હાલના નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં (એપ્રિલ થી જૂન) દેશનું કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) વધીને 8.2 ટકા થયો છે. મેન્યુફેક્ચરિંગ અને ફાર્મ સેક્ટરના શ્રેષ્ઠ પ્રદર્શનના કારણે આવું શક્ય બન્યું છે. છેલ્લા બે વર્ષમાં આ સૌથી ઊંચો વિકાસ દર છે. શુક્રવારે સરકારે આ જીડીપીના આંકડા જાહેર કર્યા હતા.
ગયા ત્રિમાસિક ગાળામાં વિકાસ દર 7.7 ટકા હતો. જયારે ગયા નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ 5.59 ટકા હતો. મેન્યુફેક્ચરિંગ, ઈલેક્ટ્રીસીટી, ગેસ, વોટર સપ્લાય, કન્સ્ટ્રક્શન, ડિફેન્સ તેમજ અન્ય યુટીલીટી સેવાઓએ 7 ટકા વધારે ગ્રોથ દર્શાવ્યો છે.

2011-12ની સ્થિર કિંમતોના આધાર પર 2018-19ના પહેલા ત્રિમાસિક ગાળામાં દેશનો જીડીપી 33.74 લાખ કરોડ રૂપિયા દર્જ કરવામાં આવ્યો, જે ગયા વર્ષના ત્રિમાસિક ગાળામાં 31.18 લાખ કરોડ રૂપિયા હતો. આ રીતે 8.2 ટકા ગ્રોથ રેટ દર્જ થયો છે. જણાવી દઈએ કે સરકારે 2015માં જીડીપી ગ્રોથ રેટ ગણવા માટે બેઝ યર 2004-05ને બદલીને 2011-12 કરવામાં આવ્યું હતું.
હાલના નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિક ગાળામાં ગ્રોસ વેલ્યુ એડેડ(GVA) ગ્રોથ રેટ 8 ટકા રહ્યો છે. જણાવી દઈએ કે જીડીપી દ્વારા ઉપભોક્તાઓ અને માંગના વલણથી કોઈપણ દેશની આર્થિક ગતિવિધિઓની તસ્વીર સ્પષ્ટ થાય છે. જયારે આનાથી ઉલ્ટું GVA દ્વારા નિર્માતાઓ અથવા પુરવઠા હિસાબથી આર્થિક ગતિવિધિઓની સ્થિતિ સ્પષ્ટ થાય છે.
અર્થવ્યવસ્થા માટે સારી વાત એ છે કે એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળા દરમિયાન જીડીપી ગ્રોથ રેટ ધારણાથી ઘણો સારો રહ્યો છે. રોયટર્સના અર્થશાસ્ત્રીઓએ આ ત્રિમાસિક ગાળામાં 7.6 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

તાજેતરના જીડીપીના આંકડાઓથી દુનિયામાં ઝડપથી આગળ વધતી મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનું વજન વધી ગયું છે. ચીને બીજા ત્રિમાસિક ગાળા માં 6.7 ટકાનો જીડીપીમાં ગ્રોથ દર્જ કર્યો છે. જણાવી દઈએ કે ચીનમાં જાન્યુઆરીથી ડિસેમ્બરનું નાણાકીય કેલેન્ડર લાગુ છે, જયારે ભારતમાં એપ્રિલ થી માર્ચનુ નાણાકીય કેલેન્ડર ચાલે છે.-
બીજી તરફ, રિઝર્વ બેન્ક તરફથી આશા દર્શાવાઈ રહી છે કે 2018-19ના પૂર્ણ નાણાકીય વર્ષ માટે 7.4 ટકાનો આર્થિક વિકાસ દર રહેશે.
