Cyber Attack: વિશ્વની જાણીતી મીડિયા કંપનીઓ અને મોટી બ્રાન્ડ્સની વેબસાઇટ્સને નિશાન બનાવી મોટો સાઇબર હુમલો (Global Cyber Attack) કરવામાં આવ્યો હોવાનો અહેવાલ સામે આવ્યો છે. આ હુમલાની અસર ઝૂમ, બીબીસી, સીએનએન, આઇકિયા અને એચએસબીસી સહિતની કંપનીઓની વેબસાઇટ્સ પર જોવા મળી હતી. અહેવાલો અનુસાર, આશરે 178 વેબસાઇટ્સ પર ખતરનાક માલવેર મળી આવ્યું છે. આ હુમલામાં ક્રિપ્ટોકરન્સી વોલેટ અને બેન્કિંગ સંબંધિત વિગતો ચોરાયાની આશંકા (Banking Data Security) વ્યક્ત કરવામાં આવી છે.
Global Cyber Attack: થર્ડ પાર્ટી પ્લેટફોર્મ દ્વારા હુમલો
આ સાઇબર હુમલો 16 નવેમ્બરે સામે આવ્યો હતો. હેકર્સે કંપનીઓની આંતરિક સિસ્ટમમાં સીધો પ્રવેશ કરવાને બદલે થર્ડ પાર્ટી પ્લેટફોર્મ ‘ઓપ્ટિમાઇઝલી વેબ’ (Optimizely Web)નો ઉપયોગ કર્યો હતો. હુમલાખોરોએ વેબસાઇટ્સમાં દૂષિત કોડ દાખલ કર્યો હતો, જેની મદદથી મુલાકાતીઓની કેટલીક સંવેદનશીલ માહિતી મેળવવાની ક્ષમતા હતી.
આ કોડ ક્રિપ્ટોકરન્સી ટ્રાન્ઝેક્શન દરમિયાન વોલેટનું સરનામું બદલી શકે (Crypto Wallet Theft) છે. આ ઉપરાંત પેમેન્ટ સંબંધિત માહિતી, બ્રાઉઝરની કુકીઝ અને સ્ક્રીનશોટ જેવી વિગતો પણ એકત્રિત કરી શકે છે.
આઇફોન અને આઇપેડ યુઝર્સ પણ નિશાન પર
અહેવાલો મુજબ, આ હુમલામાં આઇફોન અને આઇપેડ યુઝર્સને નિશાન બનાવવા માટે ‘કોરોના’ અને ‘ડાર્કસ્વોર્ડ’ જેવી iOS એક્સપ્લોઇટ કિટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની આશંકા છે. આ હુમલા સાથે ક્રિપ્ટોકરન્સીની ચોરી અને કેટલાક ટ્રાન્ઝેક્શનની વિગતો સામે આવ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
નિષ્ણાતોએ ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરવાની સલાહ આપી
આ ઘટનાને પગલે સાઇબર સુરક્ષા નિષ્ણાતોએ ઓનલાઇન નાણાં ટ્રાન્સફર કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી છે. સત્તાવાર વેબસાઇટ પરથી પેમેન્ટ કરવામાં આવે ત્યારે પણ નાણાં મોકલતાં પહેલાં રિસીવરનું નામ, વોલેટ એડ્રેસ અને અન્ય વિગતોની ફરીથી ચકાસણી કરવી જરૂરી છે.
આ પણ વાંચો: પાટણના ચાર યુવકો સાઇબર ક્રાઇમનો ભોગ બન્યાં
આ પણ વાંચો: સાઇબર ગુનેગારોનું અનોખું તરકટઃ વેપારી પાસેથી 2.10 કરોડ પડાવ્યા
આ પણ વાંચો: અમેરિકાનો ચીન પર સાઇબર જાસૂસી અભિયાનનો આરોપ
