દ્રોમાં ગેસ સગડી, પાઇપ અને રેગ્યુલેટરની હાલત બિસ્માર બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

કેટલાક કેન્દ્રોમાં ગેસ લીકેજ, પાઇપ ફાટી જવી અને બર્નર જામ થવા જેવી સમસ્યાઓ સર્જાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં આગ લાગવા કે ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે. શાળામાં મોટી સંખ્યામાં બાળકો ભોજન લેતાં હોવાથી તેમની સુરક્ષાને ધ્યાનમાં (School Kitchen Safety) રાખીને તાત્કાલિક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.

મંડળની સરકાર સમક્ષ બે મુખ્ય માગ

ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી (Mid Day Meal Operators Salary) મંડળે છેલ્લા 3થી 4 વર્ષ દરમિયાન સંચાલકોએ પોતાના ખિસ્સામાંથી કરેલા ગેસ રિફિલિંગ, સર્વિસિંગ, ગેસ પાઇપ, રેગ્યુલેટર અને લાઇટર સહિતના ખર્ચની બાકી રકમ સીધી તેમના બેન્ક ખાતામાં DBT મારફતે જમા કરવાની માગ કરી છે.

આ ઉપરાંત, શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ગેસ સિલિન્ડર ખરીદી, રિપેરિંગ અને જરૂરી સામગ્રીની ગ્રાન્ટ તાત્કાલિક ફાળવવાની માગ કરવામાં આવી છે. નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલાં જ આ રકમ સંચાલકોના ખાતામાં જમા થાય તેવી પણ રજૂઆત કરવામાં આવી છે, જેથી રસોઈની કામગીરી સુરક્ષિત રીતે ચાલુ રાખી શકાય.

ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ કિશોરચંદ્ર એમ. જોશી અને મહામંત્રી પ્રવીણભાઈ જે. પરમારે સરકારને આ મામલે વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવા વિનંતી કરી છે. મંડળનું કહેવું છે કે બાળકોને સુરક્ષિત અને પૌષ્ટિક ભોજન પૂરું પાડવા માટે રસોડાનાં સાધનોની યોગ્ય જાળવણી અને ગ્રાન્ટની સમયસર ફાળવણી જરૂરી છે.


આ પણ વાંચો: શાળાઓના મધ્યાહન ભોજનમાં સડેલું અનાજ? ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગુણવત્તા સામે સવાલ

આ પણ વાંચો: સરકારી શાળામાં મધ્યાહન ભોજન બાદ 38 બાળકો બીમાર, આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: ગીર સોમનાથની શાળાના મધ્યાહન ભોજનમાં અખાદ્ય જથ્થાનો આક્ષેપ, વાલીઓનો હોબાળો; લેબ ટેસ્ટની માંગ