World News : દુનિયાની અગ્રણી ટેક કંપની Nvidiaના CEO (Nvidia CEO)જેન્સન હુઆંગ ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમનું નામ AI ટેક્નોલોજીને બદલે અંગત જીવનને લઈને ચર્ચાઈ રહ્યું છે. 63 વર્ષીય જેન્સન હુઆંગે પોતાની પત્ની સાથે બેવફાઈ કરી હોવાની કબૂલાત કર્યા બાદ માફી માગી છે. આ ઘટનાએ તેમના 41 વર્ષ જૂના લગ્નજીવનને લઈને અટકળો શરૂ કરી છે. જો જેન્સન હુઆંગના (Jensen Huang Divorce) છૂટાછેડા થાય તો તેમની પત્ની લોરી હુઆંગ (Lori Huang)ને અબજો ડોલરની સંપત્તિ મળી શકે છે. અંદાજ મુજબ આ રકમ 80 અબજ ડોલર એટલે કે આશરે 7.6 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. જોકે, દંપતીના છૂટાછેડા અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.
Jensen Huang Divorce: 80 અબજ ડોલરની સંપત્તિનું ગણિત શું છે?
જેન્સન હુઆંગની કુલ સંપત્તિ અંદાજે 155 અબજ ડોલર એટલે કે લગભગ 14.72 લાખ કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. કેલિફોર્નિયાના કાયદા પ્રમાણે લગ્ન દરમિયાન એકત્રિત થયેલી સંપત્તિને સામાન્ય રીતે પતિ-પત્નીની સંયુક્ત મિલકત ગણવામાં આવે છે. છૂટાછેડા થાય ત્યારે આવી સંપત્તિ બંને વચ્ચે સરખે ભાગે વહેંચવાની જોગવાઈ છે.
કેલિફોર્નિયા ફેમિલી કોડની કલમ 760 હેઠળ લગ્ન દરમિયાન મેળવેલી સંપત્તિ સામાન્ય રીતે કોમ્યુનિટી પ્રોપર્ટી ગણાય છે. આ જોગવાઈના આધારે લોરી હુઆંગને વૈવાહિક સંપત્તિનો અડધો હિસ્સો મળી શકે તેવી ચર્ચા છે.
જેન્સન અને લોરી (Lori Huang)એ 1985માં લગ્ન કર્યા હતાં. તે સમયે બંને યુનિવર્સિટી ઓફ ઓરેગોનમાં અભ્યાસ કરતાં હતાં. લગ્નના આઠ વર્ષ બાદ 1993માં જેન્સને પોતાના બે સાથીદારો સાથે મળીને Nvidiaની સ્થાપના કરી હતી. કંપનીની સફળતા સાથે તેમની સંપત્તિમાં પણ અસાધારણ વધારો થયો છે. જોકે, તેમની કુલ સંપત્તિનો અડધો ભાગ પત્નીને મળશે એવું માનવું યોગ્ય નથી, કારણ કે કાયદા હેઠળ દરેક સંપત્તિનું અલગથી વર્ગીકરણ થઈ શકે છે.
પ્રિનપ્શિયલ એગ્રીમેન્ટ નક્કી કરશે સંપત્તિનો હિસ્સો
જેન્સન હુઆંગની સંપત્તિનો મોટો હિસ્સો Nvidiaના શેર અને અન્ય રોકાણોમાં છે. આથી છૂટાછેડાની સ્થિતિમાં માત્ર બેંકમાં રહેલી રકમ જ નહીં, પરંતુ શેરની માલિકી અને તેની કિંમતમાં થયેલા વધારાની પણ ગણતરી કરવી પડશે.
કેલિફોર્નિયાના કાયદા મુજબ લગ્ન પહેલાંની સંપત્તિ, વ્યક્તિગત ભેટ અને વારસામાં મળેલી મિલકત સામાન્ય રીતે અલગ સંપત્તિ ગણાય છે. બીજી તરફ, લગ્નજીવન દરમિયાન મેળવેલી સંપત્તિ સંયુક્ત મિલકત બની શકે છે.
જેન્સન અને લોરીએ લગ્ન પહેલાં પ્રિનપ્શિયલ એગ્રીમેન્ટ એટલે કે લગ્નપૂર્વ કરાર કર્યો હતો કે નહીં તેની કોઈ જાહેર માહિતી ઉપલબ્ધ નથી. જો આવો કરાર હોય તો સંપત્તિની વહેંચણી તેની શરતો પ્રમાણે થઈ શકે છે. આથી 80 અબજ ડોલરના સંભવિત સમાધાનનો આંકડો હાલ માત્ર કાયદાકીય જોગવાઈઓના આધારે કરવામાં આવેલી અટકળ છે.
