National News/ SIR પર સુપ્રીમ કોર્ટમાં નવી અરજી, રાહુલ ગાંધીએ ચૂંટણી પંચને પૂછ્યા 48 સવાલ

ચૂંટણી પંચે SIR સંબંધિત આદેશો તમામ સભ્યોની સંમતિથી જારી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું

Top Stories India
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)અને અન્ય અરજદારોએ ચૂંટણી પંચ સામે નવી અરજી દાખલ કરીને 48 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ માંગ્યા છે. આ અરજીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), ફોર્મ-6 અને ચૂંટણી પંચની ECINET સિસ્ટમને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે

National News : દેશમાં મતદાર યાદીની વિશ્વસનીયતા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા અંગે ચાલી રહેલી ચર્ચા વચ્ચે હવે મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)અને અન્ય અરજદારોએ ચૂંટણી પંચ સામે નવી અરજી દાખલ કરીને 48 મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ માંગ્યા છે. આ અરજીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR), ફોર્મ-6 અને ચૂંટણી પંચની ECINET સિસ્ટમને લઈને અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. સાથે જ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સહિત ત્રણેય ચૂંટણી કમિશનરોની ભૂમિકા અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

48 સવાલોના જવાબ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

અરજદારોની મુખ્ય માંગ છે કે ચૂંટણી પંચના સંબંધિત અધિકારીઓને સોગંદનામા દ્વારા 48 પ્રશ્નોના જવાબ આપવા નિર્દેશ આપવામાં આવે. અરજીમાં ખાસ કરીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે દેશભરમાં SIR પ્રક્રિયા લાગુ કરવાનો નિર્ણય ક્યારે અને કેવી રીતે લેવામાં આવ્યો હતો.

શું મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને અન્ય બે ચૂંટણી કમિશનરો આ નિર્ણય સાથે સહમત હતા? જો ત્રણેયની સંમતિથી નિર્ણય લેવાયો હતો, તો તેના સંબંધિત દસ્તાવેજો, બેઠકોની વિગતો અને સત્તાવાર ફાઇલો ક્યાં ઉપલબ્ધ છે? અરજદારોએ આ અંગે સ્પષ્ટ જવાબ માગ્યો છે.

SIRના નિર્ણયમાં કમિશનરો વચ્ચે મતભેદ હતા?

અરજીમાં ચૂંટણી પંચના (Election Commission)અગાઉના જવાબ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ચૂંટણી પંચે SIR સંબંધિત આદેશો તમામ સભ્યોની સંમતિથી જારી કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે, અરજદારો હવે આ સંમતિની તારીખ અને નિર્ણય પ્રક્રિયાના દસ્તાવેજો જાણવા માંગે છે.

આ ઉપરાંત SIR, ECINET અને ફોર્મ-6 અંગે મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય બે કમિશનરો વચ્ચે કોઈ મતભેદ કે લેખિત વાંધા હતા કે કેમ તે અંગે પણ માહિતી માગવામાં આવી છે. જો કોઈ મતભેદ થયો હોય તો તેના આધારે કયા નિર્ણયો લેવામાં આવ્યા અને શું બહુમતીના આધારે નિર્ણય લેવાયો હતો તેવા સવાલો પણ અરજીમાં સામેલ છે.

ECINET અને ERONET સિસ્ટમ પર 15 સવાલ

અરજીમાં ચૂંટણી પંચની ડિજિટલ વ્યવસ્થા ECINET અને ERONET અંગે પણ આશરે 15 પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. આ સિસ્ટમ કોણે તૈયાર કરી, તેમાં ફેરફાર કરવાની મંજૂરી કયા અધિકારીઓએ આપી અને મતદાર યાદીમાં નામ ઉમેરવા, દૂર કરવા કે સુધારવાની સત્તા કોની પાસે છે તે અંગે જવાબ માગવામાં આવ્યો છે.

ખાસ કરીને કોઈ ખાનગી કંપની, કોન્ટ્રાક્ટર અથવા સેવા એજન્સીના કર્મચારીઓને મતદાર યાદીના ડેટામાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી કે કેમ તે અંગે પણ સ્પષ્ટતા માગવામાં આવી છે.

