Amreli News: અમરેલી જિલ્લાના લીલીયા રેન્જ હેઠળના અંટાળિયા વિસ્તાર ખાતે ગેરકાયદે સિંહદર્શન (Illegal Lion Show) દરમિયાન બનેલી ગંભીર ઘટનામાં વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. સિંહને નજીકથી જોવા અને તેની પજવણી કરવાનો પ્રયાસ દરમિયાન થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ મૃતક સહિત ત્રણ લોકો સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
વન વિભાગના જણાવ્યા અનુસાર, ઘટનામાં સામેલ અન્ય બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સામે કાયદાકીય કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.
Illegal Lion Show: સિંહની પજવણી દરમિયાન હુમલો
પ્રાથમિક તપાસ મુજબ, ત્રણ વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે સિંહનું દર્શન (Illegal Lion Show) કરવા અને તેને નજીકથી જોવા માટે જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. આ દરમિયાન સિંહે હુમલો કરતાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ત્યારબાદ વન વિભાગે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.
મોબાઇલમાંથી ડેટા ડિલીટ કરવાનો આરોપ
વન વિભાગની પૂછપરછ દરમિયાન આરોપીઓએ ઘટનાની વિગતો સ્વીકારી હોવાનું જણાવાયું છે. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઘટનાના પુરાવા નષ્ટ કરવા માટે મોબાઇલ ફોનમાંથી ડેટા ડિલીટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હવે ડિલીટ કરાયેલ માહિતી પુનઃપ્રાપ્ત કરવા માટે બંને આરોપીઓના મોબાઇલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રથમ વખત ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન
આ કેસમાં વન વિભાગે મહત્વપૂર્ણ તપાસ પદ્ધતિ અપનાવી છે. બંને આરોપીઓને સાથે રાખીને ઘટનાસ્થળે સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ (ક્રાઇમ સીન રિકન્સ્ટ્રક્શન) કરવામાં આવ્યું હતું. વન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં સિંહદર્શન (Illegal Lion Show) સંબંધિત કેસમાં આ પ્રકારની કાર્યવાહી પ્રથમ વખત કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
કડક કાયદાકીય કાર્યવાહી
વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ, 1972ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આ કાયદા હેઠળ ગુનો સાબિત થાય તો 3થી 7 વર્ષ સુધીની જેલ અને અન્ય કાયદેસરની સજાની જોગવાઈ છે. વન વિભાગે જણાવ્યું છે કે FSL રિપોર્ટ અને અન્ય પુરાવાના આધારે જો અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:અમરેલી સિંહ હુમલો: ગેરકાયદે સિંહદર્શન બન્યું જીવલેણ, ‘ભગત’ સિંહના હુમલા પાછળ શું છે કારણ?
આ પણ વાંચો:અમરેલીમાં સિંહ હુમલામાં ગેરકાયદેસર સિંહદર્શનની શંકા, મોબાઈલ ડેટા ફોર્મેટથી તપાસ તેજ
આ પણ વાંચો:ગિરનારમાં નરભક્ષી વનરાજનો માસુમ પર હુમલો: 12 વર્ષના મયુરને ખેંચી ગયો
