Gujarat Rain News: ગુજરાતમાં અવિરત વરસાદે અનેક જિલ્લાઓમાં (Heavy Rain Flood) જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે. સુરતમાં પાણી ભરાવાથી મુખ્ય માર્ગો ઠપ્પ બન્યા છે, જ્યારે કીમ નદીના પૂરથી ગામોમાં પાણી ઘૂસી જતાં લોકોને સ્થળાંતર કરવું પડ્યું છે. બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદે પુલ તોડી નાખ્યો, કરોડો રૂપિયાના વિકાસકામોની ગુણવત્તા સામે સવાલ ઊભા કર્યા અને અનેક વિસ્તારોમાં માર્ગો જોખમી બન્યા છે. મોરબીમાં પણ કોઝવે ધોવાઈ જતાં રાજકોટ-વાંકાનેર વચ્ચેનો સંપર્ક પ્રભાવિત થયો છે. રાજ્યભરમાં વરસાદી આફત વચ્ચે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
Heavy Rain Flood: સુરતમાં પાણીથી રસ્તા ઠપ્પ, હજારો મુસાફરો અટવાયા

સુરતના સારોલી મેઈન રોડ પર વરસાદી પાણી (Surat Flood) ભરાતા વાહનવ્યવહાર સંપૂર્ણ ખોરવાઈ ગયો હતો. કડોદરા, પલસાણા અને બારડોલી તરફ જતાં મુખ્ય માર્ગો પર લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. અનેક વાહનો રસ્તા વચ્ચે જ બંધ પડી ગયા અને વાહનચાલકોને પોતાની કારને ધક્કા મારી બહાર કાઢવી પડી હતી. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હજારો મુસાફરો અને સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
કીમ નદીના પૂરે ગામો ડૂબ્યાં, 200 લોકોનું સ્થળાંતર

સુરત જિલ્લાના કદરામાં અને બોલાવ ગામમાં કીમ નદીના પાણી ફરી વળતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બોલાવમાં 30થી વધુ અને કદરામાંમાં 96 ઘરોમાં પાણી ઘૂસતાં લોકોની ઘરવખરી અને અનાજને ભારે નુકસાન થયું હતું. નવા હળપતિ વાસમાં ચારથી પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ જતાં આશરે 200 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ઓલપાડ-કદરામાં માર્ગ બીજા દિવસે પણ બંધ રહ્યો હતો અને કીમ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય મુકેશ પટેલે પણ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
સુરેન્દ્રનગરમાં પુલ તૂટ્યો, ગામો સંપર્કવિહોણા બન્યા

સુરેન્દ્રનગર (Surendranagar Heavy Rain) જિલ્લાના કોઈબા અને નવા કોઈબા ગામને જોડતો મહત્વપૂર્ણ પુલ (Bridge Collapse) ભારે વરસાદના કારણે તૂટી પડતાં બંને ગામો વચ્ચેનો સંપર્ક સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. વાહનવ્યવહાર બંધ થતાં ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 24 કલાક બાદ પણ મરામત કામગીરી શરૂ ન થતાં લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો હતો. હળવદ પંથકમાં સાડા છ ઇંચ વરસાદ વચ્ચે 25થી વધુ લોકોનું સુરક્ષિત રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું.
કરોડોના ગાર્ડનની દિવાલ એક વર્ષમાં જ ધરાશાયી
ધ્રાંગધ્રાના જોગાસર ગાર્ડનમાં આશરે સાડા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી દિવાલ એક વર્ષમાં જ ધરાશાયી થઈ ગઈ હતી. એકદંતા ગણપતિ મંદિર નજીક દિવાલ તૂટતાં વિકાસકામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. અગાઉ પણ આ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કરોડોના જાહેર ખર્ચ બાદ પણ આવી સ્થિતિ સર્જાતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ભૂગર્ભ ગટરના કામ બાદ રસ્તો ધસી પડ્યો, ત્રણ કાર ફસાઈ
ધ્રાંગધ્રાના ગોપી પાર્ક વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ પૂર્ણ થયા બાદ યોગ્ય સમારકામ ન થતાં રસ્તો અચાનક બેસી ગયો (Road Collapse) હતો. પરિણામે એક પછી એક ત્રણ કાર ખાડામાં ફસાઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ વાહનો બહાર કાઢવામાં આવ્યા હતા. સ્થાનિકોએ કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આક્ષેપો કરી તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે.
મોરબીમાં કોઝવે ધોવાયો, રાજકોટ-વાંકાનેર માર્ગ પ્રભાવિત
મોરબી જિલ્લાના સિંધાવદર નજીક આશોઈ નદી પર આવેલો મહત્વપૂર્ણ કોઝવે ધોધમાર વરસાદના કારણે ધોવાઈ ગયો હતો. વાંકાનેર-રાજકોટ માર્ગ પર વાહનવ્યવહાર સંપૂર્ણ બંધ કરી દેવાયો હતો, જેના કારણે હજારો વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. એસટી બસો સહિત તમામ વાહનોને ચોટીલા બાઉન્ડ્રી તરફના વૈકલ્પિક માર્ગ પરથી પસાર કરવામાં આવી રહ્યા છે, જ્યારે તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ભારે વરસાદથી જસમતપર ગામ પર સંકટ, પાળો તૂટવાની ભીતિ વચ્ચે ગામલોકો બન્યા ઢાલ
આ પણ વાંચો: મોરબીના માળિયા મિયાણામાં વોકરાના પાણીમાં તણાતા યુવકનું મોત
