Maharashtra News: મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ વચ્ચે ફરી એકવાર શિવસેનાના નેતા અને ધારાસભ્ય આદિત્ય ઠાકરે (Aaditya Thackeray)એ પાર્ટીના બળવાખોર સાંસદો પર ઉગ્ર પ્રહારો કર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને તેમણે આરોપ લગાવ્યો કે કેટલાક સાંસદોએ વિચારધારા અને જનતાના વિશ્વાસને છોડીને વ્યક્તિગત સ્વાર્થ અને લાલચને મહત્વ આપ્યું છે.
આદિત્ય ઠાકરેએ લખ્યુ કે, આ સાંસદો મહાવિકાસ આઘાડી (MVA) અને ‘ઇન્ડિયા’ ગઠબંધનના સમર્થનથી ચૂંટાઈ આવ્યા હતા. મતદારોએ એનડીએ અને તેની વિચારધારાના વિરોધમાં મત આપ્યો હતો, પરંતુ હવે આ નેતાઓએ પોતાનો રાજકીય વફાદારીનો માર્ગ બદલી જનતાના વિશ્વાસ સાથે દગો કર્યો છે.
બીજી તરફ, શિવસેના (યુબીટી)એ પાર્ટીની બેઠકમાં ગેરહાજર રહેલા સાંસદોને ‘કારણ દર્શાવો’ નોટિસ ફટકારી છે. લોકસભામાં પાર્ટીના મુખ્ય સચેતક અનિલ દેસાઈએ આ નોટિસ મોકલી છે. સાંસદોને 24 કલાકમાં લેખિત જવાબ આપવા જણાવાયું છે. જવાબ ન આપવાની સ્થિતિમાં તેમને પાર્ટી છોડ્યાનું માનવામાં આવશે અને દલબદલ વિરોધી કાયદા હેઠળ કાર્યવાહી થઈ શકે છે.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી સંસદીય દળની બેઠકમાં 9માંથી માત્ર 3 લોકસભા સાંસદો હાજર રહ્યા હતા. અરવિંદ સાવંત, અનિલ દેસાઈ અને રાજાભાઉ વાજે બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સંજય દીના પાટીલ સહિત છ સાંસદો ગેરહાજર રહ્યા હતા. આ મુદ્દે રાજ્યસભા સાંસદ સંજય રાઉતે પણ ગેરહાજર સાંસદો સામે અયોગ્યતા પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી છે.
રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ગેરહાજર રહેલા કેટલાક સાંસદો ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેના ગઠમાં જોડાઈ શકે છે. શિવસેનાના એમએલસી ચંદ્રકાંત રઘુવંશીએ પણ દાવો કર્યો છે કે આ સાંસદોએ એકનાથ શિંદેના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સમગ્ર ઘટનાક્રમને ‘ઓપરેશન ટાઈગર’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.
આદિત્ય ઠાકરેએ અંતમાં કહ્યું કે બાગી સાંસદોનું વર્તન શરમજનક છે અને તેમણે જનતાના વિશ્વાસ તેમજ પક્ષની વિચારધારા સાથે દગો કર્યો છે.
આ પણ વાંચો: ‘મને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે, હું કોર્ટમાં જવાબ આપીશ’, દિશા સલિયન કેસ પર આદિત્ય ઠાકરેએ કહ્યું
આ પણ વાંચો: આદિત્ય ઠાકરે રાહુલ-કેજરીવાલને મળ્યા, ઠાકરે કહ્યું કે, ‘ચૂંટણીઓ હવે મુક્ત અને ન્યાયી રહી નથી’
આ પણ વાંચો: ‘સરકાર મહારાષ્ટ્રને આગામી મણિપુર બનાવશે’ નાગપુર હિંસાથી ગુસ્સે ભરાયેલા આદિત્ય ઠાકરે ભાજપને પૂછ્યા આ પ્રશ્નો