અરજદારો એ પણ જાણવા માંગે છે કે મતદાર યાદીમાં થતા દરેક ફેરફારનો ડિજિટલ રેકોર્ડ જાળવવામાં આવે છે કે નહીં. કોઈ મતદારનું નામ કાઢી નાખવામાં આવે અથવા ફરીથી ઉમેરવામાં આવે તો તેની સંપૂર્ણ વિગતો સિસ્ટમમાં સુરક્ષિત રહે છે કે કેમ તે પણ તપાસનો વિષય બનાવવામાં આવ્યો છે.

ફોર્મ-6ના ઘોષણાપત્ર અને પશ્ચિમ બંગાળનો મુદ્દો

ફોર્મ-6માં ઉમેરવામાં આવેલા નવા ઘોષણાપત્રને લઈને પણ અરજીમાં સવાલો કરવામાં આવ્યા છે. આ ઘોષણાપત્ર ઉમેરવાનો નિર્ણય કોણે લીધો અને ચૂંટણી પંચે તેને ક્યારે મંજૂરી આપી હતી તેની વિગતો માગવામાં આવી છે.

આ ઉપરાંત આ ઘોષણાપત્રને કારણે કેટલી ઓનલાઈન અરજીઓ નકારી કાઢવામાં આવી, કેટલી અરજીઓ પેન્ડિંગ રહી અને કેટલી અરજીઓ પર પ્રક્રિયા થઈ શકી નથી તેનો આંકડો પણ માંગવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ન્યાયિક અધિકારીઓ દ્વારા મતદાર યાદીમાં નામ ઉમેરવાના આદેશો સામે દાખલ કરવામાં આવેલી અપીલોનો મુદ્દો પણ અરજીમાં સામેલ છે. આવી કેટલી અપીલો થઈ, તેને મંજૂરી કોણે આપી અને હાલમાં તેમની સ્થિતિ શું છે તે અંગે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગવામાં આવ્યો છે.

કયા અધિકારીઓએ જવાબ આપવો પડશે?

અરજદારોએ સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે ચૂંટણી પંચ તરફથી અગાઉ જવાબ રજૂ કરનારા નાયબ ચૂંટણી કમિશનર ભાનુ પ્રકાશ યેતુરુ પાસેથી પણ આ પ્રશ્નોના જવાબ લેવામાં આવે.

જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરોની વ્યક્તિગત મંજૂરી કે સંમતિ સાથે જોડાયેલા સવાલોના જવાબ સંબંધિત કમિશનરોએ પોતે સોગંદનામા પર આપવા જોઈએ તેવી માંગ કરવામાં આવી છે. બીજી તરફ ECINET સંબંધિત ટેકનિકલ પ્રશ્નોના જવાબ ચૂંટણી પંચના ડિરેક્ટર જનરલ (IT) પાસેથી માંગવામાં આવ્યા છે.

અરજદારોનું કહેવું છે કે આ તમામ મુદ્દાઓને લગતા દસ્તાવેજો અને રેકોર્ડ ચૂંટણી પંચ પાસે ઉપલબ્ધ છે. તેથી 48 પ્રશ્નોના જવાબ મળવાથી મતદાર યાદી સુધારણા પ્રક્રિયા અને ચૂંટણી વ્યવસ્થાને લગતા વિવાદમાં વધુ સ્પષ્ટતા આવી શકે છે. હવે આ અરજી પર સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર રાજકીય અને કાનૂની વર્તુળોની નજર રહેશે.


આ પણ વાંચો: ચૂંટણી પંચમાં નવા નિયમો લાગુ: બેઠકોના એજન્ડા-મિનિટ્સ જાહેર થશે, SIR ફોર્મમાં પણ ફેરફાર

આ પણ વાંચો: મતદાર યાદીમાં નામ નથી? ચૂંટણી પંચની મોટી રાહત, જૂના મતદારો સામે કાર્યવાહી નહીં

આ પણ વાંચો: ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ: SIRના ફોર્મ-6માં ફેરફાર નથી કર્યો, તમામ નિર્ણયો સર્વસંમતિથી લેવાયા