Usa News : અમેરિકા (USA)માં પાર્સલ ફ્રોડ કેસ (Parcel Fraud)માં ઝડપાયેલા ગુજરાતી વિદ્યાર્થી લક્ષિત પટેલની પોલીસ પૂછપરછનો વીડિયો સોશિયલ મીડિયા અને યુટ્યુબ પર વાયરલ થયો છે. વીડિયોમાં લક્ષિત અમેરિકન પોલીસ સમક્ષ હાથ જોડીને પોતાની ભૂલો સ્વીકારતો અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી આપતો જોવા મળે છે.
માહિતી મુજબ, લક્ષિત પટેલ (Lakshit Patel)સપ્ટેમ્બર 2024માં સ્ટુડન્ટ વિઝા (Student Visa)પર અમેરિકા પહોંચ્યો હતો. અમેરિકા પહોંચ્યાના થોડા જ સમયમાં તે કથિત પાર્સલ કલેક્શન નેટવર્ક સાથે જોડાયો હતો. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, તે રોકડ રકમ અને કિંમતી સામાન ધરાવતા પાર્સલ એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ કરતો હતો.
પૂછપરછ દરમિયાન લક્ષિતે જણાવ્યું કે ભારતમાં રહેતા તેના પરિચિત ‘રાજ’ નામના વ્યક્તિએ તેને વોટ્સએપ મારફતે પાર્સલ ઉપાડવાનું કામ આપ્યું હતું. દરેક પાર્સલ બદલ તેને આશરે 100 ડોલર મળવાના હતા. શરૂઆતમાં તેણે પાર્સલમાં શું છે તેની જાણ ન હોવાનું કહ્યું હતું, પરંતુ બાદમાં સ્વીકાર્યું કે તેને આ પ્રવૃત્તિ ગેરકાયદેસર હોવાની જાણ હતી.
પોલીસે પૂછપરછ દરમિયાન જણાવ્યું કે લક્ષિત પટેલે (Lakshit Patel)અગાઉ પણ અનેક સ્થળોએથી પાર્સલ ઉપાડ્યા હતા. તેણે સ્વીકાર્યું કે એક પાર્સલ ખોલતા તેમાં આશરે 18 હજાર ડોલર રોકડા મળ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ, તે શિકાગોમાં અન્ય લોકો સુધી આ રકમ પહોંચાડતો હતો.
વિડિયોમાં લક્ષિતે રૂદ્ર અને પાર્થ સહિત કેટલાક અન્ય લોકોના નામ પણ લીધા હતા અને દાવો કર્યો હતો કે સમગ્ર નેટવર્કનું સંચાલન ‘રાજ’ કરતો હતો. પોલીસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે લક્ષિત શરૂઆતથી જ સાચી માહિતી છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસને તેના મોબાઇલમાંથી મળેલી માહિતીના આધારે અધિકારીઓએ એવો દાવો કર્યો કે લક્ષિત અમેરિકા મુખ્યત્વે ભણવા કરતાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિ દ્વારા કમાણી કરવા આવ્યો હતો. જોકે, લક્ષિતે સતત પોતે ભણવા માટે અમેરિકા આવ્યો હોવાનું જણાવ્યું હતું.
આ કેસમાં લક્ષિતની ધરપકડ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તે વિસ્કોન્સિન રાજ્યની ડોજ કાઉન્ટીમાં એક વૃદ્ધ વ્યક્તિ સાથે થયેલા ફ્રોડના કેસમાં આશરે 81 હજાર ડોલર ભરેલું પાર્સલ લેવા પહોંચ્યો હતો. ત્યારબાદ કોર્ટે તેના માટે પાંચ લાખ ડોલરનો બોન્ડ નક્કી કર્યો હતો.
જાન્યુઆરી 2025માં કોર્ટ દ્વારા તેને નવ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી. અહેવાલો મુજબ સજા પૂર્ણ થયા બાદ તેને ભારત પરત મોકલવામાં આવ્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. જોકે, આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર ગણાતો ‘રાજ’ હજુ પણ અમેરિકન તપાસ એજન્સીઓની પકડથી દૂર હોવાનું જણાવવામાં આવે છે.
અમેરિકામાં પાર્સલ ફ્રોડ (Parcel Fraud)નેટવર્ક સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી
આ કેસ બાદ અમેરિકામાં પાર્સલ ફ્રોડ (Parcel Fraud)નેટવર્ક સામે કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી છે. તપાસ એજન્સીઓએ આવા ગેરકાયદેસર પાર્સલ કલેક્શન અથવા મની મ્યુલ પ્રવૃત્તિ (Money Mule Scam)થી દૂર રહેવાની અપીલ કરી છે. હાલ વાયરલ થયેલો પૂછપરછનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
