New Delhi News : બાળ જાતીય શોષણ સામગ્રી (CSAM) મામલે કેન્દ્ર સરકારે મેટા (Meta)ને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારતીય કાયદાનું ઉલ્લંઘન કરતી આવી સામગ્રી માટે પ્લેટફોર્મને સેફ હાર્બરનું કાનૂની રક્ષણ નહીં મળે. માહિતી ટેકનોલોજી મંત્રાલય અને મેટા વચ્ચે થયેલી ચર્ચા બાદ સરકારે કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પ્લેટફોર્મની જવાબદારી સ્પષ્ટ કરી છે.
CSAM મામલે સરકારનું કડક વલણ
મંત્રાલયના સૂત્રોના જણાવ્યા મુજબ, બાળ જાતીય દુર્વ્યવહાર સામગ્રી કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે. આવી સામગ્રીના પ્રસાર અથવા તેને સુવિધા આપવાના કિસ્સામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સેફ હાર્બર (Safe Harbour)હેઠળ સુરક્ષા મળવાની નથી. સરકારનો હેતુ સોશિયલ મીડિયા પર સેન્સરશિપ લાદવાનો નહીં, પરંતુ ભારતીય કાયદા અને નિયમોનું પાલન કરાવવાનો છે.
મેટાએ સરકારને પોતાની સિસ્ટમ સમજાવી
ચર્ચા દરમિયાન મેટાએ પોતાના અલ્ગોરિધમ્સ અને કન્ટેન્ટ મોનિટરિંગ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની માહિતી સરકાર સમક્ષ રજૂ કરી હતી. જોકે, આવા સંવેદનશીલ મામલાઓમાં હજુ વધુ ચર્ચા અને જરૂરી વ્યવસ્થાની જરૂર હોવાનું મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે.
મેટા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા મોટા પ્લેટફોર્મનું સંચાલન કરે છે. સરકારનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર થતા નુકસાનને રોકવાની જવાબદારી પ્લેટફોર્મની પણ છે.
જુલાઈમાં મેટાને અપાઈ હતી નોટિસ
જુલાઈમાં સરકારે ઇન્સ્ટાગ્રામ પર એવી જાહેરાતો અંગે મેટાને નોટિસ પાઠવી હતી, જે કથિત રીતે બાળ જાતીય શોષણ સામગ્રીની ઍક્સેસને પ્રોત્સાહન અથવા સુવિધા આપતી હતી. સરકારે આવી સામગ્રી દૂર કરવા ઉપરાંત સમગ્ર મામલે વિગતવાર માહિતી રજૂ કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
હવે કેન્દ્ર સરકાર મેટાના જવાબની તપાસ કરી રહી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.
2023માં X, YouTube અને Telegramને પણ નોટિસ
CSAM મામલે કેન્દ્રનું કડક વલણ નવું નથી. ઓક્ટોબર 2023માં માહિતી ટેકનોલોજી મંત્રાલયે X, YouTube અને Telegramને પણ આવી સામગ્રી અંગે નોટિસ પાઠવી હતી. તે સમયે સરકારે ચેતવણી આપી હતી કે જો મધ્યસ્થી પ્લેટફોર્મ તાત્કાલિક પગલાં નહીં લે તો IT Actની કલમ 79 હેઠળ મળતું સેફ હાર્બર રક્ષણ પાછું ખેંચી શકાય છે.
AIથી બનેલી સામગ્રી અંગે પણ સરકારનો સંદેશ
ચર્ચા દરમિયાન AIથી તૈયાર થતી કૃત્રિમ સામગ્રીના લેબલિંગનો મુદ્દો પણ સામે આવ્યો હતો. મંત્રાલયના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું કે કાયદા મુજબ કૃત્રિમ રીતે જનરેટ કરવામાં આવેલી સામગ્રીને યોગ્ય રીતે લેબલ કરવાની જવાબદારી સંબંધિત પક્ષોની છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને પણ નિયમોનું પાલન કરવું પડશે.
