Business News/ PF ખાતાધારકો માટે મોટી રાહતના સંકેત, નિવૃત્તિ પછી હપ્તે-હપ્તે ઉપાડી શકાશે PFની રકમ?

નિવૃત્તિ બાદ કર્મચારીઓ PF ખાતામાંથી તબક્કાવાર રકમ ઉપાડી શકે, CBTની બેઠકમાં આ મુદ્દે થઈ ચર્ચા, લઘુત્તમ પેન્શન ₹3000 કરવા પર પણ ચર્ચા

Breaking News Business
PF

Business News: ઈપીએફઓ સિસ્ટેમેટિક વિડ્રોઅલ પ્લાન લાવવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી નિવૃત્તિ પછી PF ખાતામાંથી તબક્કાવાર રકમ ઉપાડી શકાશે. હાલ મોટાભાગના કર્મચારીઓ નિવૃત્તિ સમયે સમગ્ર ભંડોળ એકસાથે ઉપાડી શકે છે. પ્રસ્તાવ મંજૂર થાય તો ભંડોળ ખાતામાં રહેશે અને વ્યાજ મળતું રહેશે.

EPFO શું આયોજન કરી રહ્યું છે?

સરકારી સૂત્રો મુજબ ઈપીએફઓ સભ્યોને ભંડોળ ઉપાડવા માટે વધારાના વિકલ્પો (PF Withdrawal) આપી શકે છે. વર્તમાન નિયમ મુજબ 55 કે વધુ વયે નિવૃત્ત થતા સભ્યો 100% ઈપીએફ બેલેન્સ ઉપાડી શકે છે. 55 વર્ષ પહેલાં નિવૃત્ત થનાર ફોર્મ 31 ભરીને 75% સુધી રકમ તરત ઉપાડી શકે છે. બાકીના 25% સતત 12 મહિના બેરોજગાર રહ્યા પછી જ ઉપાડી શકાય છે. વિકલ્પોનું ચોક્કસ સ્વરૂપ હજુ સ્પષ્ટ નથી.

આજે CBTની બેઠક મળી

આ મુદ્દે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝની (CBT Meeting) બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય શ્રમ મંત્રીની અધ્યક્ષતાવાળી આ સર્વોચ્ચ વૈધાનિક સંસ્થામાં સરકાર, નોકરીદાતાઓ અને કર્મચારીઓના પ્રતિનિધિઓ છે. તે ઈપીએફ નીતિ, ભંડોળ અને વ્યાજ દરોનું સંચાલન કરે છે.

લઘુત્તમ પેન્શન ₹3000 કરવા પર ચર્ચા

બેઠકમાં એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS Pension) હેઠળ લઘુત્તમ માસિક પેન્શન (Minimum Pension) ₹1000થી વધારી ₹3000 કરવા અંગે પણ ચર્ચા થઈ હતી. EPS સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓને નિવૃત્તિ પછી નિયમિત આવક આપે છે.

EPSમાં 8.33% યોગદાન

નોકરીદાતાના 12% યોગદાનમાંથી 8.33% EPSમાં અને 3.67% પ્રોવિડન્ટ ફંડમાં (Provident Fund) જમા થાય છે. સપ્ટેમ્બર 2014થી કેન્દ્ર સરકાર લઘુત્તમ પેન્શન માટે સહાયક અનુદાન આપે છે. જો વાસ્તવિક પેન્શન ₹1000થી ઓછું હોય, તો તફાવતની રકમ સરકાર ચૂકવે છે.


આ પણ વાંચો: અમદાવાદમાં પીએફ ઓફિસ બંધ, દિવ્યાંગ કેન્દ્રને તાળાં! લોકો પરેશાન

આ પણ વાંચો:ઈપીએફઓની WhatsApp સર્વિસમાં ટેકનિકલ ખામી, OTP અને સિસ્ટમ એરરથી યુઝર્સ પરેશાન

આ પણ વાંચો: ઈપીએફઓનું મોટું અપડેટ,હવે UPI દ્વારા પીએફ ઉપાડ શક્ય બનશે, મોબાઇલથી જ મિનિટોમાં ખાતામાં આવશે પૈસા