Mumbai News : બ્રિટિશ રોયલ કપલ પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિનની મુંબઈ મુલાકાત દરમિયાન શહેરના રસ્તાઓને રાતોરાત ચમકાવી દેવામાં આવ્યા હતા, પરંતુ મહેમાનોના પરત ફર્યા બાદ ફરી કચરાના ઢગલા જોવા મળતા બોમ્બે હાઈકોર્ટે (High Court) બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને મહારાષ્ટ્ર સરકારની આકરી ઝાટકણી કાઢી છે. કોર્ટે સવાલ ઉઠાવ્યો કે સામાન્ય નાગરિકોને સ્વચ્છ શહેર આપવા માટે આવી જ ઝડપ કેમ બતાવવામાં આવતી નથી?
VVIP માટે મુંબઈની સફાઈ, સામાન્ય લોકો માટે કચરો કેમ?
બોમ્બે હાઈકોર્ટમાં (High Court) જસ્ટિસ ગિરીશ એસ. કુલકર્ણી અને જસ્ટિસ નીલા કે. ગોખલેની બેન્ચ સમક્ષ કાંજુરમાર્ગ લેન્ડફિલ સાઇટ અને શહેરમાં કચરાના વ્યવસ્થાપનને (Garbage Problem)લગતી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે પ્રિન્સ વિલિયમ અને પ્રિન્સેસ કેથરિનની મુલાકાત (Prince William Mumbai Visit)પહેલાં દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં રસ્તાઓને રંગરોગાન કરીને પાણીથી ધોઈને ચમકાવવામાં આવ્યા હતા. આ કામગીરી દર્શાવે છે કે સરકાર અને BMC ઇચ્છે તો ખૂબ જ ઓછા સમયમાં મોટા પાયે સફાઈ કરી શકે છે.
કોર્ટે સવાલ કર્યો કે શું શહેરની સફાઈ માત્ર VVIP મહેમાનોના આગમન સમયે જ કરવામાં આવશે? બે દિવસના દેખાડા પૂરતા નથી. દરેક વોર્ડમાં સામાન્ય નાગરિકોને પણ કાયમી ધોરણે સ્વચ્છ વાતાવરણ મળવું જોઈએ.
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની સ્થિતિ પર ચિંતા
મંગળવારે કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની મુલાકાત લેનારા ન્યાયાધીશોએ ત્યાં પ્લાસ્ટિકના કચરાના મોટા ઢગલા જોઈને ચિંતા વ્યક્ત કરી હતી. લેન્ડફિલ સાઇટ પરથી ફેલાતી દુર્ગંધ અને પર્યાવરણને થતું નુકસાન પણ ગંભીર મુદ્દો બન્યો હતો.
કોર્ટે રાજ્ય સરકારને સવાલ કર્યો કે પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવા માટે પગલાં કેમ લેવામાં આવતાં નથી? માથેરાન અને મહાબળેશ્વર જેવા પર્યટન સ્થળોએ પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરી શકાય છે, તો અન્ય વિસ્તારોમાં પણ આવી વ્યવસ્થા કેમ ન થઈ શકે?
BMC પાસે 7 ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ માંગ્યો
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડની સમસ્યાને ગંભીરતાથી લેતા હાઈકોર્ટે મોનિટરિંગ કમિટીને આંતરિક ઓડિટ કરાવવાનો નિર્દેશ આપ્યો છે. આ ઓડિટમાં કચરાના ઢગલા, દુર્ગંધ અને પ્રદૂષણની સ્થિતિની વિગતવાર તપાસ કરવામાં આવશે. કોર્ટે આગામી સુનાવણી પહેલાં એટલે કે 7 ડિસેમ્બર 2026 સુધીમાં વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.
આ સમગ્ર મામલે હાઈકોર્ટની ટિપ્પણીઓએ મુંબઈના સફાઈ વ્યવસ્થાપન (Mumbai Cleanliness)સામે મોટો સવાલ ઊભો કર્યો છે. શહેરને માત્ર વિદેશી મહેમાનોના સ્વાગત માટે નહીં, પરંતુ ત્યાં રહેતા લાખો નાગરિકો માટે પણ સ્વચ્છ રાખવાની જવાબદારી તંત્રની છે.
