Business News: હવાઈ મુસાફરો માટે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે હવાઈ ભાડાં (airfare) અંગે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિયમ મુજબ 1 જાન્યુઆરી 2027થી એરલાઇન્સ કંપનીઓ પોતાનો સંચાલન ખર્ચ ધ્યાનમાં રાખીને ભાડું નક્કી કરી શકશે અને સરકાર ટિકિટના દર વધારવા કે ઘટાડવામાં દખલ કરશે નહીં. વિમાન ઇંધણના ભાવ સતત વધી રહ્યા હોવાથી હવાઈ મુસાફરી મોંઘી બને તેવી શક્યતા છે.
1 જાન્યુઆરી 2027થી નવી એરફેર(airfare) પોલિસી લાગુ
સરકારે ઇન્ડિયન એવિએશન રૂલ્સ(Indian Aviation Rules) 2026નું નોટિફિકેશન જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે આ નવી એરફેર પોલિસી 1 જાન્યુઆરી 2027થી દેશભરમાં લાગુ થશે. નિયમ અમલમાં આવ્યા બાદ ભાડું વધારવા પર સરકાર તરફથી કોઈ નિયંત્રણ કે મર્યાદા રહેશે નહીં. જોકે અસાધારણ કે વિશેષ પરિસ્થિતિમાં પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને સરકાર હસ્તક્ષેપ કરી શકશે.
DGCAને આપવી પડશે ભાડાંની વિગતો, વેબસાઇટ પર મૂકવો પડશે બ્રેકઅપ
ભાડું નક્કી કરવાની છૂટ સાથે પારદર્શિતા જાળવવાની કડક સૂચના પણ અપાઈ છે. એરલાઇન્સે પોતાના ઓપરેશનલ ખર્ચ મુજબ ભાડું નક્કી કરવું પડશે અને તેની સંપૂર્ણ વિગતો DGCAને આપવી પડશે. ગ્રાહકોની પારદર્શિતા માટે કંપનીઓએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર ભાડાંનું માળખું અપલોડ કરવું પડશે. મુસાફરો સમક્ષ બેઝ ફેર, ટેક્સ, અન્ય ફી, કેન્સલેશન ચાર્જ અને રિફંડની તમામ માહિતી સાથેનું સ્પષ્ટ બ્રેકઅપ રજૂ કરવું ફરજિયાત રહેશે.
ATFના ભાવમાં સતત ચોથા મહિને વધારો
એક તરફ ભાડું નક્કી કરવાની છૂટ મળી રહી છે, તો બીજી તરફ કંપનીઓનો સંચાલન ખર્ચ પણ વધી રહ્યો છે. સરકારી તેલ કંપનીઓએ રવિવારથી ATFની કિંમતમાં પ્રતિ લિટર 1.37નો વધારો કર્યો છે, જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 10નો વધારો કરાયો છે. આ વધારા બાદ દિલ્હીમાં ATFની કિંમત 137.12થી વધીને 138.50 પ્રતિ લિટર થઈ છે. ATFમાં આ સતત ચોથા મહિને વધારો છે. અગાઉ 1 ઓક્ટોબરે 16, સપ્ટેમ્બરમાં 6.28 અને ઓગસ્ટમાં 5 પ્રતિ લિટરનો વધારો થયો હતો.
મુસાફરોના ખિસ્સા પર પડી શકે બોજ
કોઈપણ એરલાઇનના કુલ સંચાલન ખર્ચમાં ATFનો હિસ્સો આશરે 40 ટકા હોય છે. ઇંધણ મોંઘું થવાથી કંપનીઓનો ખર્ચ વધશે અને નવા નિયમો લાગુ થતાં આ બોજ મુસાફરો પર પડી શકે છે, જેનાથી ભવિષ્યમાં હવાઈ મુસાફરી મોંઘી બનવાની શક્યતા છે.
આ પણ વાંચો:એર ઈન્ડિયા અને અકાસા એરનો મોટો નિર્ણય, 9 ઓક્ટોબરથી હવાઈ ટિકિટ મોંઘી
આ પણ વાંચો:માતાને ખોઈ દીધા બાદ બદલાઈ વિચારસરણી…દીકરાએ 80 વર્ષીય પિતાને પ્રથમવાર કરાવી હવાઈ સફર..!
આ પણ વાંચો:અમેરિકાનો ઈરાન પર મોટો હવાઈ હુમલો, ટ્રમ્પની ચેતવણી બાદ અનેક સૈન્ય ઠેકાણાઓને બનાવ્યા નિશાન
