World News : વિશ્વની અગ્રણી ચિપ ઉત્પાદક કંપની એનવિડિયા (Nvidia)ના CEO જેન્સન હુઆંગ (Jensen Huang) હાલ અંગત જીવન અને કંપનીના નેતૃત્વને લઈને વિવાદોમાં ઘેરાયા છે. એક તરફ ચીન સાથે કથિત જાસૂસી કડી ધરાવતી મહિલા સાથેના સંબંધોની તપાસ ચાલી રહી છે, તો બીજી તરફ કંપનીની જ એક મહિલા વરિષ્ઠ અધિકારી સાથેના બીજા અફેરના અહેવાલે ચર્ચા જગાવી છે. આ દરમિયાન એલન મસ્કે તેમને પોતાની કંપનીમાં નોકરી આપવાની તૈયારી દર્શાવી છે.
Jensen Huang સામે બીજા અફેરનો ખુલાસો
ધ ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, જેન્સન હુઆંગના એનવિડિયાની હેલ્થકેર વાઇસ પ્રેસિડેન્ટ કિમ્બર્લી પોવેલ (Kimberly Powell) સાથે પણ સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે, પોવેલ સીધા હુઆંગને રિપોર્ટ કરતા હતા. આ ખુલાસા બાદ કંપનીના આંતરિક માહોલ અને CEOના ભવિષ્ય અંગે સવાલો ઊભા થયા છે.

આ પહેલાં એલિસ હુઆંગ (Alice Huang) નામની ચીની મહિલા સાથેના સંબંધોની વાત સામે આવી હતી. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને એલિસ ચીન માટે માહિતી એકત્ર કરતી હોવાની શંકા છે. જોકે, આ જાસૂસી સંબંધિત બાબતોની તપાસ હજુ ચાલુ છે અને આરોપો સાબિત થયા નથી.
કંપનીના બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય શક્ય
રોઇટર્સ અને અન્ય આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, અનેક વિવાદો વચ્ચે એનવિડિયાનું બોર્ડ જેન્સન હુઆંગના ભવિષ્ય અંગે ચર્ચા કરી રહ્યું છે. કંપનીના CEO પદેથી તેમને હટાવવાની શક્યતા પણ અહેવાલોમાં દર્શાવવામાં આવી છે. બોર્ડે આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરી છે અને બહારના કાનૂની નિષ્ણાતોની મદદ લેવામાં આવી રહી છે.
બીજી તરફ, કંપનીના સત્તાવાર નિવેદન મુજબ બોર્ડને હાલ એવી કોઈ જાણકારી મળી નથી કે અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા અથવા એનવિડિયાની ગુપ્ત માહિતી સાથે ચેડાં થયાં હોય. હુઆંગે પણ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવાની તૈયારી દર્શાવી છે.
ટ્રમ્પને છ મહિના પહેલાં જ અફેરની જાણ થઈ હતી
CNNના અહેવાલ પ્રમાણે, અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ મે મહિનામાં ચીન પ્રવાસ પહેલાં જ જેન્સન હુઆંગ (Jensen Huang)ના સંબંધો અંગે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જાણ કરી હતી. ગુપ્તચર મેમોમાં એક એવી મહિલા સાથેના સંબંધોનો ઉલ્લેખ હતો, જેને અમેરિકન અધિકારીઓ ચીનની જાસૂસ હોવાની શંકા વ્યક્ત કરી રહ્યા હતા.

આ માહિતી હોવા છતાં ટ્રમ્પ હુઆંગને પોતાની સાથે બેઇજિંગ લઈ ગયા હતા. જોકે, વ્હાઇટ હાઉસે આ અહેવાલને નકારી કાઢ્યો છે. બીજી તરફ, અમેરિકન સાંસદોએ જાન્યુઆરીમાં કોંગ્રેસનું નવું સત્ર શરૂ થયા બાદ આ મામલે તપાસના સંકેત આપ્યા છે.
એલન મસ્કે નોકરી આપવાની તૈયારી દર્શાવી
જેન્સન હુઆંગની ખુરશી જોખમમાં હોવાની ચર્ચા વચ્ચે એલન મસ્ક (Elon Musk)નું નિવેદન પણ ચર્ચામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક યુઝરે મસ્કને હુઆંગને નોકરી પર રાખવાની સલાહ આપી હતી.
આના જવાબમાં મસ્કે (Elon Musk) કહ્યું હતું કે, જો તેમને જેન્સન હુઆંગને નોકરી પર રાખવાની તક મળે તો તે તેમના માટે સન્માનની વાત હશે. મસ્કના આ જવાબ બાદ ટેક જગતમાં બંને દિગ્ગજોની ચર્ચા શરૂ થઈ છે.
પત્ની અને પરિવારની માફી માગી
8 નવેમ્બરે જેન્સન હુઆંગે (Jensen Huang)એનવિડિયાના કર્મચારીઓને આંતરિક સંદેશ મોકલીને પોતાની પત્ની અને બાળકોની માફી માગી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ પત્ની પ્રત્યે વફાદાર રહ્યા નહોતા અને તેમના પગલાથી પરિવારને દુઃખ પહોંચ્યું છે.
હુઆંગે પોતાના સંદેશમાં લખ્યું હતું કે, પરિવાર અને કર્મચારીઓનો વિશ્વાસ જાળવી રાખવાની તેમની જવાબદારી હતી, પરંતુ તેઓ તેમાં નિષ્ફળ રહ્યા છે. તેમણે પોતાની ભૂલ બદલ પસ્તાવો વ્યક્ત કર્યો હતો. જોકે, આ સંદેશમાં તેમણે કોઈ મહિલાનું નામ જાહેર કર્યું નહોતું.
