Amreli News : અમરેલી (Amreli) જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક સિંહના હુમલા (Lion Attack)માં 21 વર્ષીય યુવકનું કરુણ મોત થયું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે. મૃતકની ઓળખ સોહીલ મેમણ તરીકે થઈ છે.
પ્રાથમિક માહિતી મુજબ, રેવન્યુ અને રિઝર્વ ફોરેસ્ટની સરહદ નજીક કેટલાક યુવકો સિંહ દર્શન કરવા પહોંચ્યા હતા. તે દરમિયાન સિંહ અને સિંહણ અચાનક આક્રમક બન્યા અને સોહીલ મેમણ (Sohil Memon)પર હુમલો કર્યો. હુમલા બાદ સિંહોએ યુવકને દૂર સુધી ખેંચી લઈ જતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં લીલીયા (Lilia) વન વિભાગ (Forest Department)અને પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે હુમલા બાદ પણ સિંહો મૃતદેહની આસપાસ જ હોવાથી બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી હતી. વન વિભાગે વિશેષ સાવચેતી રાખી સરકારી વાહનોની મદદથી સિંહોને દૂર ખદેડ્યા બાદ મૃતદેહ પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
ઘટના બાદ વન વિભાગે સિંહ દર્શન કરવા આવેલા અન્ય યુવકોની પૂછપરછ શરૂ કરી છે. યુવકો જંગલ વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા, તેઓને કોઈએ માર્ગદર્શન આપ્યું હતું કે નહીં અને સુરક્ષા નિયમોનું પાલન થયું હતું કે નહીં તે મુદ્દે તપાસ ચાલી રહી છે.
તાજેતરના સમયમાં ગીર અને આસપાસના વિસ્તારોમાં સિંહોના હુમલાની ઘટનાઓમાં વધારો નોંધાતા સ્થાનિકોમાં ચિંતા વધી છે. અંટાળીયા વિસ્તારમાં સિંહોની અવરજવર અંગે અગાઉથી માહિતી હોવા છતાં સુરક્ષા વ્યવસ્થા કેટલી અસરકારક હતી તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે. સમગ્ર ઘટનાની તપાસ બાદ જ વધુ વિગતો સામે આવશે.
આ પણ વાંચો: રાજુલા સિંહ હુમલા કેસમાં મોટો નિર્ણય: માનવભક્ષણની પુષ્ટિ બાદ 4 સિંહોને આજીવન સક્કરબાગ ઝૂમાં રાખાશે
આ પણ વાંચો: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો: આરોપી સાથે ઘટનાનું પુનઃનિર્માણ, પુરાવા સાથે કબૂલાત સુસંગત હોવાનો દાવો
આ પણ વાંચો: ઉત્તરાખંડ જવા નીકળેલા યુવકનું સિંહણનો હુમલાથી મોત, માત્ર ખોપરી મળતાં ચકચાર
