Business News: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા પીએફ ખાતાધારકો માટે શરૂ કરાયેલી WhatsApp સર્વિસમાં ટેકનિકલ ખામીઓ (technical glitch) સર્જાઈ છે. ઘરે બેઠા પીએફ બેલેન્સ, ટ્રાન્ઝેક્શન અને પાસબુક ડાઉનલોડ કરવાની સુવિધા માટે શરૂ થયેલી આ સર્વિસ શરૂ થતાંની સાથે જ OTP અને સિસ્ટમ એરર જેવી સમસ્યાઓથી યુઝર્સ પરેશાન છે. યુઝર્સે આ ખામીઓ વહેલી તકે સુધારવાની માંગ કરી છે.
શું છે EPFOની નવી WhatsApp સુવિધા?
EPFO દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, સભ્યો WhatsApp દ્વારા ઘરે બેઠા સરળતાથી પીએફ બેલેન્સ ચેક કરી શકે છે, છેલ્લા ટ્રાન્ઝેક્શનની વિગતો જોઈ શકે છે અને પાસબુક ડાઉનલોડ કરી શકે છે. યુઝર્સ +91 8796441800 નંબર પર ‘Hi’ મેસેજ મોકલીને અથવા QR કોડ સ્કેન કરીને સેવા શરૂ કરી શકે છે. ચેટ શરૂ કરતી વખતે યુઝર્સને પોતાની પસંદગીની ભાષા પસંદ કરવાનો વિકલ્પ પણ આપવામાં આવે છે.
OTP અને સિસ્ટમ Technical glitchથી યુઝર્સ પરેશાન

સર્વિસ લોન્ચ થયા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર યુઝર્સે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે. ઘણા યુઝર્સ જ્યારે બેલેન્સ ચેક કરવાનો કે લોગિન કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે સ્ક્રીન પર OTP મોકલી શકાતો નથી અને થોડા સમય પછી ફરી પ્રયાસ કરવાનો મેસેજ જોવા મળે છે. બેલેન્સ તપાસવા જતાં પણ “કંઈક ખોટું થયું, થોડા સમય પછી ફરી પ્રયાસ કરો” તેવી એરર આવી રહી છે.
સોશિયલ મીડિયા પર લોકોની નારાજગી

લોકો સોશિયલ મીડિયા પર નારાજગી વ્યક્ત કરતાં કહી રહ્યા છે કે વારંવાર પ્રયાસ કરવા છતાં કોઈ માહિતી મળતી નથી અને સર્વિસ કામ કરી રહી નથી. ઘણા યુઝર્સે આ સમસ્યા વહેલી તકે ઉકેલવાની માંગ કરી છે.
અગાઉ 2020માં પણ શરૂ થઈ હતી હેલ્પલાઇન
નોંધનીય છે કે EPFOએ અગાઉ વર્ષ 2020માં પણ WhatsApp હેલ્પલાઇન સેવા શરૂ કરી હતી, જેનો મુખ્ય હેતુ સભ્યોની ફરિયાદોનું નિવારણ કરવાનો હતો. ત્યારબાદ આ સુવિધાનો વિસ્તાર કરીને તેને ડિજિટલ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, હાલમાં શરૂ કરાયેલી આ નવી ડાયરેક્ટ ચેટબોટ સર્વિસમાં ટેકનિકલ ખામીઓ સર્જાતાં યુઝર્સ નારાજ થયા છે.
આ પણ વાંચો:EPFOમાં મોટા ફેરફારની તૈયારી! PF, પેન્શન અને UANને લઈને કર્મચારીઓ માટે શું બદલાશે?
આ પણ વાંચો:EPFOના 1,816 કરોડના કથિત નુકસાન મામલે અનિલ અંબાણી સહિત રિલાયન્સ કેપિટલ સામે CBIની FIR
આ પણ વાંચો:EPFOનું મોટું અપડેટ,હવે UPI દ્વારા PF ઉપાડ શક્ય બનશે, મોબાઇલથી જ મિનિટોમાં ખાતામાં આવશે પૈસા
