Amreli News/ ઉત્તરાખંડ જવા નીકળેલા યુવકનું સિંહણનો હુમલાથી મોત, માત્ર ખોપરી મળતાં ચકચાર

અમરેલી (Amreli) ના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક મોડી રાત્રે વતન ઉત્તરાખંડ જવા નીકળેલા પરપ્રાંતીય યુવક પ્રકાશ ચંદ્ર પર સિંહણએ જીવલેણ હુમલો કરતાં તેનું મોત નીપજ્યું હતું

Top Stories Gujarat
Amreli

Amreli News: અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામ નજીક મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સ્થાનિક હોટલ-રેસ્ટોરન્ટમાં કામ કરતા અને પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે નીકળેલા પ્રકાશ ચંદ્ર નામના પરપ્રાંતીય યુવક પર સિંહણએ જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, યુવક રાત્રિના સમયે પોતાના ગંતવ્ય તરફ જઈ રહ્યો હતો ત્યારે સિંહણના હુમલાનો ભોગ બન્યો હતો. હુમલો એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળેથી યુવકની માત્ર ખોપરી જ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર એકત્ર થયા હતા. આ બનાવને પગલે કોવાયા અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. સ્થાનિક લોકોમાં વનવિભાગ સામે રોષ પણ જોવા મળી રહ્યો છે અને સિંહોની વધતી અવરજવર અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સૂચના મળતાં જ રાજુલા રેન્જ વનવિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે સ્થળનું નિરીક્ષણ કરીને જરૂરી તપાસ શરૂ કરી છે. મૃતકના અવશેષોને કબજે લઈને આગળની કાનૂની અને વહીવટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વનવિભાગના અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ આસપાસના ગામોના લોકોને સાવચેત રહેવા અને રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

આ ઘટનાએ ફરી એકવાર માનવ-સિંહ સંઘર્ષના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા અસરકારક પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.