Business News/ EPFOના 1,816 કરોડના કથિત નુકસાન મામલે અનિલ અંબાણી સહિત રિલાયન્સ કેપિટલ સામે CBIની FIR

EPFO ને 1,816 કરોડના કથિત નુકસાન મામલે CBIએ અનિલ અંબાણી અને રિલાયન્સ કેપિટલ સામે નોંધી FIR. હવે રોકાણ પ્રક્રિયા અને દસ્તાવેજોની તપાસ હાથ ધરાશે.

Breaking News Business
CBI

Business News: EPFO ના આશરે 1,816.22 કરોડના કથિત નુકસાનના મામલે કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ રિલાયન્સ કેપિટલના પૂર્વ ચેરમેન અનિલ અંબાણી અને કંપની સહિત અન્ય અજાણ્યા લોકો સામે FIR નોંધી છે. વર્ષ 2013-14 દરમિયાન EPFOના હજારો કરોડના રોકાણને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે. CBI હવે સમગ્ર રોકાણ પ્રક્રિયા, દસ્તાવેજો અને સંભવિત ગેરરીતિઓની વિગતવાર તપાસ કરશે.

1,816 કરોડના કથિત નુકસાન મામલે CBI ની FIR

CBIના જણાવ્યા મુજબ વર્ષ 2013 અને 2014 દરમિયાન રિલાયન્સ કેપિટલ લિમિટેડ દ્વારા સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) બહાર પાડવામાં આવ્યા હતા. આરોપ છે કે EPFOના અંદાજે 2,500 કરોડનું રોકાણ ચાર પોર્ટફોલિયો મેનેજરો મારફતે આ ડિબેન્ચર્સમાં કરવામાં આવ્યું હતું. તપાસ એજન્સીના પ્રાથમિક તારણો મુજબ આ રોકાણને કારણે EPFOને કુલ 1,816.22 કરોડનું કથિત નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. તેમાં 1,007.55 કરોડનું મૂળ નુકસાન અને 808.67 કરોડના વ્યાજની જવાબદારીનો સમાવેશ થાય છે.

છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સહિતની કલમો હેઠળ કેસ નોંધાયો

CBIએ આ કેસમાં ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત અને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ વિવિધ કલમો મુજબ ગુનો નોંધ્યો છે. તપાસ દરમિયાન એ પણ ચકાસવામાં આવશે કે EPFOના રોકાણ સમયે તમામ નિયમો અને પ્રક્રિયાનું પાલન થયું હતું કે નહીં તેમજ નિર્ણય પ્રક્રિયામાં કોણ-કોણ સામેલ હતું.

અનિલ અંબાણીએ તમામ આરોપો ફગાવ્યા

અનિલ અંબાણી તરફથી રજૂ કરાયેલા નિવેદનમાં તમામ આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે. તેમના પ્રવક્તાએ જણાવ્યું છે કે અનિલ અંબાણીએ કોઈપણ પ્રકારની ગેરરીતિ કરી નથી અને તેઓ કાયદાકીય રીતે પોતાનો બચાવ કરશે. નિવેદનમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તેઓ નવેમ્બર 2021 સુધી રિલાયન્સ કેપિટલમાં નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે કાર્યરત હતા.

કરોડો કર્મચારીઓની બચત સાથે જોડાયેલો સંવેદનશીલ મુદ્દો

EPFO દેશના કરોડો કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડનું સંચાલન કરે છે. તેથી તેના નાણાં સાથે જોડાયેલી કોઈપણ કથિત ગેરરીતિ અથવા નુકસાન અત્યંત ગંભીર માનવામાં આવે છે. આ જ કારણસર સમગ્ર મામલાની તપાસ CBIને સોંપવામાં આવી છે. હવે તપાસમાં એ સ્પષ્ટ થશે કે રોકાણ પ્રક્રિયામાં કોઈ અનિયમિતતા થઈ હતી કે નહીં અને જો થઈ હોય તો તેના માટે જવાબદાર કોણ છે.

હાલ CBI દસ્તાવેજો, રોકાણ પ્રક્રિયા અને સંબંધિત અધિકારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર મામલે વધુ કાનૂની કાર્યવાહી અંગે નિર્ણય લેવામાં આવશે.


આ પણ વાંચો:EPFOનું મોટું અપડેટ,હવે UPI દ્વારા PF ઉપાડ શક્ય બનશે, મોબાઇલથી જ મિનિટોમાં ખાતામાં આવશે પૈસા

આ પણ વાંચો:કોણ સંભાળશે રિલાયન્સની કમાન? મુકેશ અંબાણીએ આકાશ, ઈશા અને અનંતને સોંપી જવાબદારી

આ પણ વાંચો:રિલાયન્સ ટેલિકોમ પર CBIનો શકંજો,₹114.98 કરોડની છેતરપિંડીનો નોંધાયો કેસ