Ahmedabad News: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં મૈત્રી કરારથી રહેતી 24 વર્ષીય યુવતીના મોતના મામલે તેના પ્રેમી સહિત ચાર લોકો સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવાની ફરિયાદ (Ahmedabad Suicide Case) નોંધાઈ છે. મૃતકની માતાએ આરોપ લગાવ્યો છે કે યુવતીને પ્રેમી અને તેના પરિવારજનો દ્વારા સતત શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ ત્રાસથી કંટાળીને યુવતીએ જીવન ટૂંકાવ્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બાપુનગર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Ahmedabad Suicide Case: 2023માં મૈત્રી કરાર કરીને સાથે રહેવા લાગ્યાં
ગોમતીપુરમાં રહેતાં નંદાબેન ધુળાભાઈ રાઠોડની 24 વર્ષીય દીકરી દક્ષા વર્ષ 2021માં ઇન્સ્ટાગ્રામ મારફતે મયુરકુમાર પ્રવિણભાઈ પરમારના સંપર્કમાં આવી હતી. જાન્યુઆરી 2023માં બંનેએ મૈત્રી કરાર કર્યા બાદ મોરબીમાં સાથે રહેવાનું શરૂ કર્યું (Live In Relationship) હતું. 8 એપ્રિલ, 2024ના રોજ દક્ષાએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારબાદ બંને અમદાવાદના બાપુનગરમાં રાધાભક્તિ નર્સિંગ હોમ સામે આવેલી ચાંદાભાઈની ચાલી ખાતે રહેવા આવ્યાં હતાં.
પુત્રના જન્મ બાદ ત્રાસ આપવાનો આરોપ
મૃતકની માતાની ફરિયાદ મુજબ, પુત્રના જન્મના આશરે છ મહિના બાદથી મયુર અને તેના પરિવારજનો નાની-નાની બાબતોમાં દક્ષા સાથે ઝઘડો કરતા હતા. તેને મ્હેણાં-ટોણાં મારવા ઉપરાંત મારપીટ પણ કરવામાં આવતી હોવાનો આક્ષેપ (Domestic Harassment) છે. પરિવારના સભ્યોએ સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હોવા છતાં દક્ષાને કથિત રીતે ત્રાસ આપવાનું ચાલુ રહ્યું હતું.
માતાને ફોન કરીને ત્રાસની વાત કરી હતી
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, 15 નવેમ્બરે સવારે આશરે 11 વાગ્યે દક્ષાએ મયુરના મોબાઇલ પરથી પોતાની માતા નંદાબેનને ફોન કર્યો હતો. તેણે માતાને જણાવ્યું હતું કે મયુર અને તેના પરિવારજનો સાથે ઝઘડો થયો છે. મયુર તેને ‘તું મને ગમતી નથી, તું મરી જા અથવા ઘર છોડીને જતી રહે’ તેમ કહીને હેરાન કરતો હોવાનો પણ તેણે આક્ષેપ કર્યો હતો.
દીકરીની વાત સાંભળ્યા બાદ માતાએ તેને સાંત્વના આપી હતી અને બીજા દિવસે મળવા આવવાનું જણાવ્યું હતું. જોકે, તે જ રાત્રે આશરે 9 વાગ્યે મયુરે નંદાબેનના મોબાઇલ પર ફોન કર્યો હતો. આ ફોન દક્ષાની બહેન ખુશ્બુએ ઉપાડ્યો હતો. મયુરે તેને દક્ષાના મૃત્યુની જાણ કરી હતી.
પરિવારના ચાર સભ્યો સામે ફરિયાદ
દીકરીના મોતની જાણ થતાં નંદાબેન પોતાની અન્ય દીકરીઓ સાથે બાપુનગરની ચાંદાભાઈની ચાલી ખાતે પહોંચ્યાં હતાં. જોકે, સ્થળ પર પહોંચ્યા ત્યારે મયુર કે તેના પરિવારનો કોઈ સભ્ય હાજર નહોતો. ઘરમાં દક્ષા પંખા સાથે દુપટ્ટો બાંધી લટકતી અવસ્થામાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. તપાસ બાદ તબીબોએ દક્ષાને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ મામલે નંદાબેને મયુરકુમાર પ્રવિણભાઈ પરમાર, તેના પિતા પ્રવિણભાઈ, માતા મંજુબેન અને ભાઈ વિશાલ સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (Gujarat Crime News) છે. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: મદ્રાસ હાઇકોર્ટની લિવ-ઇન રિલેશનશિપ પર કડક ટિપ્પણી, મહિલાઓને પત્નીનો દરજ્જો આપવાની જરૂર
આ પણ વાંચો: UCC એટલે શું? ગુજરાતમાં હવે લગ્ન, લિવ-ઇન અને વારસાના નવા નિયમો
આ પણ વાંચો: પ્રેમાંધ કાકી-ભત્રીજા! લિવ-ઈનમાં રહેવા લાગ્યા, બાદમાં મહિલા સાથે જે થયું તે…
