World News : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ફરી એકવાર ગંભીર સવાલોના ઘેરામાં આવ્યા છે. આ વખતે મામલો વિશ્વની અગ્રણી ચિપ નિર્માતા કંપની NVIDIAના શેર (NVIDIA Shares)માં કરોડો ડોલરના રોકાણ અને ચીનને AI ચિપ્સ વેચવાની અમેરિકાની નીતિ સાથે જોડાયેલો છે. એક નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે ચીનને અદ્યતન AI ચિપ્સની નિકાસ પરના પ્રતિબંધો હળવા થાય તે પહેલાં જ NVIDIAના લાખો ડોલરના શેર ખરીદ્યા હતા. આ ખુલાસા બાદ અમેરિકામાં હિતોના ટકરાવ અને સંભવિત ઈનસાઈડર ટ્રેડિંગ (Insider Trading) અંગે ચર્ચા તેજ બની છે.
ટ્રમ્પના NVIDIA શેર ખરીદીના સમય પર સવાલ
ધ ગાર્ડિયનના અહેવાલ અને ભ્રષ્ટાચાર વિરોધી સંગઠન DeKleptocracyના વિશ્લેષણ મુજબ, મે 2025માં ટ્રમ્પે NVIDIAના 10 લાખથી 50 લાખ ડોલર સુધીના શેર (NVIDIA Shares)ખરીદ્યા હતા. આ ખરીદી અમેરિકાની સરકાર દ્વારા બાઈડેન પ્રશાસનના AI Diffusion Frameworkને રદ કરવામાં આવે તેના થોડા દિવસ પહેલાં થઈ હતી.
આ નિયમ હેઠળ ચીન સહિતના કેટલાક દેશોમાં અદ્યતન અમેરિકન AI ચિપ્સની નિકાસ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા. જોકે, ટ્રમ્પ પ્રશાસને આ નિયમ પાછો ખેંચી લીધો હતો. ત્યારબાદ NVIDIAના શેરના ભાવમાં પણ વધારો નોંધાયો હતો. પરિણામે શેર ખરીદી અને સરકારના નીતિગત નિર્ણય વચ્ચેના સમયગાળાને લઈને સવાલો ઊભા થયા છે.
ડિસેમ્બરમાં પણ NVIDIAના શેરની ખરીદી
આ મામલો માત્ર મે 2025 પૂરતો મર્યાદિત નથી. અહેવાલ મુજબ, ડિસેમ્બર 2025માં ટ્રમ્પે ચીનને NVIDIAની અદ્યતન H200 ચિપ્સ વેચવાની મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત પછી તેમના રોકાણ ખાતામાં NVIDIAના શેર (NVIDIA Shares)ની ઓછામાં ઓછી ત્રણ ખરીદી નોંધાઈ હતી. દરેક વ્યવહારની કિંમત 2,50,001થી 5,00,000 ડોલર વચ્ચે હતી.
જાન્યુઆરી 2026માં અમેરિકાના વાણિજ્ય વિભાગે આ નિકાસને મંજૂરી આપી હતી. નોંધનીય છે કે ચીન NVIDIA માટે મોટું બજાર રહ્યું છે. આવી સ્થિતિમાં નિકાસ નિયંત્રણો હળવા થવાથી કંપનીને મોટો ફાયદો થઈ શકે છે.
અમેરિકામાં હિતોના ટકરાવની ચર્ચા
આ ખુલાસા બાદ ટ્રમ્પ (Donald Trump)ના નાણાકીય વ્યવહારો અને સરકારી નીતિઓ વચ્ચેના સંબંધ અંગે ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષના નેતાઓ અને ભ્રષ્ટાચાર વિરોધી જૂથો માટે આ મામલો તપાસનો વિષય બન્યો છે. જોકે, શેર ખરીદીના સમય અને સરકારી નિર્ણય વચ્ચેની સમાનતા પોતે જ ગેરકાયદે ટ્રેડિંગ સાબિત કરતી નથી.
ટ્રમ્પના નાણાકીય વ્યવહારો અંગે અગાઉ પણ સવાલો ઊઠ્યા છે. તેમના રોકાણના નિર્ણયો તૃતીય પક્ષના નાણાકીય સંચાલકો દ્વારા લેવાતા હોવાનો બચાવ કરવામાં આવ્યો છે. જોકે, આ વ્યવહારોમાં ટ્રમ્પની વ્યક્તિગત ભૂમિકા કેટલી હતી તે અંગે પારદર્શિતાની માગ ઊઠી રહી છે.
જેન્સન હુઆંગ અને વ્હાઇટ હાઉસનું કનેક્શન
આ સમગ્ર વિવાદમાં NVIDIAના પૂર્વ CEO જેન્સન હુઆંગ (Jensen Huang)નું નામ પણ ચર્ચામાં છે. ચીની ગુપ્તચર એજન્ટ હોવાની શંકા ધરાવતી એલિસ હુઆંગ સાથેના કથિત સંબંધોના અહેવાલો બાદ NVIDIAના બોર્ડે તપાસ શરૂ કરી હતી. ત્યારબાદ 12 નવેમ્બર 2026ના રોજ જેન્સન હુઆંગે CEO પદેથી રાજીનામું આપ્યું હતું.
બીજી તરફ, ઓક્ટોબર 2025માં NVIDIAએ વ્હાઇટ હાઉસના નવા બોલરૂમ પ્રોજેક્ટ માટે 2.5 કરોડ ડોલરનું યોગદાન આપ્યું હતું. ટ્રમ્પ અને હુઆંગ (Jensen Huang)વચ્ચેની નિકટતા તથા કંપની સાથે જોડાયેલા આર્થિક વ્યવહારોને કારણે સમગ્ર મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
હાલમાં સૌથી મોટો સવાલ એ છે કે ટ્રમ્પના શેર રોકાણ અને ચીન અંગેના નીતિગત નિર્ણય વચ્ચે ખરેખર કોઈ સંબંધ હતો કે નહીં? આ સવાલનો જવાબ નાણાકીય પારદર્શિતા અને નિષ્પક્ષ તપાસ બાદ જ મળી શકશે.
