Ayodhya News: અયોધ્યાના રામ મંદિર (Ram Mandir)માં દાન ચોરીના કેસની તપાસ કરી રહેલી વિશેષ તપાસ ટીમ (SIT)નો અંતિમ રિપોર્ટ સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, રિપોર્ટમાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પૂર્વ મહાસચિવ ચંપત રાય અને પૂર્વ સભ્ય અનિલ મિશ્રાને મોટી રાહત મળી છે. SITએ બંનેને આ મામલે ક્લીનચીટ આપી દીધી છે.
Ram Mandir ચોરી મામલે મંદિરના ટ્રસ્ટને સોંપવામાં આવ્યો રિપોર્ટ
ઉત્તર પ્રદેશ સરકારને સોંપવામાં આવેલા SITના અંતિમ રિપોર્ટને આગળની કાર્યવાહી માટે (Shri Ram Janmabhoomi Teerth Kshetra Trust) શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપવામાં આવ્યો છે. SITના આ રિપોર્ટમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને ક્લીનચીટ આપવામાં આવી છે, જ્યારે આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આઠ લોકોને જ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
રિપોર્ટના આધારે થશે આગળની કાર્યવાહી
રામ મંદિરમાં દાનની ચોરીને લઈને વિવાદ ઊભો થયા બાદ તપાસ SITને સોંપવામાં આવી હતી. તપાસ ટીમે અનેક લોકોની પૂછપરછ કરી હતી અને ઉપલબ્ધ પુરાવાઓની તપાસ કરી હતી. હવે અંતિમ રિપોર્ટમાં ચંપત રાય અને અનિલ મિશ્રાને આ મામલા માટે જવાબદાર માનવામાં આવ્યા નથી. કેસમાં આગળની કાર્યવાહી SITના રિપોર્ટના આધારે કરવામાં આવશે.
ચંપત રાય અને અનિલ મિશ્રાએ આપ્યું હતું રાજીનામું
આ રિપોર્ટમાં અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રા, મનીષ કુમાર યાદવ, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા, સુભાષ શ્રીવાસ્તવ અને રમાશંકર યાદવ ઉર્ફે ટિન્નુને આરોપી માનવામાં આવ્યા છે. ચંપત રાય અને અનિલ મિશ્રાએ આ મામલે તપાસ શરૂ થયા બાદ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. ટ્રસ્ટની બેઠકમાં બંનેએ પોતાના રાજીનામા મોકલી આપ્યા હતા. ચંપત રાયે કહ્યું હતું કે તેઓ અયોધ્યામાં ચાર મહિના સુધી ચાતુર્માસ સાધના કરશે.
CEOની નિમણૂકની પ્રક્રિયા ચાલુ
દરમિયાન (Donation Theft Case) રામ મંદિરમાં દાન ચોરીના ગબનના આરોપો બાદ પૂર્ણકાલીન CEOની નિમણૂક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને અરજીઓ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ ન્યાસને આ પદ માટે મળેલી આશરે 5,200 અરજીઓમાંથી 18 ઉમેદવારોની પસંદગી કરી છે. તેમાં દક્ષિણ ભારતના મંદિરો સાથે જોડાયેલા પૂર્વ વરિષ્ઠ અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.
CEOની નિમણૂકના નિર્ણયને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. અયોધ્યાના કેટલાક સંતો આ યોજનાના વિરોધમાં છે. આ દરમિયાન રામ જન્મભૂમિ ન્યાસે જગદીશ આફલેને પોતાના પ્રથમ સચિવ તરીકે નિયુક્ત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે. આગામી 2 સપ્ટેમ્બરે યોજાનારી ન્યાસની બેઠકમાં આ અંગે મંજૂરી મળવાની શક્યતા છે.
2019ના સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બન્યા હતા મહાસચિવ
2019માં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા બાદ ચંપત રાયને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. આ ટ્રસ્ટમાં કુલ 15 સભ્યો હતા. તેમાં ટ્રસ્ટના અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસ, મહાસચિવ ચંપત રાય, અયોધ્યાના રાજા તરીકે ઓળખાતા વિમલેન્દ્ર મોહન પ્રતાપ મિશ્ર (હવે અવસાન પામ્યા છે), ડૉ. અનિલ મિશ્રા અને નિર્મોહી અખાડાના મહંત દિનેન્દ્ર દાસનો સમાવેશ થાય છે. અયોધ્યાના જિલ્લા કલેક્ટર ટ્રસ્ટના પદેન સભ્ય છે.
ચંપત રાય (Champat Rai)ટ્રસ્ટના મહાસચિવ તરીકે મંદિરના સમગ્ર વહીવટી કામકાજની જવાબદારી સંભાળતા હતા, જ્યારે ડૉ. અનિલ મિશ્રા પણ મોટાભાગે ચંપત રાય સાથે જ રહેતા હતા.
આ પણ વાંચો:રામ મંદિરના CEO પદ માટે 8 દિગ્ગજ અધિકારીઓના ઈન્ટરવ્યૂ, પૂછાયું- ‘કટ્ટર હિંદુ છો કે આસ્થાવાન?’
આ પણ વાંચો:રામ મંદિર CEO પદ માટે 18 ઉમેદવારો શોર્ટલિસ્ટ, 5,300થી વધુ અરજીઓ; મંગળવાર-બુધવારે ઇન્ટરવ્યૂ
