Gujarat Heatwave Forecast 2026: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માર્ચ મહિનામાં જ પોતાના આકરા તેવર દેખાડવાનું શરૂ કરી દીધું છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી ફૂંકાતા સૂકા અને ગરમ પવનોએ સમગ્ર રાજ્યને ભઠ્ઠીમાં ફેરવી દીધું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક એટલે કે 2 દિવસ માટે રાજ્યમાં હીટવેવની (Heatwave) ગંભીર આગાહી કરવામાં આવી છે.
કયા જિલ્લામાં ઓરેન્જ અને ક્યાં યલો એલર્ટ (Heatwave)?
ગરમીના પ્રકોપને જોતા હવામાન વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓ માટે એલર્ટ જાહેર કર્યા છે. જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં આજે આકાશમાંથી અગનગોળા વરસવાની શક્યતા હોવાથી અત્યંત ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, આણંદ, પાટણ, બનાસકાંઠા, કચ્છ, મોરબી, જૂનાગઢ, પોરબંદર અને અમરેલી જેવા જિલ્લાઓમાં પણ ભારે ગરમીની આગાહી સાથે હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

દિવસ ધગધગતો, રાત પણ રહેશે ગરમ!
લોકોને માત્ર દિવસે જ નહીં, પરંતુ રાત્રિના સમયે પણ બફારામાંથી રાહત નહીં મળે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસ રાત્રિનું તાપમાન પણ ઊંચું રહેશે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભારે ભેજવાળા પવનો ફૂંકાશે, જેના કારણે અસહ્ય બફારાનો અનુભવ થશે. જોકે, એક રાહતના સમાચાર એ છે કે 48 કલાક પછી ગરમીમાંથી આંશિક રાહત મળવાની સંભાવના છે.

વલ્લભ વિદ્યાનગરમાં 62 વર્ષનો રેકોર્ડ તૂટ્યો!
ગરમીનો પારો આ વખતે કેટલો ઘાતક છે તેનો અંદાજ આણંદના વલ્લભ વિદ્યાનગરના તાપમાન પરથી લગાવી શકાય છે. હાલમાં વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન ૪૨.૩ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે, જે સામાન્ય તાપમાન કરતા ૮.૭ ડિગ્રી જેટલું વધુ ઊંચું નોંધાયું છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી મુજબ જોઈએ તો, છેલ્લા ૬૨ વર્ષના ઇતિહાસમાં માર્ચ મહિનામાં આટલું ઊંચું તાપમાન નોંધાયું હોય તેવી આ માત્ર ત્રીજી ઘટના છે.
બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બની ગયા છે અને લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. વહીવટી તંત્રએ પણ નાગરિકોને હાઇડ્રેટેડ રહેવા અને ગરમીથી બચવા અપીલ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ગરમીનો કહેર, અમદાવાદ-ગાંધીનગરમાં તાપમાન સામાન્ય કરતાં 7°C વધારે
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાતમાં ભ્રષ્ટાચાર પીગળ્યો! વલસાડ અને નવસારીમાં ગરમી વધતા જ ડામર રોડ ઓગળ્યા
આ પણ વાંચો: ગુજરાતમાં અકાળ ગરમીનો પ્રકોપ, હીટવેવની ચેતવણી, તાપમાન 39 ડિગ્રીને પાર
