Amreli News/ અમરેલીમાં સિંહ હુમલામાં ગેરકાયદેસર સિંહદર્શનની શંકા, મોબાઈલ ડેટા ફોર્મેટથી તપાસ તેજ

અમરેલીના લીલીયામાં સિંહ હુમલામાં યુવકના મોત બાદ ગેરકાયદેસર સિંહદર્શનની શંકા વધુ ઘેરી બની છે. મોબાઈલમાંથી ફોટા-વીડિયો ડિલીટ કરી ડેટા ફોર્મેટ કરાતા વન વિભાગે બે શંકાસ્પદ યુવકોની પૂછપરછ શરૂ કરી છે અને મોબાઈલ FSLમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others Breaking News
Amreli Lion Attack

Amreli News:અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત નીપજ્યા બાદ સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે. વન વિભાગની પ્રાથમિક તપાસમાં ગેરકાયદેસર સિંહદર્શન, સિંહની પજવણી અને મોબાઈલમાંથી ફોટા-વીડિયો ડિલીટ કરીને ડેટા ફોર્મેટ કરાયાની આશંકા સામે આવતાં તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.

અમરેલીમાં યુવક પર સિંહનો હુમલો (Amreli Lion Attack)

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની સીમા નજીક 8 જુલાઈએ બનેલી સિંહ હુમલાની ઘટનામાં 21 વર્ષીય સોહિલ મેમણનું મોત થતાં વન વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઘટનાને લઈને ગેરકાયદેસર સિંહદર્શન અને વન્યપ્રાણીઓને ઉશ્કેરવાની આશંકા વધુ ઘેરી બની રહી છે.

હુમલાવર  સિંહને વન વિભાગે પાંજરે પૂર્યો

શેત્રુંજી ડિવિઝનના DCF ચિરાગ અમીનના જણાવ્યા મુજબ, ઘટના સમયે સિંહ અને સિંહણ મેટિંગ પિરિયડમાં હતા. આ દરમિયાન યુવકો દ્વારા સિંહની પજવણી અથવા ઉશ્કેરણી થઈ હોવાની શક્યતા છે. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને અંદાજે 9થી 12 વર્ષના નર સિંહને ટ્રાંન્કૂલાઈઝ કરીને પાંજરે પૂર્યો છે.

મૃતદેહ છોડાવવા ભારે જહેમત

હુમલા બાદ સિંહ મૃતદેહને જંગલમાં ખેંચી ગયો હતો અને લાંબા સમય સુધી મૃતદેહ છોડવા તૈયાર નહોતો. વન વિભાગની ટીમે ભારે સુરક્ષા વચ્ચે ઘટનાસ્થળે પહોંચી ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

યુવકોએ મોબાઈલ ડેટા ફોર્મેટ કર્યો, સિંહની પજવણીની આશંકા  

તપાસ દરમિયાન વન વિભાગે ઘટનાસ્થળે હાજર રહેલા બે શંકાસ્પદ યુવકોની પૂછપરછ શરૂ કરી છે. તેમના મોબાઈલ ફોનની તપાસમાં જાણવા મળ્યું કે સિંહદર્શનના ફોટા અને વીડિયો ડિલીટ કરીને મોબાઈલનો ડેટા ફોર્મેટ કરવામાં આવ્યો હતો. હવે આ મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL)માં મોકલી ડિલીટ થયેલો ડેટા રિકવર કરવાની કાર્યવાહી હાથ ધરાશે.

DCFએ ગેરકાયદેસર સિંહદર્શન અંગે કરી સ્પષ્ટતા

DCF ચિરાગ અમીને જણાવ્યું કે, જંગલમાં કે ગામ નજીક સહજ રીતે સિંહ દેખાય તેને સિંહદર્શન કહી શકાય નહીં. પરંતુ સિંહને જોવા માટે તેના વિસ્તારમાં પ્રવેશ કરી તેની પજવણી કરવી, ખલેલ પહોંચાડવી અથવા ઉશ્કેરવું ગેરકાયદેસર સિંહદર્શન (Illegal Lion Show)ગણાય છે, જે વન્યપ્રાણી સંરક્ષણ કાયદા હેઠળ ગંભીર ગુનો છે.

વન વિભાગની કામગીરી સામે પણ ઉઠ્યા સવાલ

સિંહપ્રેમી મયંક ભટ્ટે આ ઘટનાને ગંભીર ગણાવી વન વિભાગના પેટ્રોલિંગ અને ટ્રેકિંગ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે દાવો કર્યો કે સ્થાનિકોમાં ‘ભગત’ તરીકે ઓળખાતો આ સિંહ સામાન્ય રીતે શાંત સ્વભાવનો હતો, પરંતુ મેટિંગ પિરિયડ દરમિયાન તેની પજવણી અથવા ઉશ્કેરણીના કારણે હુમલો થયો હોઈ શકે છે. તેમણે સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરીને ગેરકાયદેસર સિંહદર્શન સાથે સંકળાયેલા તમામ તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.


આ પણ વાંચો:અમરેલીમાં સિંહના હુમલામાં 21 વર્ષીય યુવકનું મોત

આ પણ વાંચો:ભાવનગરના પાલિતાણા નજીક સિંહના હુમલા મામલે વન વિભાગની સ્પષ્ટતા, લોકોને ઘોંઘાટ ન કરવાની અપીલ

આ પણ વાંચો:પાલિતાણામાં માલધારી પર સિંહનો જીવલેણ હુમલો, LIVE VIDEO વાયરલ થતાં મચી ચકચાર