Botad News: બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ઘેલો નદી પર આવેલા અક્ષર ઘાટના પુલ (Akshar Ghat Bridge) પર સેફ્ટી દિવાલ અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે. પુલ પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોવા છતાં જરૂરી સુવિધાઓનો અભાવ છે. આથી શહેરીજનોએ તંત્ર પાસે સેફ્ટી દિવાલ બનાવવા અને સ્ટ્રીટ લાઇટ લગાવવાની માગ કરી છે.
ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્ત્વનું તીર્થધામ છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનનાં 29 વર્ષ ગઢડામાં વિતાવ્યાં હતાં. આ કારણે અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ દર્શન માટે આવે છે.
Akshar Ghat Bridge: શહેર અને આસપાસનાં ગામો માટે મહત્ત્વનો માર્ગ
ગઢડામાં BAPS મંદિરની બાજુમાં ઘેલો નદી (Ghelo River Bridge) પર અક્ષર ઘાટ બનાવવામાં આવ્યો છે. આ પુલ શહેરના નાગરિકો ઉપરાંત સામાકાંઠા વિસ્તાર, ઢસા રોડ, અડતાળા રોડ અને ગઢાળી રોડ તરફ જતા વાહનચાલકો તથા રાહદારીઓ માટે ઉપયોગી છે. શહેરનાં બંને મંદિરોમાં દર્શન કરવા જતા લોકો પણ આ પુલ પરથી પસાર થાય છે.
પુલ પર સેફ્ટી દિવાલ ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે. જ્યારે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા ન હોવાથી રાત્રિના સમયે પુલ પર અંધારું છવાઈ જાય છે. તેના કારણે વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો (Road Safety Gujarat) કરવો પડે છે.

કામ નહીં થાય તો આંદોલનની ચીમકી
ગઢડા નગરપાલિકાના વિપક્ષ નેતા મીત ડાંગરે જણાવ્યું હતું કે, આ પુલ સામાકાંઠા વિસ્તાર અને આસપાસનાં ગામોમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે. અહીંથી મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, તેમ છતાં સેફ્ટી દિવાલ બનાવવામાં આવી નથી. સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રિના સમયે અકસ્માત થવાનો ભય રહે છે.
તેમણે તંત્ર પાસે પુલ પર સેફ્ટી દિવાલ બનાવવા અને સ્ટ્રીટ લાઇટ લગાવવાની માગ (Street Light Demand) કરી છે. સાથે જ આગામી દિવસોમાં આ કામ નહીં કરવામાં આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ભ્રષ્ટાચારની ફરિયાદોમાં વધારો: શહેરી વિકાસ વિભાગ સામે 1,275 ફરિયાદો
આ પણ વાંચો: ક્રૂડ ઓઇલથી સોના સુધીના વેપારને મળશે નવું પ્લેટફોર્મ? ગિફ્ટ સિટી માટે નવી તક