અફેરની કબૂલાત બાદ પત્ની અને બાળકોની માફી માગી
જેન્સન હુઆંગે 8 નવેમ્બરે Nvidiaના કર્મચારીઓને મોકલેલા ઈમેલમાં પોતાના અંગત જીવનને લઈને મહત્વપૂર્ણ કબૂલાત કરી હતી. તેમણે પત્ની સાથે બેવફાઈ કરી હોવાનું સ્વીકાર્યું હતું અને આ ઘટનાથી પત્ની તથા બાળકોને દુઃખ પહોંચ્યું હોવાનું જણાવ્યું હતું.
તેમણે પોતાની ભૂલ માટે કોઈ બહાનું ન હોવાનું કહી પરિવારની માફી માગી હતી. આ ઉપરાંત કંપનીના કર્મચારીઓને સંબોધતાં તેમણે Nvidiaનું નેતૃત્વ કરવું પોતાના જીવનનું સૌથી મોટું સન્માન ગણાવ્યું હતું. કર્મચારીઓનો વિશ્વાસ જાળવવો પોતાની જવાબદારી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું હતું.
આ કબૂલાત બાદ તેમના અંગત જીવન અને 41 વર્ષ જૂના લગ્નજીવનના ભવિષ્ય અંગે ચર્ચાઓ તેજ બની છે. જોકે, માત્ર આ કબૂલાતના આધારે દંપતી છૂટાછેડા લેશે એવું કહી શકાય નહીં.
જાસૂસીના અહેવાલો વચ્ચે Nvidia બોર્ડની તપાસ
જેન્સન હુઆંગ સાથે જોડાયેલો બીજો એક મામલો પણ ચર્ચામાં છે. એલિસ હુઆંગ નામની પૂર્વ ટીવી રિપોર્ટરના ચીન સાથેના કથિત સંબંધોને (Jensen Huang Affair)લઈને અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ તપાસ કરી રહી હોવાના અહેવાલો સામે આવ્યા છે.એલિસ હુઆંગ અગાઉ ચીનમાં ટેલિવિઝન રિપોર્ટર હતાં અને બાદમાં સિંગાપોરની ડેટા સેન્ટર કંપની Megaspeed Internationalમાં વરિષ્ઠ હોદ્દા પર જોડાયાં હતાં.
29 ઓક્ટોબરે પ્રકાશિત અહેવાલમાં તેમના ચીન સાથેના સંભવિત સંબંધોની તપાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 30 ઓક્ટોબરે સિંગાપોરના ગૃહ મંત્રાલયે Megaspeed International સામે તપાસની જાહેરાત કરી હતી. 4 નવેમ્બરે અમેરિકાના કેટલાક સાંસદોએ પણ આ મામલે જેન્સન હુઆંગ પાસેથી બંધબારણે બેઠકમાં માહિતી માગી હતી.
આ મામલે હજુ સુધી કોઈ આરોપ સાબિત થયો નથી. બીજી તરફ, Nvidiaના બોર્ડે પણ કંપનીના CEOને વિદેશી ગુપ્તચર પ્રવૃત્તિ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હોવાના અહેવાલોની સ્વતંત્ર તપાસ શરૂ કરી છે.
જેફ બેઝોસના ડિવોર્સનો રેકોર્ડ તૂટી શકે?
દુનિયાના સૌથી મોંઘા છૂટાછેડા (World Most Expensive Divorce)ની વાત આવે ત્યારે Amazonના સ્થાપક જેફ બેઝોસનું નામ સૌથી પહેલાં આવે છે. વર્ષ 2019માં જેફ બેઝોસ અને તેમની પત્ની મેકેન્ઝી સ્કોટના છૂટાછેડા થયા હતા. આ સમાધાન હેઠળ મેકેન્ઝી સ્કોટને આશરે 38.3 અબજ ડોલરના Amazonના શેર મળ્યા હતા.
હવે જેન્સન હુઆંગના સંભવિત છૂટાછેડાની ચર્ચામાં 80 અબજ ડોલરનો આંકડો સામે આવી રહ્યો છે. જો આટલી રકમનું સમાધાન થાય તો તે બેઝોસના છૂટાછેડાની રકમ કરતાં બમણાથી પણ વધારે હશે.
આ ઉપરાંત Microsoftના સહ-સ્થાપક બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સના 2021માં છૂટાછેડા થયા હતા. જ્યારે Googleના સહ-સ્થાપક સર્ગેઈ બ્રિન અને નિકોલ શાનાહને 2023માં અલગ થવાનો નિર્ણય લીધો હતો.
હાલમાં જેન્સન અને લોરી હુઆંગ (Lori Huang)ના છૂટાછેડાની (Jensen Huang Divorce)કોઈ સત્તાવાર કાર્યવાહી શરૂ થઈ હોવાની માહિતી નથી. 80 અબજ ડોલરની સંભવિત રકમ પણ માત્ર અંદાજ છે. આખરે સંપત્તિની વહેંચણી કેટલી થશે તે લગ્નપૂર્વ કરાર, મિલકતની માલિકી અને લાગુ કાયદાકીય જોગવાઈઓ પર નિર્ભર રહેશે.
