National News: IRCTCની વેબસાઇટ અને મોબાઇલ એપ પર ટિકિટ બુક કરવામાં યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો (IRCTC Down) પડી રહ્યો છે. ટિકિટ બુકિંગ દરમિયાન અનેક લોકોને ‘હાઈ લોડ’નો મેસેજ જોવા (IRCTC High Load Error) મળી રહ્યો છે. વેબસાઇટ ધીમી ચાલવી, લૉગિન એરર આવવી અને ટ્રેન પસંદ કર્યા બાદ બુકિંગની પ્રક્રિયા આગળ ન વધવી જેવી ફરિયાદો સામે આવી છે. ખાસ કરીને તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન યુઝર્સને વધુ મુશ્કેલી પડી રહી છે. જોકે, આ મામલે રેલવે તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
IRCTC Down: તત્કાલ ટિકિટ બુકિંગ વખતે સૌથી વધુ મુશ્કેલી
યુઝર્સના જણાવ્યા મુજબ, IRCTCની વેબસાઇટનું પેજ ખુલતું નથી અથવા લાંબા સમય સુધી લોડ થતું રહે છે. કેટલાક લોકોને યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કર્યા બાદ પણ લૉગિન કરવામાં એરર આવી રહી છે. જ્યારે કેટલાક કિસ્સામાં ટ્રેન પસંદ કરીને મુસાફરોની વિગતો ભર્યા બાદ બુકિંગની પ્રક્રિયા અટકી જાય છે. આ ઉપરાંત, કેટલાક યુઝર્સે એવી પણ ફરિયાદ કરી છે કે તેમના ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોવા છતાં ટિકિટ કન્ફર્મ (Ticket Booking Problem) થયાનો મેસેજ તરત મળ્યો નથી.
IRCTCની સાઇટ ન ચાલે તો શું કરવું?
IRCTCની વેબસાઇટ કે એપમાં સમસ્યા આવે તો યુઝર્સ કસ્ટમર કેર નંબર 14646, 08044647999 અને 08035734999 પર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત [email protected] પર ઈ-મેઇલ કરીને પણ પોતાની સમસ્યા જણાવી શકાય છે. જો તાત્કાલિક ટિકિટની જરૂર હોય તો રેલવે સ્ટેશનના આરક્ષણ કાઉન્ટર પરથી ટિકિટ બુક કરાવવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.
પૈસા કપાઈ ગયા હોય અને ટિકિટ ન બની હોય તો શું કરવું?
જો ટિકિટ બુકિંગ દરમિયાન ખાતામાંથી પૈસા કપાઈ જાય અને ટિકિટ કન્ફર્મ ન થાય, તો તરત બીજી વખત બુકિંગ કરવાનું ટાળવું જોઈએ. સૌથી પહેલાં IRCTCના ‘My Transactions’ અથવા ‘Booked Ticket History’ વિભાગમાં જઈને બુકિંગનું સ્ટેટસ તપાસવું જોઈએ.

વેબસાઇટમાં સમસ્યા ચાલુ હોય તો બીજા બ્રાઉઝર અથવા ઇન્કોગ્નિટો મોડમાં પ્રયાસ કરી શકાય છે. આપેલી માહિતી મુજબ, જો પૈસા કપાઈ ગયા હોય પરંતુ ટિકિટ જનરેટ ન થઈ હોય તો રિફંડની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. સામાન્ય રીતે 3થી 5 કામકાજના દિવસોમાં રકમ મૂળ બેંક ખાતામાં પરત જમા થવાની માહિતી આપવામાં આવે છે. જોકે, રિફંડનો સમય ટ્રાન્ઝેક્શન અને ચુકવણીની સ્થિતિ પ્રમાણે બદલાઈ શકે છે.
તત્કાલ બુકિંગ વખતે સર્વર પર વધે છે ટ્રાફિક
IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન રેલવે મંત્રાલય હેઠળની સરકારી કંપની છે. તે ઓનલાઇન રેલવે ટિકિટ બુકિંગ ઉપરાંત કેટરિંગ અને ટૂરિઝમ સંબંધિત સેવાઓનું સંચાલન કરે છે. દરરોજ મોટી સંખ્યામાં લોકો ટિકિટ બુકિંગ માટે આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે.
ખાસ કરીને તત્કાલ બુકિંગની (Tatkal Ticket Booking) વિન્ડો સવારે 10 વાગ્યે અને 11 વાગ્યે ખુલતી વખતે એકસાથે મોટી સંખ્યામાં યુઝર્સ લૉગિન કરવાનો પ્રયાસ કરે છે. તહેવારોની સિઝનમાં પણ બુકિંગનો ધસારો વધે છે. આવા સમયે સર્વર પર ટ્રાફિકનું પ્રમાણ વધી જતાં વેબસાઇટ ધીમી પડવી, લૉગિનમાં મુશ્કેલી અને બુકિંગ અટકી જવા જેવી ટેકનિકલ સમસ્યાઓ ઊભી થઈ શકે છે.
આ પણ વાંચો: શું ટ્રેનમાં કાર મોકલી શકાય છે? જાણો ભારતીય રેલ્વેની વાહન પાર્સલ સેવા વિશે સંપૂર્ણ માહિતી
આ પણ વાંચો: ગુજરાત અને રાજસ્થાનના ઐતિહાસિક સ્થળોને જોડશે અમદાવાદ-બિકાનેર દૈનિક રેલ્વે સર્વિસ
આ પણ વાંચો: ભારતનું એકમાત્ર રેલ્વે સ્ટેશન, જ્યાંથી તમે પગપાળા વિદેશ પ્રવાસ કરી શકો છો,નામ સાંભળીને વિશ્વાસ નહીં આવે
