Gujarat Rain News: રાજ્યમાં અવિરત વરસાદે (Gujarat Monsoon) અનેક જિલ્લાઓમાં મુશ્કેલીઓ વધારી દીધી છે. ધ્રાંગધ્રામાં રહેણાંક વિસ્તારમાં કેમિકલયુક્ત પાણી ઘૂસ્યાના આક્ષેપોને લઈને લોકો રસ્તા પર ઉતર્યા છે, તો આણંદમાં શેઢી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં વાહનવ્યવહાર બંધ કરાયો છે. વડોદરામાં ચાર મહિના જૂની કેનાલ તૂટી જતાં ખેડૂતોનો તૈયાર પાક બરબાદ થયો છે, જ્યારે મોરબીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં કલેક્ટરે જાતે પહોંચી રાહત કામગીરીની સમીક્ષા કરી છે. અનેક વિસ્તારોમાં જનજીવન હજુ પણ વરસાદના કહેરથી પ્રભાવિત છે.
Gujarat Monsoon: ધ્રાંગધ્રામાં DCW કંપની સામે લોકોનો રોષ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં DCW કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી છોડવામાં આવ્યાના આક્ષેપો વચ્ચે ભારે હોબાળો મચ્યો હતો. કંપનીનું પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસતાં અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાયા હતા. સ્થાનિકોએ દુર્ગંધ અને ચામડીના રોગ ફેલાવાની ભીતિ વ્યક્ત કરી કંપની (DCW Chemical Water) સામે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી, જ્યારે ગ્રામજનોએ કેમિકલયુક્ત પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે.
આણંદમાં શેઢી નદીનો પુલ ક્ષતિગ્રસ્ત, વાહનવ્યવહાર બંધ
આણંદ જિલ્લાના પણસોરા નજીક શેઢી નદી પર આવેલા પુલનો (Anand Bridge) એક છેડો અચાનક બેસી જતાં તંત્ર દોડતું થયું હતું. અકસ્માત ટાળવા માટે બ્રિજ પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે. અરડી, હેરંજ અને મહુધા તરફ જતા વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવા સૂચના આપવામાં આવી છે.
15 ફૂટ પાણીથી જેગડવા ગામ સંપર્કવિહોણું
ધ્રાંગધ્રાના જેગડવા અંડરબ્રિજમાં અંદાજે 15 ફૂટ જેટલું પાણી ભરાઈ જતાં ગામ છેલ્લા બે દિવસથી સંપર્કવિહોણું બન્યું છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હોવાથી દર્દીઓ અને સગર્ભા મહિલાઓને સારવાર માટે હોસ્પિટલ પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોએ તંત્ર પર પાણી નિકાલમાં નિષ્ક્રિય હોવાના આક્ષેપો સાથે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
વડોદરામાં ચાર મહિના જૂની કેનાલ તૂટી, ખેડૂતોને મોટું નુકસાન
વડોદરા જિલ્લાના ડંખેડા ગામ પાસે ભારે વરસાદ બાદ કેનાલમાં મોટું ગાબડું (Vadodara Canal Collapse) પડતાં કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યું હતું. પરિણામે ખેડૂતોનો તૈયાર પાક ધોવાઈ ગયો હતો અને ઈંટોના ભઠ્ઠાને પણ વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. માત્ર ચાર મહિના પહેલાં બનેલી કેનાલ તૂટી પડતાં કામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને સ્થાનિકોએ ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસની માંગ ઉઠાવી છે.
મોરબીમાં કલેક્ટરે પૂરગ્રસ્ત ગામની મુલાકાત લીધી

મોરબી જિલ્લાના માલણીયાદ ગામમાં ધોધમાર વરસાદ (Morbi Flood ) દરમિયાન ફસાયેલા પાંચ મજૂરોને SDRF અને NDRFની ટીમોએ સફળતાપૂર્વક બચાવ્યા બાદ જિલ્લા કલેક્ટરે ગામની મુલાકાત લીધી હતી. કલેક્ટર અને અન્ય અધિકારીઓએ બચાવાયેલા મજૂરોના ખબર-અંતર પૂછ્યા તેમજ વરસાદી પરિસ્થિતિ અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. જિલ્લા તંત્રે અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત નજર રાખી જરૂરી સહાય પહોંચાડવાની ખાતરી આપી છે.
આ પણ વાંચો: કચ્છનું વિશ્વપ્રસિદ્ધ સફેદ રણ બન્યું દરિયો! ભારે વરસાદે સર્જ્યો અદભૂત નજારો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત! ક્યાંક પૂર તો ક્યાંક તૂટ્યા પુલ-રસ્તા, કરોડોના વિકાસકામ પણ ધોવાયા
