Gandhinagar News: ગાંધીનગરની ગિફ્ટ સિટીને આંતરરાષ્ટ્રીય કોમોડિટી ટ્રેડિંગના (GIFT City Commodity Trading Hub) મોટા કેન્દ્ર તરીકે વિકસાવવાની દિશામાં કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે 13 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા ગેઝેટ નોટિફિકેશન દ્વારા ‘કોમોડિટી ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ’ને ફાઇનાન્શિયલ પ્રોડક્ટનો દરજ્જો આપ્યો છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસીઝ સેન્ટર્સ ઓથોરિટી (IFSCA)ની ભલામણના આધારે લેવાયેલા આ નિર્ણયથી GIFT IFSCમાં કાર્યરત સંસ્થાઓ માટે કોમોડિટી ટ્રેડિંગના નવા વિકલ્પો ખુલશે.
ભારતીય વિદેશ વ્યાપાર સંસ્થાન (IIFT)ના ગિફ્ટ સિટી કેમ્પસના વડા રાજેન્દ્ર પ્રસાદ શર્માએ આ નિર્ણયને આવકાર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, ભારતની આયાતમાં અનેક કોમોડિટીઝનો મોટો હિસ્સો છે અને તેનું સોર્સિંગ વિશ્વના અલગ-અલગ દેશોમાંથી થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમોડિટીના ભાવમાં થતી વધઘટ વેપારીઓની સાથે સમગ્ર અર્થતંત્રને પણ અસર કરે છે. હવે આ કોન્ટ્રાક્ટને ફાઇનાન્શિયલ પ્રોડક્ટનો દરજ્જો મળતાં ગિફ્ટ સિટી મારફતે આંતરરાષ્ટ્રીય વેપાર કરતી સંસ્થાઓને નવી તકો મળી શકશે.
GIFT City Commodity Trading Hub: ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટની મોંઘવારી પર અસર
રાજેન્દ્ર પ્રસાદ શર્માના જણાવ્યા અનુસાર, કોમોડિટી ટ્રેડિંગમાં સૌથી મોટું જોખમ ભાવમાં થતી વધઘટનું છે. ઉદાહરણ તરીકે, ભારત પોતાની ક્રૂડ ઓઇલની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત કરે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં મોટો ઉછાળો આવે તો તેની અસર ઊર્જા ખર્ચ અને પરિવહન ખર્ચ પર પડે છે. અંતે તેની અસર મોંઘવારીમાં પણ જોવા મળી શકે છે. આવી સ્થિતિમાં કોમોડિટી ટ્રેડિંગ કોન્ટ્રાક્ટ અને સંબંધિત નાણાકીય વ્યવસ્થાઓ વેપારીઓને ભાવના જોખમનું સંચાલન કરવામાં મદદરૂપ બની શકે છે.
તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ETF) અને ઇન્સ્યોરન્સ જેવી સેવાઓ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ તરીકે ઓળખાતી હતી. હવે કોમોડિટી ટ્રેડિંગ કોન્ટ્રાક્ટનો પણ આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય કોમોડિટી વેપાર માટે GIFT IFSCમાં નવી તકો ઊભી થવાની શક્યતા છે.
IIFT શરૂ કરશે પાંચ દિવસનો એક્ઝિક્યુટિવ સર્ટિફિકેટ પ્રોગ્રામ
કોમોડિટી ટ્રેડિંગના નવા ક્ષેત્રમાં કુશળ માનવબળ તૈયાર કરવા માટે IIFT દ્વારા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજેન્દ્ર પ્રસાદ શર્માએ જણાવ્યું હતું કે, સંસ્થા કોમોડિટી ટ્રેડિંગ વિષય પર પાંચ દિવસનો એક્ઝિક્યુટિવ સર્ટિફિકેટ પ્રોગ્રામ શરૂ કરવાનું વિચારી રહી છે.
આ ઉપરાંત ભવિષ્યમાં ‘સેન્ટર ફોર ગ્લોબલ કોમોડિટી ટ્રેડિંગ એન્ડ ટ્રેડ ફાઇનાન્સ’ સ્થાપવાની દિશામાં પણ વિચારણા ચાલી રહી છે. કોમોડિટી ટ્રેડિંગમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહારો અને વેપાર ધિરાણની જરૂરિયાત રહેતી હોવાથી આ ક્ષેત્રમાં વિશેષ તાલીમ અને સંશોધનની તકો ઊભી થઈ શકે છે.
ગુજરાતની કંપનીઓને વૈશ્વિક બજારમાં નવી તક
રાજેન્દ્ર પ્રસાદ શર્માના જણાવ્યા અનુસાર, ગુજરાત પાસે કોમોડિટી ટ્રેડિંગ હબ બનવા માટે જરૂરી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં મોટા બંદરો, ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વેરહાઉસિંગ અને કૃષિ આધારિત વેપારનું મજબૂત નેટવર્ક છે.
AWL એગ્રી બિઝનેસ, ગોકુલ અને કારગિલ જેવી મોટી કોમોડિટી ટ્રેડિંગ કંપનીઓની હાજરી પણ ગુજરાત માટે અનુકૂળ સ્થિતિ ઊભી કરે છે. નવા નિયમનકારી માળખા હેઠળ આવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ GIFT Cityમાંથી કામગીરી કરવા રસ દાખવી શકે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે IFSCA દ્વારા આ વ્યવસ્થાનું ઓપરેશનલ માળખું સ્પષ્ટ થયા બાદ GIFT Cityને વૈશ્વિક કોમોડિટી ટ્રેડિંગ હબ તરીકે વિકસાવવાની દિશામાં આગળ વધી શકાશે.
આ પણ વાંચો: ફ્લેટ કે ઓફિસ બુક કરતા પહેલાં ચેક કરો RERA! GIFT Cityના પ્રોજેક્ટ સામે મોટી કાર્યવાહી
આ પણ વાંચો: ગુજરાતનું GIFT સિટી હવે વૈશ્વિક નકશા પર: ભારતનું પ્રથમ ડિઝાસ્ટર રેઝિલિયન્સ હબ બન્યું
