Surat News/ સુરતમાં બેંક ઓફ બરોડાના મેનેજર સામે ફરિયાદ, લોન સેટલમેન્ટ બાદ પણ ફ્લેટ વેચી છેતરપિંડીનો આક્ષેપ

સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડા (Bank of Baroda)ના ચીફ મેનેજર સહિત બે શખ્સો વિરુદ્ધ 51.50 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, લોન સેટલમેન્ટ બાદ પણ ફ્લેટ વેચી માર્યાનો આક્ષેપ

Surat Top Stories Gujarat Breaking News
Bank of Baroda

Surat News:  : સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં બેંક ઓફ બરોડા (Bank of Baroda)ના ચીફ મેનેજર સહિત બે શખ્સો વિરુદ્ધ 51.50 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. અલથાણ વિસ્તારમાં રહેતા વિશાખાબેન અશોકભાઈ ખાખોલીયાએ બેંક ઓફ બરોડાના રીકવરી ચીફ મેનેજર સંજયકુમાર સિન્હા અને પરમાનંદ ગુદરમલ માલપાની સામે ગુનો દાખલ કરાવ્યો છે.

Bank of Baroda: 1.15 કરોડની લોન અને વન ટાઈમ સેટલમેન્ટ

ફરિયાદીના પતિએ 2012માં ‘મેસર્સ વોઈસ ઓફ ટ્રેડ’ નામની પેઢીના નામે બેંક ઓફ બરોડાની ભટાર રોડ શાખામાંથી રૂ. 1.15 કરોડની સી.સી. અને ટર્મ લોન મેળવી હતી. આ લોનની સામે પરવત પાટીયા ખાતે આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્ષના ફ્લેટ નંબર 303ને ગીરો મૂકવામાં આવ્યો હતો. લોનના હપ્તા નિયમિત ન ભરાતા ખાતું એન.પી.એ. (NPA) જાહેર થયું હતું, અને 5 ઓક્ટોબર, 2021ના રોજ બેંકે ફ્લેટનો ભૌતિક કબજો સંભાળી લીધો હતો. ત્યારબાદ ગેરેન્ટર પ્રદિપ અગ્રવાલે ‘વન ટાઈમ સેટલમેન્ટ’ માટે અરજી કરી હતી. ચીફ મેનેજર સંજયકુમાર સિન્હાની સૂચના મુજબ ફરિયાદી પક્ષે ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ પેટે રૂ. 51.50 લાખ જમા કરાવી દીધા હતા.

રકમ ભર્યા બાદ દસ્તાવેજો પરત, છતાં છેતરપિંડીનો આક્ષેપ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સેટલમેન્ટની રકમ સ્વીકારાયા પછી ભટાર રોડ શાખાના અધિકૃત અધિકારીએ ફરિયાદીને ‘નો-ડ્યુ સર્ટિફિકેટ’ તથા મિલકતના મૂળ દસ્તાવેજો પરત આપ્યા હતા. આટલું જ નહીં, 6 સપ્ટેમ્બર, 2022ના રોજ મિલકતનો વિધિવત રીલીઝ દસ્તાવેજ પણ કરી અપાયો હતો. આમ, મિલકત સંપૂર્ણ રીતે ગીરો મુક્ત થઈ ગઈ હોવાની પૂરતી જાણકારી હોવા છતાં રીકવરી મેનેજર સંજયકુમાર સિન્હાએ ગુનાહિત કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

મળતિયા માટે કથિત ગેરકાયદે સેલ સર્ટિફિકેટ

આક્ષેપ મુજબ, બેંકના જવાબદાર અધિકારી તરીકેના પદનો દુરુપયોગ કરીને સંજયકુમાર સિન્હા (Sanjay Kumar Sinha)એ આરોપી પરમાનંદ માલપાની(Parmanand Gudarmal Malpani) ના આર્થિક લાભ માટે 29 સપ્ટેમ્બર, 2022ના રોજ એ જ ફ્લેટનું ગેરકાયદેસર ‘સેલ સર્ટિફિકેટ’ તૈયાર કરી આપ્યું હતું. ફરિયાદીનું કહેવું છે કે તેમની પાસેથી રૂ. 51.50 લાખ મેળવી મિલકત મુક્ત કરવાનો કરાર કર્યા પછી પણ તે જ મિલકત ત્રીજી વ્યક્તિને સોંપી દઈને મોટો વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આ મામલે ખટોદરા પોલીસ સ્ટેશન (Khatodara Police Station)ના પી.એસ.આઈ. આર.જી. રાઓલ (R.G. Raol) દ્વારા આઈ.પી.સી. કલમ 406, 420 અને 114 હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: અમદાવાદમાં RBI કરન્સી ચેસ્ટમાંથી 8.70 કરોડની ચોરી: બેંક ઓફ બરોડાનો કર્મચારી ઝડપાયો

આ પણ વાંચો: ‘RBI રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરી શકે છે’, બેંક ઓફ બરોડાના રિપોર્ટમાં દાવાનું કારણ

આ પણ વાંચો: બેંક ઓફ બરોડાનું તૂટયું લોકર, 60 તોલા સોનું અને રોકડ ગુમ, જાણભેદુની આશંકા